નવી દિલ્હીઃ વિપ્રોના એક્ઝીક્યૂટિવ ચેરમેન અઝીમ પ્રેમજીએ કંપનીમાંથી રીટાયર થવાની જાહેરાત કરી છે. તેમનો કાર્યકાળ 30 જુલાઈ, 2019ના રોજ પૂર્ણ થશે અને ત્યારબાદ તેમના દીકરા રિશદ પ્રેમજી એક્ઝીક્યૂટિવ ચેરમેન બનશે. કંપનીએ સ્ટોક એક્સચેંજ ફાઈલિંગના માધ્યમથી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે 1.76 કરોડ રુપિયાની માર્કેટ કેપ સાથે વિપ્રો દેશની ત્રીજી સૌથી મોટી આઈટી કંપની છે.
વિપ્રોએ એક નિવેદનના માધ્યમથી કહ્યું છે કે અઝીમ પ્રેમજી જુલાઈના અંત સુધીમાં કંપનીના એક્ઝીક્યૂટિવ ચેરમેન અને પ્રબંધ નિદેશક પદથી રિટાયર થઈ જશે. પ્રેમજીના હાથોમાં આશરે 53 વર્ષ સુધી કંપનીની કમાન રહી છે. જો કે તે નોન એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે કંપનીના બોર્ડમાં પોતાની સેવાઓ આપતા રહેશે.
વિપ્રોના બોર્ડે જાહેરાત કરી કે ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસર અને એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર આબિદઅલી ઝેડ નીમચવાલાને પોતાની કંપનીના સીઈઓ અને પ્રબંધ નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા છે. આ તમામ બદલાવ 31 જૂલાઈ 2019 થી લાગૂ થઈ જશે. જો કે આ તમામ બદલાવો માટે શેર હોલ્ડર્સથી મંજૂરી લેવી પડશે.
અઝીમ પ્રેમજીએ એક નિવેદનમાં કહ્યું કે આ મારા માટે ખૂબ લાંબી અને સંતોષજનક સફર રહી. જો ભવિષ્યની વાત કરીએ તો મેં મારો મોટાભાગનો સમય સમાજ સેવા સાથે જોડાયેલી ગતિવિધિઓમાં લગાવવાની યોજના બનાવી છે. મને રિશદની લીડરશિપમાં પૂર્ણ ભરોસો છે, જે કંપનીને નેક્સ્ટ સ્ટેજ પર લઈ જશે.