નવી દિલ્હી- વીમા કંપનીઓ જ્યારે ગ્રાહકોની ફરિયાદો પર કોઈ કાર્યવાહી ન કરે તે સ્થિતિમાં લોકપાલ (વીમા ઓમ્બડ્સમેન) ગ્રાહકોની મદદ માટે આગળ આવે છે. વીમા કંપનીઓ માટે વીમા લોકપાલનો આદેશ બંધનકર્તા હોવાથી કંપનીઓ પાસે આનાથી બચવાની કોઈ શક્યતા રહેતી નથી. જોકે, સવાલ એ છે કે, કંપની લોકપાલનો આદેશ માની લે છતાં તેને લાગુ કરવામાં વિલંબ કરે અથવા તો આદેશ મુજબ કાર્યવાહી ન કરે તો શું કરવું?
ભારતીય ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાલમાં જ એક પરિપત્ર જાહેર કરીને કહ્યું છે કે, ગત વર્ષે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ઘણી વીમા કંપનીઓએ નિયમઅનુસાર તેમના આદેશનું 30 દિવસની અંદરમાં પાલન નથી કર્યું, તેમજ 60 દિવસની અંદરમાં આદેશ સામે અપીલ પણ કરી નથી. IRDAIએ આ પ્રકારની વીમા કંપનીઓને ચેતવણી આપી છે કે, આદેશનું સમયમર્યાદાની અંદરમાં પાલન નહીં કરવામાં આવે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.
વીમાધારકોએ નિયમો અને અધિકારો પ્રત્યે જાગૃત રહેવું જોઈએ, જેથી વીમા કંપનીઓ લોકપાલના આદેશને લાગુ કરવામાં ગ્રાહકો સાથે છેતરપિંડી ન કરી શકે.
વીમા ઓમ્બડ્સમેન ઓફિસ વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધીનું વળતર અપાવી શકે છે, જેમાં કેસ લડવાના ખર્ચનો પણ સમાવેશ થાય છે. વીમા લોકપાલને પોલિસીહોલ્ડરની ફરિયાદના દસ્તાવેજોની સાથે સાથે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ મળવાના 3 મહિનાની અંદર આદેશ જારી કરવાનો રહે છે. આદેશની એક કોપી ફરિયાદકર્તા અને એક કોપી વીમા કંપનીને મોકલવામાં આવે છે. આદેશ મળ્યાના 30 દિવસની અંદરમાં વીમા કંપનીએ આ આદેશને લાગુ કરવા માટે બંધનકર્તા છે. સાથે વીમા કંપનીએ આદેશ લાગૂ કરવાની સૂચના લોકપાલને પણ આપવાની હોય છે.
2017નો નવો નિયમ કહે છે કે, ફરિયાદકર્તાએ ફરિયાદ કર્યાના દિવસથી પ્રતિ વર્ષના આધારે વ્યાજ મેળવવાનો અધિકાર છે, નિયમ મુજબ તેમનો ક્લેમ સેટલમેન્ટ થઈ જવો જોઈએ. લોકપાલના આદેશ બાદ કંપની નક્કી કરેલી સમયમર્યાદાની અંદરમાં પેમેન્ટ ન કરે તો, કંપની પાસેથી વ્યાજની સાથે સાથે અલગથી વળતર મળવા પાત્ર છે. વીમા કંપનીએ વ્યાજ દર કરતા 2 ટકા વધુ વ્યાજ દરે ચૂકવણી કરવાની હોય છે.
કેવી રીતે થાય છે ફરિયાદનું નિવારણ
- જો કોઈ ફરિયાદ હોઈ તો સૌથી પહેલા તમારી વીમા કંપનીના ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. તેમનો સંપર્ક કરવા માટે તમે કંપનીની વેબસાઈટની મદદ લઈ શકો છો.
- જો કંપનીના ફરિયાદ નિવારણ અધિકારી કોઈ જવાબ ન આપે તો, અથવા તો તેમના જવાબથી તમે સંતુષ્ટ ન હોવ તો IRDAIના પોર્ટલ પર જઈને igms.irda.gov.in ફરિયાદ દાખલ કરી શકો છો.
- તમે ઈચ્છો તો ડાયરેક્ટ તમારા વિસ્તારના વીમા લોકપાલને પણ ફરિયાદ કરી શકો છો.
- જો તમે વીમા લોકપાલના નિર્ણયથી પણ સંતુષ્ટ ન હોવ તો, તમે ગ્રાહક સેવા સુરક્ષામાં પણ ફરિયાદ કરી શકો છો.
- યાદ રાખો કે, જો વીમા લોકપાલના નિર્ણયથી તમારી વીમા કંપની અસંતુષ્ટ હોય તો, પણ તેમની પાસે લોકપાલના આદેશને લાગુ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી હોતો.