નવી દિલ્હી- બેંકિંગ સેવાઓને લઈને લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોની સંખ્યા પહેલાની તુલનામાં વધી છે. જો કે, તેની સામે ભારતીય રિઝર્વ બેંકે ફરિયાદોના નિકાલને લઈને પ્રક્રિયા જડપી કરી છે. નાણાંકીય વર્ષ 2018માં બેંકિંગ લોકપાલના 21 કાર્યાલયોને 16,3590 ફરિયાદો મળી હતી જે પાછલા વર્ષની તુલનામાં 24.9 ટકાનો વધારો દર્શાવે છે. રાષ્ટ્રીયકૃત બેંકો વિરુદ્ધ સૌથી વધુ ફરિયાદો થઈ છે, ત્યાર બાદ એસબીઆઈ અને તેમની સહયોગી બેંકો (હવે મર્જર થઈ ગયું છે) વિરુદ્ધ ફરિયાદો નોંધાય છે. આ બેંકોનો સમગ્ર બેંકિંગ સેક્ટરમાં 70 ટકાનું યોગદાન છે.
રિઝર્વ બેંકની બેંકિંગ લોકપાલ યોજનાના વાર્ષિક રિપોર્ટ અનુસાર સમસ્યાઓનું સમાધાન સરેરાશ ગત વર્ષના 92 ટકાની સરખામણીએ આ વર્ષે 96.5 ટકા રહ્યું. આ સાથે જ આ પ્રથમ લોકપાલ રિપોર્ટ પણ છે કે, જેમાં મોબાઈલ બેંકિંગ અને ઈલેક્ટ્રોનિક બેંકિંગ સેવાઓ મામલે થયેલી ફરિયાદોને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. રિઝર્વ બેંક હવે ડિજિટલ બેંકિંગ માટે અલગ લોકપાલ બનાવવાની યોજના ઘડી રહી છે. આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર એમ કે જૈને રિપોર્ટમાં કહ્યું કે, ફેબ્રુઆરી 2018માં રોકડ સ્વીકાર કરનારી નોન-બેંકિંગ નાણાંકીય કંપનીઓ (NBFC) માટે લોકપાલ યોજના પહેલાથી જ શરુ કરી દેવામાં આવી છે. જેમાં અન્ય એનબીએફસીને સામેલ કરવામાં આવશે.
આરબીઆઈ નાણાંકીય વર્ષ 1 જૂલાઈથી 30 જૂન સુધી કરવા ઈચ્છે છે. નાણાંકીય વર્ષ 2018માં આરબીઆઈએ ગ્રાહકોને ઉત્પીડન અને માનસિક રીતે નુકસાન પહોંચાડનાર બેંકો સામે 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો. શરુઆતમાં આ જોગવાઈ માત્ર ક્રેડિટ કાર્ડ સંબંધિત ફરિયાદોના નિકાલ માટે જ ઉપલબ્ધ હતી. દિલચસ્પ વાત એ છે કે, 65.8 ટકા ફરિયાદોનું સમાધાન અરસપરસ સમજૂતી અને મધ્યસ્થતાથી જ થઈ ગયું, જ્યારે એક વર્ષ પહેલા આ આંકડો 42.4 ટકા હતો.