નવી દિલ્હી- લગભગ ત્રણ વર્ષ પહેલા સુધી યોગગુરુ અને બિજનેસમેન બાબા રામદેવની પતંજલિનો કારોબાર પુરજોશમાં ચાલી રહ્યો હતો, પરંતુ હવે તેની સ્થિતિ નાજૂક થતી જોવા મળી રહી છે. શરુઆતના વર્ષોમાં લોકોએ પતંજલિના ઉત્પાદનો પર ખુબ ભરોસો મુક્યો હતો. ભારતમાં બનેલા નારિયેલ તેલ અને આયુર્વેદિક ઔષધિઓ જેવા સ્વદેશી ઉત્પાદનો વિદેશી કંપનીઓ માટે મોટો પડકાર બનીને સામે આવ્યા હતાં.
વર્ષ 2017માં બાબા રામદેવે જાહેરાત કરી હતી કે, તેમની કંપનીના ટર્નઓવરના આંકડા બહુરાષ્ટ્રીય કંપનીઓને કપાલભાતિ કરવા માટે મજબૂર કરી દેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, માર્ચ 2018 સુધીમાં પતંજલિનું વેચાણ બમણુ થઈને 200 અબજ રૂપિયા પર પહોંચી જશે. જો કે યોગગુરુના દાવાની વિરુદ્ધ પતંજલિના ઉત્પાદનોનું વેચાણ 10 ટકા ઘટીને 81 અબજ રૂપિયા રહી ગયુ છે. કંપનીના નાણાંકીય વાર્ષિક રિપોર્ટમાંથી આ વાતની જાણાકારી મળી છે.
કંપનીના સુત્રો અને વિશ્લેષકોનું કહેવું છે કે, ગત નાણાંકીય વર્ષમાં કંપનીના ટર્નઓવરમાં હજુ વધુ ઘટાડો થવાનો અંદાજ છે. પતંજલિના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એપ્રિલમાં CARE રેટિંગે જણાવ્યું હતું કે, અનુમાનિત ડેટા 9 મહિનામાં એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં કંપનીના ઉત્પાદનોનું વેચાણ માત્ર 47 અબજ રૂપિયા રહેવાના સંકેતો મળી રહ્યાં છે. કંપનીના વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ, સપ્લાયર્સ, વિતરકો, સ્ટોર મેનેજર્સ અને ગ્રાહકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, પતંજલિએ કેટલાક ખોટા પગલા ભર્યા જેના કારણે તેને વ્યાપારમાં નુકસાન થયું. આ લોકોએ ખાસ કરીને પ્રોડક્ટની અસ્થિર ગુણવત્તા તરફ ઈશારો કર્યો.
જોકે કંપનીનું કહેવું છે કે, ઝડપી વિસ્તારીત થવાને કારણે શરુઆતમાં કેટલીક મુશ્કેલીઓ આવી પરંતુ અમે તેને દૂર કરી દીધી. ઘણા અન્ય વ્યાવસાયિઓની જેમ વર્ષ 2016માં નોટબંધી અને 2017માં જીએસટી લાગુ થવાને કારણે કંપનીની આર્થિક ગતિવિધિઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ. પતંજલિનું કહેવું છે કે, તેમના 3500 વિતરકો છે જે સમગ્ર ભારતમાં 47 હજાર રિટેલ કાઉન્ટરોની આપૂર્તિ કરે છે. પતંજલિની દુકાનો, જે મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં છે, તે સાંધાના દુખાવો મટાડવા માટે કેરીની કેન્ડી કે આયુર્વેદિક ઉપચાર જેવા નાસ્તાનું વેચાણ કરે છે.
કંપનીના ત્રણ સપ્લાયર્સના જણાવ્યા અનુસાર પેમેન્ટ નહીં મળવાને કારણે કેટલાક સપ્લાયર્સ કંપની સાથે વેપાર કરવાથી દૂર ભાગી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક કેમિકલ સપ્લાયરે જણાવ્યું કે, પતંજલિએ 2017માં પેમેન્ટની ચૂકવણીમાં એક કે બે મહિનાનો સમય લગાડવાનું શરુ કરી દીધું હતું. 2018માં આ પેમેન્ટ ચૂકવણ 6 મહિના વિલંબીત થવા લાગી.
નબળી માંગને કારણે પતંજલિના માત્ર અમુક પ્રોડક્ટ્સનો જ સ્ટોક રાખવામાં આવ્યો છે. પતંજલિએ તેમના જાહેરાત ખર્ચમાં પણ મોટો ઘટાડો કર્યો છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઈન્ડિયાના આંકડા અનુસાર વર્ષ 2016માં કંપની ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી વિજ્ઞાપનદાતા હતી, તો ત્રીજા વર્ષે આ કંપની ટોપ 10માં પણ તેમનું સ્થાન નથી બનાવી શકી.