ગિફ્ટ નિફ્ટીમાં વિક્રમજનક કામકાજ: ઓપન ઈન્ટરેસ્ટ 12.35 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ

ગાંધીનગર તા. 27 જુલાઈ, 2023: એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ (એનએસઈ આઈએક્સ) પરના ગિફ્ટ નિફ્ટી ડેરિવેટિવ્ઝમાં 25 જુલાઈના એક જ દિવસમાં 12.35 અબજ યુએસ ડોલર મૂલ્ય (રૂ.1,01,023 કરોડ)ના 3,12,190 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ ( ઊભા ઓળિયાં) રહેવાનો વિક્રમ સર્જાયો હતો. એક જ દિવસમાં 12.39 અબજ યુએસ ડોલર (રૂ.1,01,350 કરોડ)ના મૂલ્યના 3,14,900 કોન્ટ્રેક્ટ્સનું વિક્રમજનક કામકાજ થયું હતું.

ગિફ્ટ નિફ્ટીમાં ઝડપથી કામકાજ વધી રહ્યું છે. ગિફ્ટ નિફ્ટીના પ્રારંભના પહેલા દિવસે 9.14 અબજ ડોલરના મૂલ્યના 2,37,108 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટની તુલનામાં કોન્ટ્રેક્ટ્સની સંખ્યા અને મૂલ્યની દૃષ્ટિએ ઓપન ઈન્ટરેસ્ટમાં અનુક્રમે 32 ટકા અને 35 ટકાનો વધારો થયો છે. પ્રથમ દિવસે 1.21 અબજ ડોલરના મૂલ્યના 33,570 ટ્રેડેડ કોન્ટ્રેક્ટ્સની તુલનામાં વોલ્યુમ અને ટર્નઓવરમાં અનુક્રમે 838 ટકા અને 924 ટકાનો વધારો થયો છે.