મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL) દેશની પ્રથમ એવી ડિપોઝિટરી બની છે, જેની પાસેનાં ડિમેટ ખાતાંની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. આ પ્રસંગે ગર્વ અને આનંદ સાથે CDSLના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નેહલ વોરાએ કહ્યું, “આ માટે હું સૌપ્રથમ મૂડીબજારના નિયામક સેબીને અભિનંદન આપું છું, જેમના માર્ગદર્શન અને વિઝનને પગલે અમે આ ડિજિટલ વિકાસ અને સલામતી પ્રાપ્ત કરી શક્યા છીએ. તેમની દીર્ઘ દૃષ્ટિને પગલે આવશ્યક અંકુશોમાં કોઈ પણ સમાધાન કર્યા વિના ડિમેટ ખાતું ખોલવાની લાંબી પ્રક્રિયાને સરળ બનાવી શકાઈ છે. અમારી આ સિદ્ધિ બધા માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ટરમીડિયેટ્સના સંકલન અને ભારે પરિશ્રમનું પરિણામ છે. સીડીએસએલને ડિપોઝિટરી તરીકે પસંદ કરવા બદલ હું રોકાણકારોનો આભાર માનું છું. હું કેપિટલ માર્કેટના બધા બજાર સહભાગીઓનો આભાર માનું છું જેમણે દેશના ડિજિટલ અને નાણાકીય વિકાસમાં યોગદાન આપ્યું છે.”
નાણાકીય બજારોમાં કોર્પોરેટ ગવર્નન્સ, ટેકનોલોજી, રોકાણકાર રક્ષણ, પારદર્શકતા અને સસ્ટેનેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથેની સર્વસમાવેશની આ યાત્રામાં વધુને વધુ લોકો જોડાઈને દેશને મૂડીબજારનું હબ બનાવવાની દિશામાં આગળ વધશે.