બીએસઈ-સ્ટારએમએફ પર નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.3,704 કરોડ

મુંબઈ તા. 12 ડિસેમ્બર, 2022: નવેમ્બર, 2022માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.2,258 કરોડ રહ્યો છે એની તુલનામાં બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મ પર રૂ.3,704 કરોડનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રહ્યો છે. નવેમ્બર મહિનામાં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પણ 2.32 કરોડની નવી ઊંચી સપાટીએ પહોંચી છે. આ પૂર્વે ઓક્ટોબર 2022માં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સ 2.10 કરોડ આ પ્લેટફોર્મ પર થયા હતા.

નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી નવેમ્બર મહિનામાં 16.28 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જે નાણાકીય વર્ષ 2021-22ના  સંપૂર્ણ  વર્ષમાં 18.47 કરોડ થયા હતા. એ જોતાં આ પ્લેટફોર્મ પર 88 ટકા ટ્રાન્ઝેક્શન્સ માત્ર આઠ મહિનામાં થયા છે. નવેમ્બરમાં ટ્રાન્ઝેક્શન્સ 2.10 કરોડ થયા છે, જે આગલા વર્ષના નવેમ્બરના 1.68 કરોડની તુલનાએ 38 ટકા અધિક છે.

નેટ ઈક્વિટી ઈન્ફ્લો નવેમ્બર, 2021ના 4,397 કરોડથી ઘટીને રૂ.3,704 કરોડ રહ્યો છે.

નવેમ્બર, 2022માં રૂ.274 કરોડના 11.33 લાખ એસઆઈપી રજિસ્ટર થયા છે, જ્યારે ઓક્ટોબર, 2022માં રૂ.254 કરોડના 10.49 લાખ એસઆઈપી રજિસ્ટર થયા હતા.

આ પ્લેટફોર્મ પર નવેમ્બર મહિનામાં ટર્નઓવર ઓક્ટોબર, 2022ના રૂ.27,819 કરોડથી 21 ટકા વધીને રૂ.34,352 કરોડ થયું છે. જોકે નવેમ્બર 2021ના રૂ.37,501 કરોડથી ઘટીને નવેમ્બર, 2022માં રૂ.34,352 કરોડ થયું છે.