નવી દિલ્હીઃ હવે જલદી જ ઓનલાઈન સામાન મંગાવવા માટે આધાર નંબર પણ આપવો પડશે અને આ આધાર નંબર પર માત્ર 5000 રુપિયાની ઈમ્પોર્ટેડ ગિફ્ટ મંગાવી શકાશે. હકીકતમાં કેન્દ્ર સરકાર વિદેશથી આવનારા સામાનને તપાસના વર્તુળમાં લાવવાની તૈયારીમાં છે.
ખાસકરીને ચીનથી આવનારા કન્સાઈનમેન્ટ્સ પર સરકારની નજર છે. ચીની ઈ-કોમર્સ કંપનીઓ કસ્ટમ ડ્યૂટી અને ઘણા પ્રકારના ટેક્સથી બચવા માટે પોતાના સામાન ગિફ્ટ સ્વરુપે ભારત મોકલી રહી હતી. જેને લઈને સરકાર યોજના બનાવી રહી છે કે આધાર કાર્ડ પર ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને એપ્લિકેશન્સથી માત્ર 5 હજાર રુપિયા સુધીની ઈમ્પોર્ટેડ ગિફ્ટ મંગાવી શકશે.
વાણિજ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર આ 5000 રુપિયા સુધીની ઈમ્પોર્ટેડ ગિફ્ટ્સ મંગાવવા માટે આધાર કાર્ડ માત્ર એક વિકલ્પ નથી. પરંતુ ગ્રાહક કોઈપણ રીતે કેવાયસી પૂર્ણ કરીને વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ પાસેથી ઈમ્પોર્ટેડ ગિફ્ટ્સ મંગાવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશને રેવન્યુ વિભાગ પાસેથી માગણી કરી હતી કે ગિફ્ટ સ્વરુપે આવનારા કન્સાઈનમેન્ટનું લોકેશન ચેક કરવામાં આવે. જેનાથી કોઈપણ પ્રકારની સંદેહાત્મક ગતિવિધિ પહેલાંથી જ રોકી શકાય.
ચીની કંપનીઓ પોતાનો સામાન સસ્તા ભાવે ભારતમાં વેચતી હતી કારણ કે તે પોતાનો માલ ગિફ્ટ સ્વરુપે મોકલતી હતી. ત્યારે આવામાં તેમને કસ્ટમ ડ્યૂટી નહોતી આપવી પડતી. આના કારણે ભારતીય રિટેલર્સનો સામાન લોકો ઓછો ખરીદતાં હતાં અને ચીની કંપનીઓ વ્યાપાર કરી જતી હતી. આ સાઈટ્સ પર મળનારો સામાન ભારતીય ઈ-કોમર્સ સાઈટ્સથી 50-60 ટકા સસ્તો છે.