રોકાણકારોનો હિંડનબર્ગના આરોપો છતાં વિશ્વાસ જળવાયોઃ અદાણી

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકી શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી રિપોર્ટમાં ખોટા અને મનઘડંત આરોપ લગાવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપોનું કોમ્બિનેશન હતો. એ આરોપો 2004થી 2015ની વચ્ચેના હતા. જેનો ઉદ્દેશ અમારી શાખને નુકસાન પહોંચાડવાનો હતો.

ભારતીય અબજોપતિ વેપારી ગૌતમ અદાણીએ વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકોને કહ્યું હતું કે અમારી કંપનીના શેરોમાં ઘટાડો થાય અને અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો હેતુ આ રિપોર્ટનો હતો, કેમ કે કોઈ પણ રેટિંગ એજન્સીએ અમારા રેટિંગમાં કાપ નથી મૂક્યો.

તેમણે કહ્યું હતું કે અમારો ટ્રેક રેકોર્ડ ખુદ બોલે છે. આ પડકારોથી પસાર થવા દરમ્યાન અમારા સ્ટેકહોલ્ડરોએ અમને ટેકો પૂરો પાડ્યો હતો. એના માટે હું તેમનો આભારી છું. આ સંકટ દરમ્યાન પણ અમે આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી અબજો ડોલર એકત્ર કર્યા હતા. અમારી બેલેન્સશીટ, અમારી સંપત્તિ અને અમારો રોકડપ્રવાહ સતત મજબૂત થઈ રહ્યો છે અને હવે અમે પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત છીએ, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અમારી આરોપો પછી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટી બનાવવામાં આવી હતી. કમિટીએ તપાસ કરી અને એને કંઈ ખોટું નથી મળ્યું, તેમણે કહ્યું હતું કે રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહ્યો હતો. અમે કેટલાય દેશોમાં વિસ્તરણ કર્યું છે. અમે પ્રતિબદ્ધ છીએ પ્રતિ દિન અમે કંપનીને આગળ લઈ જવાની નેમ ધરાવીએ છીએ.