જેટ એરવેઝનાં 1100 પાઈલટ્સ સોમવારથી હડતાળ પર ઉતરશે

નવી દિલ્હી – સસ્તા ભાવે વિમાન સેવા કરાવતી અને જેટ એરવેઝની ટોચની હરીફ સ્પાઈસજેટ જેટને નડી રહેલી આર્થિક કટોકટીમાંથી લાભ ઉઠાવતી હોય એવું લાગે છે.

સ્પાઈસજેટ હવે જેટના પાઈલટ્સ અને એન્જિનિયર્સને એમના હાલના પગાર કરતાં 30-50 ટકા ઓછા પગારે રોકી રહી છે.

જેટ એરવેઝના પાઈલટ્સને એમના હાલના પગાર પેકેજ કરતાં 25-30 ટકા ઓછા પગાર પર અને એન્જિનીયર્સને 50 ટકા ઓછા પગાર પર સ્પાઈસજેટમાં જોડાઈ જવાની સલાહ આપવામાં આવી છે.

થોડાક મહિનાઓ પહેલાં આ જ સ્પાઈસજેટ તથા બીજી ઘણી એરલાઈન્સ જેટનાં પાઈલટ્સ અને એન્જિનિયર્સને એની સાથે જોડાવા બોનસ અને વધારે સારાં ભથ્થાં સાથે જોડાવાની લાલચ આપતી હતી.

પરંતુ હવે જેટ એરવેઝ બંધ થવાની શક્યતાએ જોર પકડ્યું છે ત્યારે એના પ્રોફેશનલ્સને ઓછા પગારે અન્ય એરલાઈન્સમાં જોડાઈ જવાની સલાહ આપવામાં આવી રહી છે.

એક સિનિયર એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જિનીયરે સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસમાં જોડાવા માટે અરજી કરી છે અને એને ઓફર કરાઈ છે કે એને મહિને દોઢથી બે લાખ રૂપિયાની રેન્જમાં પગાર આપવામાં આવશે જ્યારે જેટ એરવેઝમાં એનો પગાર મહિને રૂ. ચાર લાખ જેટલો છે.

જેટ એરવેઝના 90 ટકા વિમાનોને ઉડ્ડયનમાંથી હટાવી લેવામાં આવ્યા છે.

દરમિયાન, જેટ એરવેઝના 1100 પાઈલટોએ આવતીકાલે, સોમવારથી વિમાન ન ઉડાડવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત નેશનલ એવિએટર્સ ગિલ્ડ દ્વારા કરવામાં આવી છે.