નવી દિલ્હી– ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) દ્વારા ટીવી પર પ્રસારિત થતી ચેનલોને લઈને તૈયાર કરાયેલા નવો નિયમ 1 ફેબ્રુઆરી 2019થી અમલ થશે. આ નિયમો હેઠળ ડીટીએચ અને કેબલ ઓપરેટરો નવા પ્લાન લોન્ચ કરશે. જેમાં ગ્રાહકોને સીધો ફાયદો થશે. ટીવી ચેનલો જોવા માટેના નવા નિયમો હેઠળ પહેલાની સરખામણીમાં મોટા વેલિડિટી પેકની જગ્યાએ ઓછી વિલિડિટી ધરાવતા પેક પણ રિચાર્જ કરાવી શકાશે. જેથી ટીવીના ચેનલ પેક સબસ્ક્રાઈબ કરનાર ગ્રાહકોને બચત થશે.
1લી ફેબ્રુઆરીથી નવા પેક નવા દર પ્રમાણે ચેનલો ગ્રાહકોને આપવી પડશે. નવા નિયમ હેઠળ ગ્રાહક જે ચેનલને જોવા ઈચ્છશે માત્ર તેમના જ નાણાં ચૂકવવાના રહેશે. નવા પ્લાન હેઠળ ગ્રાહકોને બેઝિક પેક લેવાનું રહેશે. જેની કિંમત 130 રૂપિયા પ્રતિ મહિના નક્કી કરવામાં આવી છે, જેના પર જીએસટી અલગથી લાગશે. તે હિસાબે બેઝિક પેકની કિંમત 153 રૂપિયા થઈ જશે. બેઝિક પેકમાં 100 ફ્રી ટૂ એર ચેનલો જોવા મળશે. આ ઉપરાંત ગ્રાહકો કોઈ ખાસ ચેનલની ભરપાઈ સાથે કંપની દ્વારા રજૂ કરવામાં આવનારા મોટા પેક પણ સબસ્ક્રાઈબ કરી શકશે.
100 ફ્રી ટૂ એર ચેનલો ઉપર જો કોઈ 25 ચેનલોને પસંદ કરે છે તો, તેમણે નેટવર્ક કેપેસિટી ફી તરીકે 20 રૂપિયા ભાડું અલગથી આપવાનું રહેશે. આ ઉપરાંત જો કોઈ 15થી ઓછી ચેનલો પસંદ કરે છે તો, તેમણે પ્રત્યેક ચેનલ દિઠ 1 રૂપિયા ભાડૂં ચૂકવવું પડશે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જો કોઈ ગ્રાહક 114 ચેનલો સિલેક્ટ કરે છે તો, તેમણે 153 રૂપિયાની સાથે 14 રૂપિયા પ્રતિ મહિને વધારાનું ભાડૂં આપવું પડશે. નવા ટેરિફ મુજબ, દર્શકોને હવે થી કોઈ પણ ચેનલ માટે વધુમાં વધુ 19 રૂપિયા આપવા પડશે.
તમામ ડીટીએચ સર્વિસ પ્રોવાઈડર અને કેબલ ઓપરેટર્સને આદેશ આપ્યો છે કે, તે ગ્રાહકોને વેબસાઈટ મારફતે ચેનલની પસંદગી અને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડે. ચેનલોનું લિસ્ટ અને કિંમત વેબસાઈટ પર આપવું પડશે. આ ઉપરાંત ગ્રાહકો કંપનીના કોલ સેન્ટર પરથી ચેનલોની પસંદગી અને સબસ્ક્રીપ્શન કરી શકે છે.