મુંબઈઃ દેશના સૌથી મોટા અને વૈવિધ્યપૂર્ણ એક્સચેન્જ BSEના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવાર, 26 ઓક્ટોબર, 2020ના રોજ રૂ.208,658 કરોડના દૈનિક ટર્નઓવરનો નવો વિક્રમ નોંધાયો હતો. સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સમાં સતત બીજી વાર દૈનિક ટર્નઓવર રૂ.2 લાખ કરોડની સપાટી વટાવી ગયું હતું.
આ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે બીએસઈ સેન્સેક્સ 50 કોન્ટ્રેક્ટ્સની ઉત્તમ કામગીરીને પગલે બજારમાં પ્રવાહિતા અને ડેપ્થ વધી રહી છે. ભારતીય બજારો માટે હાલનો સમય ભારે વધઘટનો છે ત્યારે સેન્સેક્સ 50 ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ જોખમને હળવું કરવા માટેના અસરકારક સાધન બની રહ્યા છે, કારણ કે તે વૈકલ્પિક સમાપ્તિ દિવસ, ઉચ્ચ પ્રવાહિતા અને BSEની ભરોસાપાત્ર ટ્રેડિંગ સિસ્ટમ ધરાવે છે.
BSE વિવિધ એસેટ ક્લાસ માટેના વિવિધ પ્રોડક્ટ્સ અને રિસ્ક મેનેજમેન્ટ ટૂલ્સ ઓફર કરે છે, જે બજારની ભારે વધઘટના સમયમાં વેપારીઓ માટે અતિ ઉપયોગી છે. BSEની મજબૂત સર્વેલન્સ સિસ્ટમને પગલે સહભાગીઓ વિશ્વાસ સાથે વેપાર કરી શકે છે અને જોખમનું અસરકારક સંચાલન કરી શકે છે.
BSE ભારતીય બજારમાં ઉપલબ્ધ ઈન્ડેક્સ ઓપ્શન્સનું ખર્ચની દૃષ્ટિએ સૌથી વધુ અસરકારક ટ્રેડિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. દાખલા તરીકે બીએસઈના પ્લેટફોર્મ પર રૂ.10 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન એક્સપોઝર પર આશરે રૂ.1.18 લાખની બચત થાય છે. આને પગલે રોકાણકારોને વધુ તકો ઉપલબ્ધ થાય છે તેમ જ તેમની પોઝિશન્સનું રક્ષણ કરી શકે છે એટલું જ નહિ પણ સોદા ખર્ચમાં પણ ઘટાડો કરી શકે છે.