હાર્દિક પંડ્યા સામે BCCIએ મોટી કાર્યવાહી કરી

IPL 2025 ની 9મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિઝનમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાની આ પહેલી મેચ હતી. પરંતુ આ મેચમાં તેની તરફથી એક મોટી ભૂલ જોવા મળી, જેના કારણે BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે અને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

હાર્દિક પંડ્યા સામે BCCIએ મોટી કાર્યવાહી કરી

શનિવારે રમાયેલી મેચ દરમિયાન ધીમા ઓવર રેટ બદલ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનો આ પહેલો ગુનો છે અને હાર્દિક પંડ્યાને ફક્ત દંડનો સામનો કરવો પડ્યો છે. જેનો અર્થ એ થયો કે હાર્દિકને ૧૨ લાખ રૂપિયાના દંડ સાથે છોડી દેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે, છેલ્લી સીઝનમાં પણ હાર્દિક પંડ્યા તરફથી ઘણી મેચોમાં આવી ભૂલો જોવા મળી હતી.

IPL એ પોતાની પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, ‘અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે IPL 2025 ની મેચ નંબર 9 દરમિયાન ધીમી ઓવર-રેટ જાળવવા બદલ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે.’ IPL આચારસંહિતાના કલમ 2.2 હેઠળ, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તે મુજબ, આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી, પંડ્યા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રતિબંધને કારણે પહેલી મેચ રમી શક્યો ન હતો

ગયા સિઝનમાં મુંબઈની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા પર ધીમા ઓવર રેટના કારણે એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તે આ સિઝનની પહેલી મેચ રમી શક્યો નહીં. પણ હવે પાછા ફરતાં તેને આટલો મોટો આંચકો લાગ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી આ મેચમાં, મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સમયસર 20 ઓવર ફેંકવામાં નિષ્ફળ રહી. જેના કારણે તેને ગુજરાતની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં સજા મળી. આ ઓવરમાં તેણે 30 યાર્ડના સર્કલ પર એક વધારાનો ફિલ્ડર રાખવો પડ્યો.