બીએસઈ-એસએમઈ સેગમેન્ટ પર ૩૮૦૦-કરોડના થયા ૫૨,૦૦૦-કરોડ

મુંબઈ તા.18 જાન્યુઆરી, 2022: બીએસઈ એસએમઈ એક્સચેન્જની સ્થાપના 13 માર્ચ, 2012ના રોજ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં કુલ 359 સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એસએમઈ)નું એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ 359 એકમોએ રૂ.3800 કરોડની રકમ મૂડી તરીકે એકત્ર કરી છે. આ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન હાલ આશરે રૂ.52000 કરોડ છે. આનો અર્થ એ થયો કે પ્રત્યેક એક રૂપિયાના રોકાણદીઠ મૂલ્ય દસ વર્ષમાં રૂ.3.4 થયું છે. હકીકતમાં મોટા ભાગનાં એસએમઈઝ છેલ્લાં પાંચ વર્ષમાં બીએસઈ એસએમઈ પર લિસ્ટ થયાં છે. એ જોતાં પાંચ વર્ષની રેન્જમાં જોઈએ તો વળતર એથી પણ અધિક થાય છે, એમ બીએસઈ એસએમઈના વડા અજય ઠાકુરે કહ્યું હતું.

બીએસઈએ બિનસંગઠિત ક્ષેત્રમાં દેશમાં ઠેર ઠેર આવેલાં એસએમઈ પ્લેટફોર્મને લિસ્ટિંગ કરાવ્યું છે અને તેમ કરીને તેમનો અંકુશિત અને સંગઠિત ક્ષેત્રમાં પ્રવેશવા સમર્થ બનાવ્યાં છે.

સરેરાશ વળતર રૂપિયાદીઠ આશરે રૂ.3.4 પ્રાપ્ત કરવાનું શક્ય એટલા માટે બન્યું છે કે મર્ચન્ટ બેન્કરોની નવી પેઢી નાની મૂડી ધરાવતી કંપનીઓ સાથે કામ કરવા સક્રિય બની છે. એ ઉપરાંત એક્સચેન્જ એવા નાના અને અતિ નાના રોકાણકારોને આકર્ષવામાં સફળ રહ્યું છે, જે નાની કંપનીઓમાં રોકાણ કરી લિસ્ટિંગ બાદ બેથી ત્રણ વર્ષ રાહ જોવા તૈયાર હોય, એમ તેમણે જણાવ્યું હતું.

બીએસઈ એસએમઈ એક્સચેન્જ નાની કંપનીઓ માટે ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) મારફત મૂડી એકત્ર કરવાનું લોકપ્રિય પ્લેટફોર્મ બની રહ્યું છે, જે મર્ચન્ટ બેન્કરો અને નાના રોકાણકારોને સહાયક બની રહ્યું છે.

બીએસઈ એસએમઈ એક્સચેન્જના સર્જનને પગલે સારી એવી સંખ્યામાં એમએસએમઈ રોકાણકાર જૂથો ઊભર્યાં છે. આ જૂથો સારાં એસએમઈઝને લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરે છે. આ એસએમઈઝના આઈપીઓ બહુ નાના છે એટલે રાકેશ ઝુનઝુનવાલા, ડોલી ખન્ના, વિજય કેડિયા, આશિષ કચોલિયા વગેરે માટે પોસણક્ષમ નથી, એમએસએમઈએક્સના સીઈઓ અમિત કુમારે કહ્યું હતું.

કુમારે કહ્યું છે કે એવા ઘણા રોકાણકારો છે, જેઓ બીએસઈ એસએમઈ લિસ્ટેડ કંપનીઓ પ્રતિ આકર્ષાય છે. 2021માં દેશમાં ઘણા એવા એસએમઈ શેર્સ છે, જેમણે રોકાણકારોને શ્રેષ્ઠ વળતર પૂરું પાડ્યું છે. આ રોકાણકારોના એક કરોડથી પાંચ કરોડ રૂપિયા સુધીના રોકાણથી એસએમઈ ઝડપથી વિકાસ સાધી શેરધારકોને સારું એવું વળતર આપ્યું છે.

આના પરથી એમ કહી શકાય કે બીએસઈ એસએમઈ એક્સચેન્જે એક નવા જ વર્ગના મર્ચન્ટ બેન્કરો અને અગ્રણી રોકાણકારો જેવા કે રાકેશ ઝુનઝુનવાલા, ડોલી ખન્ના, વિજય કેડિયા, આશિષ કચોલિયા જેવા સંખ્યાબંધ રોકાણકારોનો એક વર્ગ તૈયાર કર્યો છે, એમ કુમારે ઉમેર્યુ હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]