દહેરાદૂનઃ કેદારનાથ મંદિર પાસે એક ગુફામાં ધ્યાન કરતાં વડાપ્રધાન મોદીનો ફોટો અને વીડિયો આપે જોયા હશે. પરંતુ આપને જાણીને આનંદ થશે કે આપ પણ આ ગુફામાં જઈને ધ્યાન કરી શકો છો. જો તમે આ ગુફામાં જઈને ધ્યાન કરવા ઈચ્છો છો તો તેના ભાડાંપેટે 990 રુપિયા ખર્ચ કરવા પડશે. પ્રાચીન મંદિર પાસે બે ગુફાઓ પૈકી એક ગુફામાં એટેચ બાથરુમ અને હીટર લાગેલું છે. ગઢવાલ મંડળ વિકાસ નિગમે આ ગુફાને પર્યટકો માટે ખુલ્લી મુકી છે. આપ પણ 990 રુપિયા જેટલો ચાર્જ ચૂકવીને અહીંયા રોકાઈ શકો છો. આ માટેનું બૂંકિંગ જીએમવીએનની વેબસાઈટ પરથી કરી શકાય છે.
આ ગુફા મંદિરથી આશરે દોઢ કિલોમીટર દૂર આવેલી છે. આમાં એક નાનકડી બારી છે, જેનાથી ભગવાન ભોળાનાથના મંદિરના શાનદાર દર્શન થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ શનિવારના રોજ આ ગુફામાં 17 કલાક વીતાવ્યાં હતાં. વડાપ્રધાને અહીંયા ધ્યાન કર્યું અને ગુફાની એ બારીમાંથી મંદિરના દર્શન પણ કર્યા. રુદ્ર નામની એક અન્ય ગુફા એ વડાપ્રધાન મોદીનો વિચાર હતો. અહીંયા પણ શ્રદ્ધાળુ જવાની ઈચ્છા રાખે છે અને ધ્યાન કરવા ઈચ્છે છે. વડાપ્રધાન મોદીના વિચાર પર કામ કરતાં ઉત્તરાખંડ સરકારે આ પ્રકારની ઘણી ગુફાઓ બનાવી છે જે મંદિરથી નજીકના અંતરે આવેલી છે.
જો કે સંસાધનોની કમી, ખરાબ વાતાવરણ અને વધારે ભાડાના કારણે ગત વર્ષના અંતમાં ઉદઘાટન બાદ બહુ ઓછા શ્રદ્ધાળુઓ ગુફા તરફ આકર્ષાયાં હતાં. આ પહેલાં ગુફાનું ભાડું 3000 રુપિયા હતું, અને ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બૂક કરવી પડતી હતી.
જો કે હવે ભાડું ઘટાડીને 990 રુપિયા કરી દેવામાં આવ્યું છે. GMVN અનુસાર આવી અન્ય પાંચ ગુફાઓ બનાવવામાં આવી રહી છે. રુદ્રપ્રયાગના જીએમવીએનના ક્ષેત્રીય પ્રબંધક પીએલ કવિએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ગત વર્ષે રુદ્ર ગુફા માટે માત્ર બે બૂકિંગ થયા હતા. પરંતુ ખરાબ વાતાવરણને લઈને પર્યટકોને અહીંયા રાત્રિ રોકાણ કરવાની મંજૂરી નહોતી આપવામાં આવી.