શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા લોર્ડ્સ ટર્ફ એકલવ્ય સ્પોર્ટસ એકેડમીમાં એક અનોખી ‘બોક્સ ક્રિકેટ લીગ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા બાળકો એકદમ વિશિષ્ટ હતાં. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી નવજીવન સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
બાળકોના ઉત્કર્ષ માટે જુદા જુદા કાર્યક્રમો
સંસ્થા સાથે સંકળાયેલા નિલેશભાઇ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ, સંચાલિત ‘ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ ‘ ને 30 વર્ષ પૂર્ણ થયાં. મનોદિવ્યાંગ બાળકો માટે આ સંસ્થા અવનવા કાર્યક્રમો કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આ વિશિષ્ટ બાળકોને સમાજમાં સારું સ્થાન મળે એવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. મનોદિવ્યાંગ બાળકો રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લે એવા પણ પ્રયાસ કરવામાં આવે છે. સતત 30 વર્ષ થી સંસ્થા મનોદિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે જુદા જુદા કાર્યક્રમો કરી રહી છે.
થાઈલેન્ડ ડાન્સ ફેસ્ટિવલમાં ડાન્સનું પરફોર્મન્સ રજૂ કર્યુ
નિલેશભાઇ કહે છે મનોદિવ્યાંગ બાળકો એ તાજેતરમાં થાઈલેન્ડ ડાન્સ ફેસ્ટિવલમાં ડાન્સનું પરફોર્મન્સ રજૂ કર્યુ હતું. અમદાવાદ અને કપડવંજના મનોદિવ્યાંગ બાળકોએ ડાન્સ રજૂ કર્યો. જ્યારે આ જ કાર્યક્રમમાં અન્ય સાત દેશમાંથી આવેલા સામાન્ય બાળકોએ ભાગ લીધો હતો. શહેરમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચાર ટીમોએ ભાગ લીધો. બધાં જ બાળકોના શિક્ષકોની અટક પરથી ટીમો બનાવી અને દરેક બાળક રમી શકે એવી ગોઠવણ બોક્ષ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરવામાં આવી હતી.
પ્રજ્ઞેશ વ્યાસ