ગુડ ન્યુઝઃ બેંકોની બેડ લોન્સની રિકવરી શરૂ; બેંક શેરો પર સકારાત્મક અસર પડશે

મુંબઈ – બેડ લોન્સથી પરેશાન બેંકોની લોન્સની  રિકવરી શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં આવા કેટલાંક કિસ્સા બન્યા છે. જેમાં  બેંકો ટૂંક સમયમાં મોટી રકમની રિકવરી મેળવશે.

પ્રાપ્ત અહેવાલ મુજબ ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી  કોડને લીધે એસ્સાર સ્ટીલ, પ્રયાગરાજ પાવર, રતનઈન્ડિયા અને રુચિ સોયા જેવી ચાર કંપનીઓની  એસેટ્સના વેચાણ મારફત આ મહિનાના અંત સુધીમાં 54,000 કરોડ  રૂપિયાની  વસુલી  થવાની આશા છે. જેમાં પણ એસ્સાર સ્ટીલને લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલરે લઈ લીધી  છે. જેના નાણાં મિત્તલે જમા પણ કરાવી દીધા હોવાનું જાણવા મળે છે.

આગામી વરસ 2020માં આવી ઈન્સોલ્વન્સી કોર્ટમાંથી વધુ રકમની  બેડ લોન્સની રિકવરી થવાની શક્યતા  વધી  ગઈ છે, કારણ કે આવા સખ્યાબંધ કેસોના નિકાલ આવવાના છે.

સરકારે  ઈન્સોલ્વન્સી કોર્ટની કારવાઈને વધુ ઝડપી અને વ્યવહારુ બનાવવાના પગલાં પણ ભર્યા છે.  આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહિત વિવિધ જાહેર ક્ષેત્રની  બેંકોની બેલેન્સશીટ મજબૂત થશે, જે બેન્કિંગ સેક્ટર અને માર્કેટ માટે ‘ગુડ ન્યુઝ’ છે. આખરે આની સકારાત્મક  અસર બેંક શેરો ઉપર પણ થઈ શકે છે.