નવી દિલ્હી: આર્થિક મંદીમાંથી બહાર નિકળવા અને રોકાણ વધારવા માટે મોદી સરકાર દેશના પચીસ મોટા ઉદ્યોગપતિ સાથે વાતચીત કરી રહી છે. આર્થિક મોરચે અનેક ક્ષેત્રોમાં નરમાઈને પગલે ટીકાનો સામનો કરી રહેલી મોદી સરકાર ઉદ્યોગપતિઓની સમસ્યા અંગે જાણકારી મેળવી રહી છે. સરકારે ટાટા, રિલાયન્સ, બિરલા, મહિન્દ્રા, અદાણી, ઈન્ફોસિસ અને વિપ્રો જેવી કંપનીઓના વડાઓ સાથે ચર્ચા શરુ કરી દીધી છે. આ કંપનીઓ સાથે વાત કરીને સુસ્ત પડી ગયેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચડાવવા અને કંપનીઓ દ્વારા વ્યાપારમાં નડી રહેલી સમસ્યાઓનો સમાધાન પર વાતચીત કરવામાં આવી રહી છે.
એક રિપોર્ટ અનુસાર, આ પહેલ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સેલ (પીએમસી) હેઠળ શરું કરી છે. જેના હેઠળ ઓટોમોબાઈલ સેક્ટની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી સાથે ચર્ચા થઈ ચૂકી છે. ઓટો સેક્ટરમાં આવેલી મંદીને દૂર કરવા માટે વાતચીતથી કોઈ હલ નિકળી શકે છે. આ ઉપરાંત સરકારે હિન્દુસ્તાન યુનિલિવર સાથે પણ વાતચીત શરું કરી દીધી છે. મારુતિએ કારોબાર માટે ફાઈનાન્સની સમાસ્યાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે HUL એ પ્લાસ્ટિકનો મુદ્દો ઉઠાવતા તેની વ્યાપાર પર પડી રહેલી નકારાત્મક અસર અંગે જણાવ્યું.
તો આગામી દિવસોમાં પિયુષ ગોયલ વેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલ, ભારતી એરટેલ ગ્રુપના સુનીલ મિત્તલ, જેએસડબ્લ્યૂના સજ્જન જિંદાલ, સન ફાર્માના દિલીપ સંઘવી, એચડીએફસીના ચેરમેન દીપક પારેખ જેવા બિઝનેસ લિડર્સ સાથે મુલાકાત કરી પરામર્શ કરશે. સરકાર વિનિયામક, લાઈસન્સ, કે ધન સંબંધી સમસ્યાઓના નિરાકરણ માટે કોર્પોરેટ્સ સંબંધિત ઓથોરિટીઝની સાથે જોડવાનો પ્રયત્ન કરશે. એક અધિકારી અનુસાર સરકાર રોકાણમાં આવી રહેલી સમસ્યાઓની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારને આશા છે કે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડા બાદ કંપનીઓ નવી મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપિત કરશે.
મહત્વનું છે કે, વિશ્વની સૌથી મોટી રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે ચાલુ નાણાકિય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરના અનુમાનમાં ઘટાડો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2019 20માં ભારતનો આર્થિક વિકાસ દર 4.9 ટકા રહી શકે છે. જોકે, અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા મોદી સરકારે છેલ્લા દિવસોમાં કેટલાક મોટા નિર્ણયો લીધા છે પણ ગ્રાઉન્ડ લેવલે તેનો એટલો પ્રભાવ જોવા નથી મળ્યો. આ સ્થિતિમાં ઉદ્યોગપતિઓ સાથે પરામર્શ કરી સરકાર આ સમસ્યાથી બહાર નિકળવાનો પ્લાનિંગ કરી રહી છે.