આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડની એસેટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓ એ. બાલાસુબ્રમણ્યન સાથે થયેલી ટુંકી વાતચીતના અંશો અહી પ્રસ્તુત છે. તેમણે રિઝર્વ બેંક, ફેડરલ રિઝર્વ, ચીન, ભારતીય અર્થતંત્ર વિશે પણ ટુંકમાં સંકેત આપ્યા છે. જેમાંથી આગામી સમયની ઝલક મળી શકે
બજારનું ભાવિ કેવું લાગે છે?
ઓઈલ અને કોમોડિટીની કિંમતો ઘટી એ પછી ઈક્વિટી બજારોમાં ઉછાળો આવ્યો છે. વિકાસદર સુસ્ત રહ્યા છતાં યુએસ ફેડરલ દ્વારા વ્યાજદરો વધારવામાં આવશે એવા ડરમાં ઘટાડો થયો હતો, કિંતુ એ પછી તાજેતરમાં જ યુએસનો ફુગાવાનો દર ઊંચો આવતા હવે વ્યાજદર આક્રમક રીતે વધવાની ચિંતા આવી પડી છે. વિશ્વમાં રિસેશનનો ભય પણ ફેલાઈ રહયો છે. જોકે માલની હેરફેર અને નૂરમાં વધારો થયો છે. રશિયા-યુક્રેન વચ્ચેની તંગદિલીમાં ઘટાડો થયો છે. ફુગાવાની ચિંતા ધીમેધીમે દૂર થતી જશે. કંપનીઓની પ્રથમ ત્રિમાસિક ગાળાની કામગીરી વિશ્લેષકોની અપેક્ષાથી અધિક સારી રહી છે. ઈક્વિટી બજારમાં નાણાંનો પ્રવાહ વધ્યો છે. આ બધાં કારણોને પગલે બજારનું લાંબા ગાળાનું ભાવિ સારું લાગે છે. ટુંકાગાળા માટે અનિશ્રિંતતા રહી શકે.
વ્યાજદરમાં વધારાની ભારતના વિકાસ પર કેવી અસર થશે?
ભારતમાં વ્યાજદર વધશે. આરબીઆઈએ વિકાસ અને ફુગાવા વચ્ચે સારું સંતુલન જાળવી રાખ્યું છે. વ્યાજદર વધારવામાં આવ્યા તેમ છતાં ડિપોઝિટ્સ રેટ્સ વધ્યા નથી, કારણ કે ધિરાણના ઉપાડમાં વિશેષ વધારો થયો નથી.આરબીઆઈ વિકાસ અને ફુગાવા નિયંત્રણમાંથી વિકાસને મહત્ત્વ આપી એ જોશે કે મૂડી મોંઘી ન બને. આરબીઆઈ સ્થાનિક વૃદ્ધિને ટેકો આપવા માટે મૂડીની કિંમતને પોસાય તેવી અપેક્ષા રાખે છે. ભારતની સ્થિતિ અન્ય ઊભરતી બજારો કરતાં સારી છે
ઈક્વિટી સ્કીમ્સમાંથી રોકાણ પ્રવાહ બહાર જઈ રહ્યો છે. શું એની ચિંતા તમને થાય છે?
બચતના પારંપરિક ખ્યાલમાં હવે પરિવર્તન આવ્યું છે એટલે હવે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં નાણાંનો પ્રવાહ વધુ આવતો રહેશે. મ્યુચ્યુઅલ ફંડ્સ બચતને ઈક્વિટી પ્રતિ વાળવાનું મુખ્ય સાધન બની ગયાં છે. એફઆઈઆઈ વેચાણ કરે છે તો સ્થાનિક નાણાસંસ્થાઓ સામે પડીને ખરીદી કરી રહી છે.
શું તમે માનો છો કે ફેડરલ રિઝર્વ વ્યાજદર ફરી વધારશે એ પછી એફઆઈઆઈના રોકાણની જાવકનો પ્રવાહ શરૂ થશે?
જેક્સન હોલની મીટિંગ દરમિયાન ફેડે ફુગાવા વિશેની ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ તેઓ આક્રમક દર વધારાથી દૂર રહેશે એવું લાગે છે, કિંતુ સંજોગો તેમને વ્યાજ વધારા અંગે ફરજ પાડી શકે. ભારત અને અન્ય ઊભરતી બજારોમાં એફઆઈઆઈ ભંડોળની ફાળવણી કરવાનું ચાલુ રાખશે. જોકે તેનું પ્રમાણ વધતું ઓછું થઈ શકે છે. ભારતના વ્યાજદર સૌથી ઓછા છે અને ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાજદરનો તફાવત સૌથી ઓછો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજદર વધારશે તેની અસર દેશના વિકાસ દરને કેવી થશે?
જુઓ, રિઝર્વ બેન્ક રેટમાં તબક્કાવાર વધારો કર્યો છે. હજી અડધા ટકાનો વધારો કરાય એવી સંભાવના છે. કંપનીઓ ધિરાણ માટેના આઠથી સાડાઆઠ ટકાના ખર્ચને સહી શકે એમ છે. એનાથી અધિક વધારો કરવામાં આવશે તો અર્થતંત્ર મંદ પડી શકે છે.
ચીનના અર્થતંત્રની ગતિ ધીમી પડે એની અસર ભારત પર કેવી થશે?
ચીન તેના અર્થતંત્રને વેગ આપવા વ્યાજદરમાં ઘટાડો કરી રહ્યું છે. બાકીનું વિશ્વ ફુગાવા સામે લડી રહ્યું છે. ચીન વૃદ્ધિના માર્ગે પુનઃ આગળ વધે એને સમય લાગશે.