નવી દિલ્હી – નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મોટું પગલું ભરીને જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણની વિવાદાસ્પદ કલમ 370ને રદ કરી દીધી છે. સરકારના આ પગલાંને સાર્વત્રિક આવકાર મળ્યો છે અને એમાં દેશના ઉદ્યોગ ક્ષેત્રના સમૂહ CIIએ એનો ટેકો જાહેર કર્યો છે.
કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયેલા ઉદય કોટકે આજે સરકારને ખાતરી આપી છે કે CII જમ્મુ-કશ્મીર, જેને સરકારે હવે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઘોષિત કર્યો છે ત્યાં તેમજ અન્ય કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરાયેલા લડાખમાં CII મૂડીરોકાણ કરવામાં તથા આ બંને પ્રદેશનો વિકાસ કરાવવામાં સાથ આપશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સાથે CIIના પ્રતિનિધિઓની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કોટક મહિન્દ્ર બેન્કના ચીફ એક્ઝિક્યૂટિવ અને મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટકે કહ્યું કે CIIએ સરકારને અને નાણાં પ્રધાનને જણાવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૂડીરોકાણ કરવા માટે સરકારે હાથ ધરેલા કાર્યક્રમોમાં સરકાર સહયોગ કરશે.
કોટકે કહ્યું કે આજની બેઠકમાં અમે સરકારને સૂચવ્યું હતું કે ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સ પરનો ટેક્સ સરચાર્જ રદ કરવામાં આવે, માઈક્રો, લઘુ અને મધ્યમ પાયાના ઉદ્યોગોને તેમજ નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને નડતી નાણાંની પ્રવાહિતા પર ધ્યાન આપવામાં આવે.
નાણાં પ્રધાન સીતારામને આ સૂચનો પર વિચારણા કરવાની ખાતરી આપી છે.
સીતારામને CIIનાં પ્રતિનિધિઓને એમ પણ કહ્યું કે એમને આશા છે કે દેશમાં તમામ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધશે અને વિકાસ ઝડપી બનશે.
CIIના ભૂતપૂર્વ પ્રમુખ અદી ગોદરેજે કહ્યું કે કેન્દ્રીય બજેટમાં અર્થતંત્રને પુનર્જિવીત કરવા માટેના પગલાં લેવાયા નથી તેથી એફપીઆઈ સરચાર્જને જો રદ કરવામાં આવશે તો બજાર માટે સારું થશે.