બીએસઈએ રિલોન્ચ કરેલા સેન્સેક્સ, બેન્કેક્સના નવા કોન્ટ્રેક્ટ્સને સરસ પ્રતિસાદ

મુંબઈ: બીએસઈએ પંદરમી મેથી તેના ડેરિવેટિવ સેગમેન્ટમાં સેન્સેક્સ અને બેન્કેક્સના કોન્ટ્રેક્ટ્સને રિલોન્ચ કર્યા છે, જેને બજારના સહભાગીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે, એમ બીએસઈએ જણાવ્યું હતું. સોમવારે આશરે 100 મેમ્બર ટ્રેડિંગમાં સામેલ થયા હતા. 252 લોટના ઓપન ઈન્ટરેસ્ટ સાથે રૂ. 53.12 કરોડનું કુલ ટર્નઓવર થયું હતું. સેન્સેક્સ ફ્યુચર્સ મે 19 સાપ્તાહિક એક્સપાયરી સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ રહ્યો હતો. ટ્રેડિંગમાં દેશભરના બ્રોકરોએ ભાગ લીધો હતો. મેમ્બર ઈસ્ટ ઈન્ડિયા સિક્યોરિટીઝ લિમિટેડ નવા કોન્ટ્રાક્ટમાં વેપાર કરનારી સૌપ્રથમ મેમ્બર હતી.

આ પ્રસંગે બીએસઈના ચેરમેન એસ.એસ. મુન્દ્રાએ  જણાવ્યું હતું કે એક્સચેન્જને વાઈબ્રન્ટ બનાવવા માટે બીએસઈ અનેક પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે બીએસઈ તેની પ્રગતિમાં નાવીન્ય, ટેકનોલોજી અને પ્રતિબદ્ધતા પર ભાર મૂકી રહ્યું છે એટલે તે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશે.

બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુંદરરમણ રામમૂર્તિએ જણાવ્યું હતું કે ભારતના સૌથી જૂના અને સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ તરીકે, બીએસઈ હંમેશા ગ્રાહકોની વધી રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા નવા અને ખર્ચની તુલનાએ કાર્યક્ષમ  ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમારી આ પહેલો વધુને વધુ લોકોને વાઇબ્રન્ટ એક્સચેન્જમાં ટ્રેડિંગ કરીને તેમના નાણાકીય ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરશે.