બિહારનો રૂ. 100 કરોડનો હાઈવે ‘વૃક્ષજામ’માં ફસાયો

પટનાઃ બિહારની વાત હોય અને તેમાં કંઈ અનોખું ન મળે, એવું થઈ જ ન શકે. આવું જ કંઈક તમને પટના-ગયા હાઈવે જોઈને લાગશે, જ્યાં તમે નવા માર્ગ પર એક પણ ખાડો ન હોવાની ખુશીમાં ઝડપથી ગાડી ચલાવતા હશો અને અચાનક જ કોઈ ઝાડ સાથે અથડાઈ જશો. જો તમે વિચારી રહ્યા છો કે કદાચ કોઈ કારણસર કંટ્રોલ ગુમાઈ ગયો અને ગાડી રસ્તાની બાજુ ઊભેલા ઝાડ સાથે અથડાઈ ગઈ, તો એવું નથી. કારણ કે આ ઝાડ રસ્તાની બાજુ પર નહીં, પરંતુ રસ્તાની બિલકુલ વચ્ચે ઊભા છે – જેને જોઈને તમે ચોંકી જશો. રસ્તા વચ્ચે અંદાજે 50થી વધુ વૃક્ષો સીધા બેધડક ઊભાં છે.

આ કમાલ કર્યો છે બિહારના 100 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પટના-ગયા હાઈવેના કોન્ટ્રેક્ટરોએ. તેમને જ્યારે વન વિભાગ તરફથી ઝાડ કાપવાની પરવાનગી ના મળી, ત્યારે તેમણે એ ઝાડોને વચ્ચે જ રાખીને રોડને પહોળો કરી નાખ્યો.

જેહાનાબાદમાં સાત કિમી લાંબા રસ્તા પર આ અનોખું કામ

આ આશ્ચર્યજનક કામ હાઈવેના જેહાનાબાદ શહેરમાંથી પસાર થતી જગ્યા પર થયેલું છે, જે પટનાથી લગભગ 50 કિલોમીટર દૂર છે. અહેવાલ મુજબ પટના-ગયા હાઈવેના લગભગ 7.48 કિમીના સ્ટ્રેચ પર ઝાડ કાપ્યા વિના રોડની પહોળાઈ વધારવામાં આવી છે. જેને કારણે કોઈ પણ સમયે વાહનો સાથે દુર્ઘટના થવાનો ભય છે.

ચાલકે બને છે વિડિયો ગેમનો ખેલાડી

આ અનોખી કામગીરીના કારણે, રોડ પર સરળતાથી ડ્રાઇવિંગ કરતા ડ્રાઈવર માટે અચાનક પરિસ્થિતિ બદલાઈ જાય છે, કારણ કે આ વૃક્ષો એક સીધી લાઈનમાં નથી ઊભા, તેથી ડ્રાઈવરને ઝિગઝેગ પેટર્નમાં ગાડી ચલાવવી પડે છે – જાણે તે કોઈ વિડિયો ગેમમાં ગાડી ચલાવી રહ્યો હોય. જેના કારણે આ માર્ગ અજાણ્યા લોકો માટે 100 કરોડ રૂપિયાના મોતને આમંત્રણ આપી રહ્યો છે.