મુંબઈ: મીટ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કાંદિવલીમાં દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ

મુંબઈ: કોઈપણ હોસ્પિટલમાં ઈમરજન્સી કેસના દર્દીઓ માટે સારવારની પ્રક્રિયા ઝડપથી થઈ શકે એ હેતૂથી એમ્બ્યુલન્સની સુવિધા હોવી અતિ મહત્વની છે. કાંદિવલી હિતવર્ધક મંડળ (કેએચએમ) હોસ્પિટલમાં ગત શનિવારે પ્રથમ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સ માટે જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા પરિવારે મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનને સહકાર આપ્યો. તેના ડોનેશનથી મીટ ઈન્ડિયાએ આ એમ્બ્યુલન્સ કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલને સમર્પિત કરી હતી હોસ્પિટલ આ સુવિધા 26 જાન્યુઆરીથી ઉપલબ્ધ બનાવવાની યોજના ધરાવે છે.

મીટ ઈન્ડિયા ફાઉન્ડેશનના સિનીયર સભ્ય ઉમાબેન અરવિંદ સંઘવી, મેડિકલ પ્રોજેકટ હે઼ડ મહેશ ગાંધી અને મીટ ઈન્ડિયાના શુભેચ્છક ઓડિટર અનિલ પરીખે એમ્બ્યુલન્સને કાંદિવલી હિતવર્ધક મંડળ હોસ્પિટલને સમર્પિત કરી હતી. મીટ ઈન્ડિયાની સભ્ય જયના શર્માએ પૂજાની વિધિ કરી હતી. જયારે સભ્ય પલ્લવી ગાંધી અને પ્રેરણા શાહે રિબિન કટિંગ કર્યુ હતું.

આ પ્રસંગે કેએચએમના વાઈસ પ્રેસિડન્ટ ભરત શાહે કહ્યું હતું, અત્યારસુધી આ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધા નહોતી, હવે તે પણ આવી ગઈ હોવાથી હોસ્પિટલના દર્દીઓની સેવામાં તેનો સદુપયોગ થશે. હાલ આ સુવિધા માત્ર કેએચએમ હોસ્પિટલના દર્દીઓ માટે જ ઉપલબ્ધ રહેશે. આ અવસરે કેએચએમના ટ્રેઝરર- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અનંતરાય મહેતાએ કાંદિવલીને વિવિધ સામાજીક સંસ્થાઓથી સભર સબર્બ ગણાવતા કહ્યું હતું કે અહી એક પછી એક સામાજીક સુવિધાઓ વધતી જતા અહીની પ્રજા અને દર્દીઓ માટે આ વિસ્તાર આશિર્વાદરૂપ બની રહ્યો છે. આ હોસ્પિટલ તેમ જ મીટ ઈન્ડિયા સાથે સંકળાયેલા ડો. ગીરિશ ત્રિવેદીએ પણ આ ઘટનાને આવકારી હતી.

આ અવસરે ગૌરવ મશરૂવાલા હાજર રહી શકયા નહોતા, પરંતુ તેમણે પણ આ પ્રસંગ માટે આનંદ અને સંતોષની લાગણી વ્યકત કરતો સંદેશ આપ્યો હતો. મીટ ઈન્ડિયાના સભ્ય ઉમાબેન સંઘવી તેમ જ મહેશ ગાંધીએ દાતા ગૌરવ મશરૂવાલા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. મીટ ઈન્ડિયાના સભ્ય જયેશ ચિતલિયાએ મશરૂવાલા પરિવાર તેમ જ કેએચએમના મેનેજમેન્ટ-ટ્રસ્ટીઓનો આભાર દર્શાવતા કહ્યું હતું કે આપણે સૌ એવી શુભેચ્છા વ્યકત કરીએ, આ એમ્બ્યુલન્સમાં પ્રવેશનાર દરેક દર્દી સ્વસ્થ થઈને બહાર આવે.

કેએચએમના ટ્રસ્ટી બીજલ દત્તાણીએ આ સમગ્ર પ્રોજેકટમાં સક્રિય રસ લઈ તેને પાર પાડયો હતો, જેમાં કમિટિ સભ્ય રાજ કાવાનો મહત્વનો સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે હાજર નહી રહી શકનાર કેએચએમના પ્રેસિડન્ટ રજનીકાંત ઘેલાણીએ લેખિત સંદેશામાં આભાર તથા શુભેચ્છાની લાગણી પહોંચાડી હતી. આ ઉપરાંત કેએચએમના મેનેજિંગ ટ્રસ્ટી વિનોદ વોરાએ, માનદ સચિવ પંકજ શાહ અને ચીફ મેડિકલ ઓફિસર ડો. નીતા સિંઘીએ પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

મીટ ઈન્ડિયાના ટ્રસ્ટીઓ અને સભ્યોમાં કમલેશ કોટક, તુષાર દેસાઇ, અપેક્ષા દેસાઇ, પ્રશાંત શાહ, જીતુ મહેતાએ હાજરી આપી આ શુભ કાર્ય અંગે પ્રસન્નતા વ્યકત કરી હતી. જયારે કેએચએમના મેડિકલ અને અન્ય વિભાગના અધિકારીઓએ આ શુભપ્રસંગના સફળતા પૂર્વક પાર પાડવામાં સુંદર સહયોગ આપ્યો હતો.