અમદાવાદમાં શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયા

મુંબઈ અને અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીઓનો સિલસિલો અટકી જ નથી રહ્યો. અમિતાભ બચ્ચનના બંગલાને બોમ્બથી ઉડાવવાની ધમકી બાદ હવે અમદાવાદમાં શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યો મેઈલ મળ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

 

અમદાવાદના સેટેલાઇટ અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં આવેલી શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેઈલ મળતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી. ધમકી મળ્યા બાદ શાળાઓ ખાલી કરાવી વિદ્યાર્થીઓને વહેલી રજા આપવામાં આવી હતી. પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, નારાયણ ગુરુ સ્કૂલ, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ અને સી.એન. વિદ્યાલયને ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. શાળા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વાલીઓને જાણ કરીને બાળકોને સુરક્ષિત ઘરે લઈ જવા માટે બોલાવવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા શાળાનાં મકાનો, વર્ગખંડો, મેદાન અને પાર્કિંગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઈમેઈલ મળ્યાનો અહેવાલ છે. આ ઈમેઈલ ખાલિસ્તાન નેશનલ આર્મીના નામે મોકલવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.