વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપની મોટી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એક માસ વ્યાપી વિશેષ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીને પત્રકાર પરિષદ યોજીને આ અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બર 2026 થી લઈને 17 ઓક્ટોબર 2026 સુધી સમગ્ર દેશમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ચલાવવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ઉત્તર પ્રદેશના વારાણસીથી ગુજરાતના વડનગર સુધી ખાસ ‘સેવા યાત્રા’ નું આયોજન પણ કરવામાં આવશે.

દર વર્ષની જેમ ‘સેવા દિવસ’ તરીકે ઉજવાશે વડાપ્રધાનનો જન્મદિવસ

પત્રકાર પરિષદને સંબોધતા નીતિન નવીને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ દર વર્ષે પાર્ટી દ્વારા ‘સેવા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને આ દરમિયાન સમગ્ર પખવાડિયું ‘સેવા પખવાડિયા’ તરીકે મનાવાય છે. વડાપ્રધાન મોદીનું સંપૂર્ણ જીવન સમાજ સેવા અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમર્પિત રહ્યું છે, તેથી તેમના જન્મદિનને ઉજવવાનો શ્રેષ્ઠ માર્ગ સમાજસેવા જ છે.

સમાજસેવા અને જનકલ્યાણના વિવિધ કાર્યક્રમો યોજાશે

એક મહિના સુધી ચાલનારા આ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત દેશભરમાં રક્તદાન શિબિરો, સ્વાસ્થ્ય તપાસ કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને ગરીબ કલ્યાણના અનેકવિધ પ્રોગ્રામ્સ યોજાશે. ખાસ કરીને વારાણસીથી વડનગર સુધી નીકળનારી ‘સેવા યાત્રા’ દ્વારા વડાપ્રધાનના જીવન મૂલ્યો અને જનસેવાના સંકલ્પને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.