નવી દિલ્હીઃ કોઈપણ હરાજી માટે ઢોલ વગાડીને જાહેરાત કરવાની જૂની પરંપરા હવે બંઘ થાય તેવી શક્યતા છે. સેબીએ જણાવ્યું છે કે, આ પ્રકારે જનતાને આકર્ષિત કરવાની પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે. સેબીને લાગે છે કે આજના ટેકનીકલ યુગમાં આ બહુ જૂની પદ્ધતિ કહેવાય આથી નવી પદ્ધતિ અપનાવવાથી સારા પરિણામ મળવાની સંભાવના છે.
સેબીને લોનની ચૂકવણીમાં ચૂક કરવી તેમજ આદેશ મુજબ ચૂકવણી ના કરતી સંસ્થાઓની સંપત્તિ વેચીને વસૂલાત કરવાનો અધિકાર છે. આ અધિકારોની સમીક્ષા સમયે હરાજી દરમિયાન અપનાવવામાં આવતી આ જૂની પદ્ધતિની વાત સામે આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે સેબીને દંડ, શુલ્ક, વસૂલીની રકમ અથવા રિફંડના આદેશ સંબંધમાં વસૂલી માટે નવા નિયમ તૈયાર કરવા માટે નાણાં મંત્રાલય સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. સેબી પાસે લોનના હપ્તાની ચૂકવણીમાં ચૂક કરનારા ડિફોલ્ટરની સંપત્તિ અને બેંક ખાતા જપ્ત કરવા, ડિફોલ્ટરની ધરપકડ કરવી તેમજ ડિફોલ્ટરની ચલ તેમજ અચલ સંપત્તિઓના પ્રબંધન માટે કોઈને નિયુક્ત કરવાનો અધિકાર છે.
સેબીએ સરકાર સમક્ષ રજૂ કરેલ સૂચનોમાં જણાવ્યું છે કે ઢોલ વગાડવો અને સાર્વજનિક હરાજી જેવા ઈનકમ ટેક્સના અધિનિયમની કેટલીક જોગવાઈઓની પદ્ધતિ હવે જૂની થઈ ગઈ છે. તેની સામે ન્યૂઝપેપરોમાં જાહેરાત આપવી તેમજ ઇ નીલામી જેવી નવી પદ્ધતિ તેમાં વધુ સારા પરિણામ આપી શકે છે.
સેબીએ વસૂલી માટે ઝડપી અને પ્રભાવી પદ્ધતિને અમલમાં લાવવા માટે સરકારના નિયમોમાં જરૂરી સુધારા કરવા કહ્યું છે. વર્તમાન આઈટી અધિનિયમ મુજબ કોઈપણ સંપત્તિ જપ્ત કરતા પહેલા કોઈ ઢોલ વગાડીને સંપત્તિ જપ્ત કરવામાં આવે છે. આ સિવાય જપ્તીના આદેશને ઉક્ત સંપત્તિના પરિસરમાં જનતા સ્પષ્ટ રીતે જોઈ શકે તેવા સ્થાન પર તેમજ કર વસૂલ અધિકારીના કાર્યાલયના બોર્ડ પર ચોંટાડવામાં આવે છે.
આ ઉપરાંત સેબીએ તેમની હેટ ઓફિસ માટે બોમ્બે શબ્દની જગ્યાએ મુંબઈ શબ્દનો ઉપયોગ કરવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે.
નાણાં મંત્રાલયે સેબીના સૂચન અંગે જણાવતા કહ્યું કે આઈટી અધિનિયમમાં વસૂલીની જોગવાઈને સેબી અધિનિયમ હેઠળ સંશોધિત કરી શકાય છે અને તેનો અધિકાર કેંદ્ર સરકાર પાસે છે.