ભારતીય સેનાને મળશે 100% સ્વદેશી AK-203 ‘શેર’ અસોલ્ટ રાઇફલ

ભારતીય સેનાની શક્તિમાં અભૂતપૂર્વ વધારો કરનારી અને દેશના સંરક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈએ પહોંચાડનારી એક મોટી સફળતા સામે આવી છે. દેશની સરહદોની સુરક્ષા કરતા ભારતીય સેનાના જવાનોને ટૂંક સમયમાં જ 100% સ્વદેશી અસોલ્ટ રાઇફલ AK-203 ‘શેર’ મળવા જઈ રહી છે. તાજેતરમાં જ આ આધુનિક રાઇફલનું સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જેનાથી દુશ્મન દેશોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

 અમેઠીની ફેક્ટરીમાં નિર્માણ: કમ્પોનન્ટથી કાચો માલ તમામ ભારતીય

આ ઘાતક અસોલ્ટ રાઇફલનું નિર્માણ ઉત્તર પ્રદેશના અમેઠી સ્થિત કોરવા ઓર્ડનન્સ કારખાનામાં કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ ભારત અને રશિયાના જોઈન્ટ વેન્ચર ‘ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ’ (IRRPL) દ્વારા આ રાઇફલ તૈયાર કરવામાં આવી છે.IRRPL ના સીઇઓ મેજર જનરલ એસ કે શર્માએ રાઇફલ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રાઇફલ બનાવવા માટે માત્ર ને માત્ર સ્વદેશી પુર્જાઓ (Parts) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તેને બનાવવા માટે વપરાયેલો કાચો માલ (Raw Material) પણ સંપૂર્ણપણે ભારતીય છે. રાઇફલના ઓટોમેટિક અને બર્સ્ટ-ફાયરિંગ ટેસ્ટિંગના પરિણામો અત્યંત આશ્ચર્યજનક અને ઉત્કૃષ્ટ આવ્યા છે.

 દર 100 સેકન્ડમાં એક નવી રાઇફલ: નિર્ધારિત સમયથી 1 વર્ષ પહેલાં સપ્લાય

ફેક્ટરી સોર્સિસ અને IRRPL પાસેથી મળેલી માહિતી મુજબ, ટૂંક સમયમાં જ ફેક્ટરીમાં આ રાઇફલનું ઉત્પાદન બમણી ઝડપે શરૂ કરવામાં આવશે. ફેક્ટરીમાં દર 100 સેકન્ડમાં 1 નવી AK-203 રાઇફલ બનીને તૈયાર થઈ જશે. આ ઝડપી ઉત્પાદનના કારણે ભારતીય સેનાને નક્કી કરેલા સમયમર્યાદા કરતા લગભગ 1 વર્ષ પહેલાં જ 6 લાખ રાઇફલ્સનો વિશાળ જથ્થો સોંપી દેવામાં આવશે.

 ‘શેર’ રાઇફલની અદભુત ખાસિયતો
ભારતીય સેનામાં લાંબા સમયથી ઉપયોગમાં લેવાતી પરંપરાગત INSAS (ઇન્સાસ) રાઇફલ્સનું સ્થાન હવે આ આધુનિક ‘શેર’ રાઇફલ લેવા જઈ રહી છે. સપ્ટેમ્બર મહિનામાં આ AK-203 રાઇફલ્સનો એક વિશેષ સેટ આર્મીને ફાઇનલ ટેસ્ટિંગ માટે સુપ્રત કરવામાં આવશે.

ફાયરિંગ કેપેસિટી: આ રાઇફલ 1 મિનિટમાં 700 રાઉન્ડ સુધીનું ભયાનક ફાયરિંગ કરવાની ક્ષમતા ધરાવે છે.

રેન્જ અને ટાર્ગેટ: ‘શેર’ રાઇફલ 800 મીટર સુધીની રેન્જને સરળતાથી કવર કરી શકે છે, જેથી દૂરેથી આવતા દુશ્મનને પણ સચોટ નિશાનો બનાવી શકાય.

આધુનિક એર્ગોનોમિક્સ: તેમાં કલાશ્નિકોવ પ્લેટફોર્મની વિશ્વસનીયતા સાથે આધુનિક એર્ગોનોમિક્સ, દૂરબીન અથવા માઉન્ટ સાઇટ લગાવવા માટે મોડ્યુલર રેલ્સ આપવામાં આવ્યા છે, જેનાથી અત્યંત સચોટ નિશાનો લગાવી શકાય છે.