તિરુવનંતપુરમઃ દેશમાં એક બાજુ વિરોધ પક્ષો મોંઘવારીને મુદ્દે બૂમાબૂમ કરે છે, ત્યારે કેરળમાં ઓણમના ઠીક પહેલાં એક જ સપ્તાહમાં રૂ. 624 કરોડના દારૂનું રેકોર્ડ વેચાણ થયું છે, જે વર્ષ 2021માં રૂ. 529 કરોડ હતું.રાજ્યમાં દારૂના એકમાત્ર જથ્થાબંધ વેપારી કેરળ સ્ટેટ બેવરેજીસ કોર્પોરેશનના જણાવ્યાનુસાર આ એક સપ્તાહના આંકડા છે, જે ઓણમના પહેલા દિવસે પૂરું થયું છે.
સાત સપ્ટેમ્બરના દિવસે એટલે કે ઓણમ તહેવાર શરૂ થાય એ પહેલાં દારૂનું રૂ. 117 કરોડનું વેચાણ થયું હતું. જે ગયા વર્ષના સમાન દિવસે રૂ. 85 કરોડ હતું, એમ સરકારી માલિકીની બેવરેજીસ કંપનીએ કહ્યું હતું.
વર્ષ 2018 અને 2019માં રાજ્યમાં આવેલા પૂર અને કોરોનાને લીધે ઓણમનો તહેવાર જરી ફિક્કો હતો, જેથી એ સમયે દારૂના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે કેરળમાં ઓણમના તહેવારના દિવસોમાં દારૂની દુકનો અને બાર બંધ કરવામાં આવ્યા હતા. જેથી ચાર વર્ષના અંતરાલ પછી કેરળવાસીઓએ તહેવાની ઉજવણી કરવા માટે રંગેચંગે તૈયારી કરી છે.
કેરળમાં 19.9 ટકા પુરુષો, 0.2 ટકા મહિલાઓ અને 15 વર્ષથી વધુ વયના યુવક-યુવતીઓએ દારૂનું સેવન કરે છે, એમ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
કેરળમાં ઓણમ 10 દિવસો સુધી ચાલતો તહેવાર છે. આ વર્ષે ઓણમના તહેવારે દારૂની સૌથી વધુ રૂ. 71.17 કરોડની ખરીદદારી રવિવારે નોંધવામાં આવી હતી, જે ગયા વર્ષની તુલનાએ રૂ. 12 કરોડ વધુ છે.