પોલેન્ડ સાથે ડિફેસન્સ. સ્પેસ અને ન્યુક્લીયર એનર્જી મુદ્દે દ્વિપક્ષી વાટાઘાટ

નવી દિલ્હી: પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે વિશ્વમાં વ્યાપેલી અશાંતિ અને રાજકીય અસ્થિરતા વચ્ચે ભારતને વિશ્વ માટે ‘આશાનું કિરણ’ ગણાવ્યું છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક ભૂમિકાની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને પોલેન્ડના સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત બનશે. ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે સંયુક્ત નિવેદન આપતાં ટસ્કે બંને દેશો વચ્ચે વિશ્વાસ, સમાન મૂલ્યો અને સહયોગને આગળ વધારવા પર ભાર મૂક્યો હતો.

ભારત અને પોલેન્ડ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને નવી દિશા અને ગતિ આપવા માટે બંને દેશોના ટોચના નેતૃત્વ વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો થઈ છે. પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કની ત્રણ દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે વ્યાપક અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દ્વિપક્ષી ચર્ચા કરી હતી.

સંરક્ષણ, સ્પેસ અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સાથે કામ કરશે બંને દેશો

આ વાટાઘાટો દરમિયાન બંને દેશો વચ્ચે વ્યૂહરચના અને સુરક્ષા સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે સંરક્ષણ, અંતરીક્ષ (સ્પેસ) અને અણુ ઊર્જા જેવાં અત્યંત મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને દેશોએ પોતાના સંબંધોને વધુ ગાઢ બનાવવા પર સંમતિ દર્શાવી છે. પીએમ મોદીએ પોલેન્ડની અગ્રણી તકનિકી અને સંરક્ષણ કંપનીઓને ભારતમાં આમંત્રિત કરતાં કહ્યું હતું કે આ તમામ વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પોલિશ કંપનીઓ માટે ભારત સાથે કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન કરવાની શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ છે.

વ્યૂહાત્મક ભાગીદારીને મળી નવી તાકાત

પોલેન્ડના વડા પ્રધાનનું સ્વાગત કરતાં વડા પ્રધાન મોદીએ પોતાની ૨૦૨૪ની પોલેન્ડ મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બંને દેશોના સંબંધોને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’નો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ જ મજબૂત આધાર પર છેલ્લાં બે વર્ષમાં આપણી ભાગીદારીએ નવી રફતાર પકડી છે અને બંને દેશો આ જોડાણને વધુ આગળ વધારવા માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને પોલેન્ડની વધતી આર્થિક તાકાતે બંને દેશો માટે સહયોગના ઘણા નવાં દ્વાર ખોલ્યાં છે. આ સાથે ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી બંને દેશોના વેપાર અને આર્થિક સંબંધો વધુ મજબૂત થશે.