સોનાના કિંમતો સાત વર્ષની ઊંચાઈએ : દસ ગ્રામના રૂ. 41,798

અમદાવાદઃ દેશમાં સોનાની કિંમતોમાં નવી ઊંચાઈએ પહોંચી હતી. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો હતો. સોનાની વૈશ્વિક માગમાં સતત વધારો થતાં કિંમતોમાં વધારો થયો હતો. એમસીએક્સ પર એપ્રિલ સોનાનો વાયદો 0.5 ટકા વધીને 10 ગ્રામદીઠ 41,798એ પહોંચ્યો હતો. સોનાની વૈશ્વિક કિંમતોમાં વધારો થતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવ હાજરમાં સાત વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા.

બીજી બાજુ ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો હતો. એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયદો 0.54 ટકા વધીને કિલોગ્રામદીઠ રૂ. 47,825એ પહોંચ્યો હતો.ચીનમાં કોરોના વાઇરસથી વધુ 349 જણનાં મોતના અહેવાલ આવ્યા હતા, જેથી કોરોના વાઇરસની વૈશ્વિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાની ધાસ્તીએ રોકાણકારોએ સાવધાની રૂપે સોનાની ખરીદદારી કરી હતી. આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતો છ ટકા વધી છે. વૈશ્વિક માર્કેટ કોરોના વાઇરસની વ્યાપક નકારાત્મક અસર પડવાની દહેશત રાખી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની હાજરમાં કિંમત ઔંસદીઠ 1,610.43 ડોલર હતી. કેટલાક વિશ્લેષકો આગામી સપ્તાહોમાં સોનાની કિંમતો ઔંસદીઠ 1,650 ડોલર થવાની આગાહી કરતા હતા.