પેઈચિંગ- એક તરફ મોટાભાગની કંપનીઓ તેમના કર્મચારીઓની ક્ષમતા અને રચનાત્મકતા વધારવા માટે સપ્તાહમાં 4 જ દિવસ અને એપેક્ષાકૃત ઓછી કલાકો કામ કરાવવા પર વિચાર કરી રહી છે, ત્યારે આ બધા વચ્ચે વિશ્વના સૌથી મોટા બિજનેસમેનો માં સામેલ જેક મા એ ઓવરટાઈમ વર્કકલ્ચરને પ્રોત્સાહન આપ્યું છે. ચીનના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ અલીબાબાના સીઈઓએ તેમના કર્મચારીઓને કહ્યું કે, તેમણે સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી અને સપ્તાહમાં 6 દિવસ કામ કરવુ પડશે.
મીડિયા રિપોર્ટ અનુસાર અલીબાબાની એક આંતરિક બેઠકમાં જેક મા એ કહ્યું કે, અમારે એવા લોકોની જરૂર નથી જે માત્ર 8 કલાક જ ઓફિસમાં વર્ક કરવા માગે છે. અલીબાબાના અધિકારિક weibo એકાઉન્ટ પર આ જાણાકારી આપવામાં આવી છે. તેમણે 996 વર્ક કલ્ચર (સવારે 9 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી અને સપ્તાહમાં 6 દિવસ) ના પક્ષમાં વાત મુકી છે.
ચીનના સૌથી અમીર વ્યક્તિએ કહ્યું કે, 996 પ્રણાલી પર કામ કરવા યોગ્ય હોવું એક મોટુ વરદાન છે. જો તમે અલીબાબા ગ્રુપમાં કામ કરવા ઈચ્છો છો તો, તમારે એક દિવસમાં 12 કલાક કામ કરવા તૈયાર રહેવુ પડશે.
‘જેક મા’ ના આ નિવેદન પર મોટાભાગના લોકોએ તીખી પ્રતિક્રિયા આપી છે, weibo પોસ્ટ પર એક યૂઝરે કોમેન્ટ લખી છે કે, આ એક બકવાસ છે, આમા એમ પણ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે , કંપની 996 શેડ્યૂલ માટે ઓવરટાઈમ પેમેન્ટ કરશે કે નહીં. મને આશા છે કે, લોકો નિયમ પ્રમાણે ચાલશે નહીં તેમના વિચારો પ્રમાણે. અન્ય એક યૂઝરે કહ્યું કે, બોસ લોકો 996 શિડ્યલ પ્રમાણે કામ કરતા હોય છે, કારણ કે, તેમના પોતાના માટે અને તેમની સંપત્તિ વધારવા માટે કામ કરતા હોય છે.
ચીનની ટેક ઈન્ડસ્ટ્રીમાં વધુ કલાક કામ કરવાના કારણે પ્રોગ્રામર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સની સમય કરતા પહેલા મોત થવાના ઘણા મામલાઓ સામે આવ્યા છે. ગત મહિને જ ચીનના પ્રોગ્રામર્સે ઓનલાઈન કોડ શેરિંગ કોમ્યુનિટી ગિથુબ પર વર્કકલ્ચરની ખરાબ સ્થિતિ સામે જંગ છેડી હતી. ‘996.ICU’ પ્રોજેક્ટ પેજ પર લખવામાં આવ્યું છે કે, 996 વર્કકલ્ચરનું પાલન કરીને તમે પોતાને ICUમાં પહોંચાડવાનું જોખમ લઈ રહ્યાં છો.