ફિલ્મ જોવા માટે ખરીદવી પડશે ઈ-ટિકીટ, GST કાઉન્સિલના 7 મોટા નિર્ણય…

નવી દિલ્હીઃ જીએસટી પરિષદની નવી દિલ્હીમાં 35મી બેઠક થઈ હતી. બેઠકની અધ્યક્ષતા નાણાંપ્રધાન સીતારમણે કરી હતી. આ બેઠકમાં વાર્ષિક રિટર્ન ભરવાની સમય મર્યાદાને વધારવા સહિત જીએસટી રજિસ્ટ્રેશનને પણ સરળ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે માત્ર આધાર નંબરથી જ જીએસટી રજિસ્ટ્રેશન થઈ જશે. આ ઉપરાંત ઘણાં અન્ય મહત્વપૂર્ણ નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યાં. ત્યારે આવો જાણીએ કે બેઠકમાં કયા કયા નિર્ણય લેવાયાં છે.

જીએસટી કાઉન્સિલના આ છે સાત મોટા નિર્ણય, જે મોટાપાયે અસર કરશે…

  • નફાખોરી વિરોધી રાષ્ટ્રીય સંગઠનનો કાર્યકાળ બે વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેનો કાર્યકાળ આ જ વર્ષે સમાપ્ત થઈ રહ્યો હતો.
  • નફાખોરી કરનારી કંપનીઓ પર લાગનારા દંડને પણ કઠોર બનાવવામાં આવ્યો છે. અત્યારે નફાખોરીની રકમ અને 25 હજાર રુપિયા દંડ થાય છે પરંતુ હવે 30 દિવસની અંદર પણ આ રકમને જમા ન કરાવવા પર નફાખોરી વાળી રકમનો 10 ટકા જેટલો ભાગ વધારે જમા કરાવવાનો રહેશે.
  • જીએસટી માટે વાર્ષિક રિટર્ન ભરવાની સમય મર્યાદા 30 જૂન છે જેને વધારીને 30 ઓગસ્ટ 2019 સુધી કરી દેવામાં આવી છે. મે મહિના માટે જીએસટી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ શુક્રવારના રોજ સમાપ્ત થઈ રહી હતી. પરંતુ ઈ વે બિલ પ્રણાલીમાં કેટલીક ક્ષતિઓ આવવાના કારણે આ અવધિમાં પણ બે મહિનાનો વધારો કરવામાં આવ્યો છે.
  • જીએસટી માટે રજિસ્ટ્રેશનને સરળ બનાવી દેવામાં આવ્યું છે. આ માટે પહેલાં ઘણાં દસ્તાવેજોની જરુર પડતી હતી પરંતુ હવે માત્ર આધાર નંબરથી જ કામ થઈ જશે અને તેના આધાર પર જ ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જશે.
  • હવે મલ્ટિપ્લેક્સને ઈલેક્ટ્રોનિક ટિકીટ જાહેર કરવાનું અનિવાર્ય બનાવી દેવામાં આવ્યું છે. આનાથી કેન્દ્ર અને રાજ્યના મહેસૂલમાં પણ વધારો થશે.
  • દેશમાં ઈલેકટ્રીક વાહનોને વેગ આપવા માટે તેના પર જીએસટીને 12 ટકાથી ઓછો કરીને 5 ટકા અને ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પર લાગનારા કરને 18 ટકાથી ઓછો કરીને 12 ટકા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ મામલાને ફિટમેન્ટ કમિટીને મોકલી દેવામાં આવ્યો છે અને કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આગલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
  • લોટરી પર જીએસટીને લઈને પ્રધાનોના સમૂહે પોતાનો રિપોર્ટ આપી દીધો છે અને તેની ચર્ચા કરવામાં આવી છે. આના પર એટોર્ની જનરલનું મંતવ્ય લેવામાં આવશે કારણ કે આ સાથે જોડાયેલ એક મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે આ સંબંધમાં નિર્ણય આપેલો છે.

 

ઉલ્લેખનીય છે કે આગામી માસમાં કેન્દ્રીય પૂર્ણ બજેટ રજૂ થવા જઇ રહ્યું છે અને નાણાંપ્રધાન તરીકે આ ખાતું સંભાળતાં આવેલાં અરુણ જેટલી નથી અને નવા નવા નાણાંપ્રધાન બનેલાં નિર્મલા સીતારામનની હાલ વિવિધ જૂથો સાથે બજેટરી પ્લાનિંગને આખરી પ્રારુપ આપવા માટેની બેઠકોનો દોર જારી છે. એવામાં યોજાયેલી આ બેઠકના નિર્ણયો સામે આવ્યાં છે.