જેલવાસ યાદ કરી આઝમ ખાનનું દર્દ છલકાયું

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે સમાજવાદી પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં જોતરાયો છે. પક્ષ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહ્યો છે. આ દરમિયાન પૂર્વ મંત્રી આઝમ ખાને જણાવ્યું હતું કે તેઓ 5 વર્ષ અંધારી ઓરડીની એકલતામાં રહ્યા અને આજે સૌની સામે અડધા જીવિત માણસ તરીકે ઊભા છે. પક્ષના વડા અખિલેશ યાદવની પ્રશંસા કરતા આઝમ ખાને કહ્યું કે ઈશ્વરની ઈચ્છા હશે તો તેઓ ઘણા આગળ વધશે. તેમણે જેલમાં વિતાવેલા પોતાના કપરા દિવસોને યાદ કરતા કહ્યું કે તેઓ નફરત અને ધિક્કારના તબક્કામાંથી પસાર થયા છે. પોતાના અનુભવો વહેંચતા આઝમ ખાને વેદના વ્યક્ત કરી કે તેમને મારી નાખવા વધુ બહેતર હોત, કારણ કે અંગ્રેજોએ પણ આટલો જુલમ કર્યો ન હતો.

સમાજવાદી પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર થાય તે પહેલાં આઝમ ખાને કહ્યું, “આ માત્ર ચૂંટણી ઢંઢેરો નથી કે કોઈ આસમાની ગ્રંથ નથી કે જેટલું લખી દીધું કે કહી દીધું તેટલું જ થશે, પરંતુ જ્યારે જેની જરૂર પડશે તે પણ કરવામાં આવશે.” તેમણે વધુમાં ઉમેર્યું, જે લોકો તમને પરેશાન કરી રહ્યા છે તેમનું કદ તમે વધારી દીધું છે, પરંતુ ગઈકાલથી મેં પ્રયાસ કર્યો છે કે તેઓ આ બીમારીમાંથી થોડી મુક્તિ મેળવે. કોઈ પણ પક્ષનું નામ લીધા વિના આઝમ ખાને આકરા પ્રહાર કરતા કહ્યું, “જુઓ, તેમની સામે કોઈ મોટું લક્ષ્ય નથી. તેમની સામે બહુ નાનું લક્ષ્ય છે કે કઈ રીતે તેઓ સરકારો ન બનવા દે. કોઈની રમત બગાડી નાખવી તે બહુ નાનો, અત્યંત હલકો અને શરમજનક ઈરાદો છે.” તેમણે આગળ કહ્યું કે તેઓ પોતે તો કંઈ બની શકતા નથી અને ન તો કશું બનાવી શકે છે, પરંતુ બીજાની રમત બગાડી દેવી તે જ તેમનો ઈરાદો છે, જેને આપ સૌ સારી રીતે સમજો છો.

પૂર્વ મંત્રી આઝમ ખાને ભાવુક થતા જણાવ્યું, “5.5 વર્ષની જેલની કોટડીએ હૃદય અને મગજ પર ઊંડી અસર કરી છે, મને ખૂબ જ પરેશાન કરવામાં આવ્યો. મારે, મારા પુત્ર અને મારી પત્નીએ તો બસ મરી જવું જોઈતું હતું, પરંતુ અમે મરીશું તો ખરા, પણ કંઈક કરીને મરીશું. અમે જે સમયમાંથી પસાર થયા છીએ, અમને તો લાગે છે કે મરી જવું જોઈતું હતું, પરંતુ અમે મજબૂત જીવ સાબિત થયા અને લાગે છે કે મરીશું તો પણ કંઈક કરીને જ મરીશું.”