નવી દિલ્હીઃ બજેટ 2020 પહેલા સરકાર પર સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઓછો કરવાની માંગ તેજ થઈ રહી છે. ઉદ્યોગ સંઘ ફિક્કીના અધ્યક્ષ સંદિપ સોમાણીએ જણાવ્યું નાણામંત્રીને સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઘટાડીને અડધો કરી દેવો જોઈએ. નબળી પડતી અર્થવ્યવસ્થાને બીજીવાર ટ્રેક પર લાવવા માટે સામાન્ય માણસના હાથમાં પૈસા હોવા જરુરી છે જેથી ખપત વધે. આના માટે સામાન્ય લોકો પર ઈનકમ ટેક્સનો બોજ ઓછો કરવા મામલે સરકારે વિચાર કરવો જોઈએ. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે બજેટ 2020 પર એક મહત્વપૂર્ણ બેઠક બાદ સંદીપ સોમાણીએ કહ્યું કે, અમે માનીએ છીએ કે જેની આવક 20 લાખ કરતા ઓછી છે તેમનો ટેક્સ અડધો કરી દેવો જોઈએ. આનાથી તેમના હાથમાં વધારે પૈસા બચશે અને બજારમાં ખપત પણ વધશે.
એસોચેમના સેક્રેટરી જનરલ દિપક સૂદે પણ નાણામંત્રીની ઉદ્યોગ જગત સાથે બેઠક બાદ કહ્યું કે, ઈનકમ ટેક્સ રેટમાં ઘટાડો થવો જોઈએ જેવો કોર્પોરેટ ટેક્સ રેટમાં કરવામાં આવ્યો. નાણામંત્રી સાથે મુલાકાત દરમિયાન નાના ઉદ્યોગો પર ટેક્સનો બોજ ઓછો કરવાની માંગ પણ કરવામાં આવી.
નવા વર્ષે બજેટ 2020 માં નાણામંત્રી પાસે નબળી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે મોટા નીતિગત નિર્ણય લેવાની જવાબદારી હશે. સામાન્ય માણસ પર ટેક્સનો બોજ ઓછો કરવાની માંગ એવા સમયે ઉઠી છે કે જ્યારે જીએસટી કલેક્શન આ વર્ષે સરેરાશ કરતા ઓછું રહ્યું છે.