નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને ICICI એ ફેબ્રુઆરી, 2022થી બેન્કિંગ સિસ્ટમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ બેન્કિંગ નિયમ ચેક ચુકવણી, નાણાંના વ્યવહારો સંબંધિત છે. બેન્કની વિવિધ સર્વિસ પર લાગુ થતા ચાર્જમાં ફેરફાર થયા છે. ગ્રાહકોને ડિજિટલ બેન્કિંગ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે ધિરાણકર્તા SBIએ મફત IMPS ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની મર્યાદા રૂ. બે લાખથી વધારીને રૂ. પાંચ લાખ કરી છે. બેન્કે કહ્યું હતું કે YONO સહિત ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગના માધ્યમથી કરવામાં આવેલા રૂ. પાંચ લાખ સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ નહીં લાગે.
જાહેર ક્ષેત્રની PNBએ ખાતાધારકના ખાતામાં EMIની પર્યાપ્ત રકમ જમા નહીં હોય તો એનો દંડ રૂ. 100થી વધારીને રૂ. 250 કરી દીધો છે. આ ઉપરાંત બેન્કે વિવિધ સામાન્ય બેન્કિંગની સેવાઓના ચાર્જમાં વધારો કર્યો છે, જે બેન્કે 15 જાન્યુઆરી, 2022થી લાગુ કર્યો છે.
બેન્ક ઓફ બરોડાએ ચેક ક્લિયરન્સ નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બેન્કે એક ફેબ્રુઆરીથી ચેકની ચુકવણી માટે વેરિફિકેશન જરૂરી કર્યું છે, જો વેરિફિકેશન નહીં થાય તો ચેક પરત મોકલવામાં આવશે. બેન્કે ગ્રાહકોને અરજ કરી છે કે CTS ક્લિયરિંગ સુવિધાનો લાભ ઉઠાવો.
ICICI બેન્કે ક્રેડિટ કાર્ડ પરના ચાર્જમાં વધારો કર્યો છે. બેન્કે 10 ફેબ્રુઆરીથી ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની પ્રતિ લેવડદેવડ પર 2.50 ટકાનો ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે.