મુંબઈ: લોકકલા ભવાઈને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિલે પાર્લેના દશરથલાલ જોષી વાચનાલયના સહયોગમાં એક ભવાઈ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા એવા જ મંજાયેલા કલાકાર અનુરાગ પ્રપન્ન અને વિકાસ ઘનશ્યામ નાયકે ભવાઈના વેશની રજૂઆત કરી માર્ગદર્શન આપ્યું હતું.

લીલીબહેન તથા વિકાસભાઈએ ગણેશ વંદનાથી શરૂઆત કરી હતી. અનુરાગ પ્રપન્ને ભવાઈના ઈતિહાસની વાત કરી અને સમય સાથે જૂનું સાચવીને, નવા લખાતાં વેશમાં નવી ભાષા પ્રયોજવાની વાત કરી.વિવિધ પાત્ર પ્રમાણે અલગ અલગ અંગભંગિમા કરી તબલાંના તાલ સાથે કઈ રીતે નૃત્યના ઠેકા લેવા એ એમણે સમજાવ્યું હતું. શિબિરમાં ભાગ લેનાર બાળકો, બહેનો, યુવાનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શિબિરમાં જોડાનાર કલાપ્રેમીઓએ પણ સ્ટેજ પર પ્રદર્શન કર્યુ હતું.

લીલીબેને ભવાઈ વિશે વાત કરી કલા પ્રેમીઓ સાથે પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેમજ વિકાસભાઈ સાથે એમણે એક વેશની રજુઆત પણ કરી હતી. અનુરાગભાઈએ ભવાઈના કેટલાક સ્ટેપ શીખવ્યા હતાં. શિબિરાર્થી તો તૈયારી સાથે જ આવ્યાં હતાં. પોતાની કળાને રજૂ કરવા તેઓ ઉત્સાહિત પણ હતાં. ડિમ્પલ સોનિગ્રા તેમજ મિતા ગોર મેવાડાએ ડિમ્પલ સોનિગ્રા દ્વારા લિખિત ભવાઈ રજૂ કરી હતી. ચંદાબેન છેડા અને નીતાબેન કઢી,સ્મિતા શુકલ નિરંજનાબહેન, કાજોલ વસાની અને મીઠીબાઈ કૉલેજના વિદ્યાર્થી હેમાક્ષ વૈષ્ણવે પણ સરસ રજૂઆત કરી હતી. સહુનાં આશ્ચર્ય વચ્ચે જમનાબાઇ નરસી શાળાના વિદ્યાર્થી હરિ દલાલ અને પ્રથમેશ મહેતાએ દસ મિનિટના બ્રેકમાં ભવાઈ લખી અને ખૂબ સરસ રીતે રજૂ કરી. એમણે ચારણ કન્યા ગીતને પણ ભવાઈમાં વણી લીધું.

મુંબઈ યુનિવર્સીટીનાં કલાવિભાગનાં પ્રોફેસર અને અકાદમીના સક્રિય સભ્ય મોનિકા ઠક્કર એમનાં કલાકાર વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત હતાં. ત્યાર બાદ બોરીવલીની ગોપાલજી હેમરાજ શાળાની ત્રણ બાળાઓએ પણ ઉત્સાહિત થઈ મંચ પર ભવાઈના સ્ટેપ્સ કરી દેખાડ્યા.આ અગાઉ ભૂમિકા બાંધતા સંજય પંડ્યાએ ઈશુના જન્મ અગાઉ લખાયેલા નાટ્યશાસ્ત્ર વિશે વાત કરી હતી. ભવાઈની કલાને જીવંત રાખવા સક્રિય એવા જનક દવે, અર્ચન ત્રિવેદી, કૃષ્ણકાંત કડકિયા વગેરે રંગકર્મીઓનો, લેખકોનો એમણે ઉલ્લેખ કર્યો હતો. વિસનગરના હાર્દિક મહેતાએ ભવાઈ વિષય ઉપર ડૉક્ટરેટ મેળવ્યું છે એનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ શિબિર માટે હૉલ ‘કલાગુર્જરી ‘ના સૌજન્યથી મળ્યો હતો. કલાગુર્જરીના ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદીએ સ્વાગત કર્યું હતું. ભૂતપૂર્વ પ્રમુખ અને હાલમાં કલાગુર્જરીના સાહિત્ય વિભાગ તથા કલાના અધ્યક્ષ અમૃત માલદેએ કલાકારોને મેમેન્ટો આપ્યા હતા. કલાગુર્જરીના પ્રમુખ હેમાંગ જાંગલાએ શિબિરની સફળતા માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. કવયિત્રી પ્રતિમા પંડ્યા, કવિ સતીશ વ્યાસ, લેખિનીનાં પ્રમુખ પ્રીતિ જરીવાલા, લોકગાયક હરેશ પુરોહિત, વિનય પાઠક, નયનાબહેનની વિશેષ ઉપસ્થિતિ હતી.