અમદાવાદ જિલ્લાની 21 બેઠક પર 249 ઉમેદવાર મેદાને, એક ક્લિકમાં સંપૂર્ણ માહિતી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે. હાલમાં સમગ્ર રાજ્ય ચૂંટણીના રંગમાં રંગાયું છે. હાલ અમદાવાદ જિલ્લાની તમામ બેઠકો પર ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં 21 બેઠકો માટે 249 ઉમેદવારો મેદાનમાં છે. બાપુનગરમાં સૌથી વધુ 29 ઉમેદવારો છે.

અમદાવાદ શહેરની 16 અને ગ્રામ્યની 5 સહિત કુલ 21 બેઠકો માટે કુલ 549 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા.જેમાં એક ઉમેદવારે એકથી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યા હતા અને એક જ પાર્ટીમાંથી એક જ બેઠકમાં બેથીત્રણ ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા. ડમી ફોર્મ બાદ કરતા કુલ 415 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા.જેમાંથી 84 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા બાદ 331 માન્ય ઉમેદવારો હતા. જેમાંથી સોમવારે 61 ઉમેદવાર સહિત 82 ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા હવે ચૂંટણી લડનારા કુલ 249 ઉમેદવારો છે. મહત્વનું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે બેઠકમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે ઘાટલોડીયા બેઠકમાં કોંગ્રેસ અને આપ ઉમેદવાર સહિત તેઓની સામે આઠ ઉમેદવાર મેદાને છે.

કઈ બેઠકમાં કેટલા ઉમેદવાર 

બેઠક ઉમેદવાર
ઘાટલોડિયા 09
વેજલપુર 15
વટવા 14
એલિસબ્રિજ 09
નારણપુરા 05
નિકોલ 12
નરોડા 17
ઠક્કરબાપાનગર 09
બાપુનગર 29
અમરાઈવાડી 17
દરિયાપુર 07
જમાલપુર-ખાડીયા 08
મણિનગર 09
દાણીલીમડા 12
સાબરમતી 09
અસારવા 07
દસ્ક્રોઈ 06
ધોળકા 15
ધંધુકા 11
વિરમગામ 14
સાણંદ 15
કુલ 249

 

આ ચૂંટણીમાં સૌથી વધુ 55 ફોર્મ બાપુનગર બેઠકમાં ભરાયા હતા. જેમાંથી માન્ય ઉમેદવાર 35 હતા અને 6 ફોર્મ ખેંચાતા ચૂંટણી લડનારા ઉમેદવારો 29 છે. જે તમામ બેઠકોમાં સૌથી વધુ છે. જ્યારે નારણપુરા બેઠકમાં ડમી ફોર્મ સાથે 15 ફોર્મ ભરાયા હતા અને ઉમેદવાર સાત હતા.જેમાંથી એકનું ફોર્મ રિજેક્ટ થયા બાદ માન્ય છ ઉમેદવાર હતા.જેમાંથી એક ઉમેદવારનું ફોર્મ પાછુ ખેંચાતા ચૂંટણી લડનારા માત્ર પાંચ જ ઉમેદવાર છે. જે તમામ બેઠકોમાં સૌથી ઓછા છે.

અમરાઈવાડી

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો આવેલી છે. આ 182 વિધાનસભા બેઠકમાં ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક 50માં ક્રમાંકે છે. વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે.અમરાઈવાડી બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડનો સમાવેશ થાય છે.

અમરાઈવાડી બેઠક પરના ઉમેદવારો

અમરાઈવાડી બેઠક પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ડો.હસમુખ પટેલ

કોંગ્રેસ – ધર્મેન્દ્ર પટેલ

આપ – વિનય ગુપ્તા

ભાજપના હસમુખભાઈ પટેલ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવતા આવ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણી લડીને જીત મેળવતા હસમુખભાઈએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. 2019માં અહીં પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં ફરી ભાજપના જગદીશ પટેલની જીત થઈ હતી. આ બેઠક પર કુલ 2 લાખ 79 હજારથી વધુ મતદારો નોંધાયેલા છે, જેમાં હિન્દીભાષી અને દલિત મતદારોનો પ્રભાવ વધુ છે.

વર્ષ 2012માં ભાજપના હસમુખભાઈ સોમાભાઈ પટેલને 108683 મત મળ્યા હતા. તથા કોંગ્રેસ નાગઢવી બિપીનભાઈ ગોપાલભાઈને 43258 મત મળ્યા હતા. જેમાં હસમુખભાઈ 65425 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પટેલ હસમુખભાઈ સોમાભાઈ (એચ.એસ. પટેલ)ને 105694 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચૌહાણ અરવિંદસિંહ વિશ્વનાથસિંહને 55962 મત મળ્યા હતા. જેમાં હસમુખભાઈ 49732 મતથી જીત્યા હતા. જેમાં અમરાઇવાડી બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 157295 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 138868 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 29617 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

અસારવા

મુંબઈ રાજ્યથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની વર્ષ 1962માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. જેમાં અસારવા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના મંગળદાસ પંડ્યા ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 1967માં એમ ટી શુકલા, વર્ષ 1972માં મગનભાઈ બારોટ, વર્ષ 1975માં લક્ષ્મણ પટ્ટણી ચૂંટાયા હતા. તેઓ ફરી વખત વર્ષ 1980 અને વર્ષ 1985માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા.

અસારવા બેઠક પરના ઉમેદવાર

અસારવા બેઠક પર કુલ 7 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – દર્શના વાઘેલા

કોંગ્રેસ – વિપુલ પરમાર

આપ – જે.જે.મેવાડા

1990થી આ બેઠક ભાજપા પાસે રહી છે. અત્યારે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર આ બેઠક પરના ધારાસભ્ય છે.આ મતદાર વિસ્તારમાં દલિત, પાટિદાર અને ઠાકોરની વસ્તી નોંધપાત્ર છે, એ ઉપરાંત તમામ જાતિ-ધર્મના મતદારો પણ અહીં છે.

વર્ષ 2012માં ભાજપના રજનીકાંત મોહનલાલ પટેલને 76829 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના સુરજકર મંગળભાઈ હીરાભાઈ (મંગલ સુરજકર)ને 41784 મત મળ્યા હતા. જેમાં રજનીકાંત મોહનલાલ પટેલ 35045 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પરમાર પ્રદિપભાઈ ખાનાભાઈને 87238 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના વાઘેલા કનુભાઈ આત્મારામને 37974 મત મળ્યા હતા. જેમાં પરમાર પ્રદિપભાઈ 49264 મતથી જીત્યા હતા. જેમાં અસારવા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 113289જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 104618 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 217912 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

બાપુનગર

ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે.

બાપુનગર બેઠક પરના ઉમેદવાર

બાપુનગર બેઠક પર કુલ 29 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – દિનેશસિંહ કુશવાહ

કોંગ્રેસ – હિંમતસિંહ પટેલ

આપ – રાજેશ દિક્ષીત

દલિત સમાજનું પ્રભુત્વ ધરાવતી આ મતવિસ્તારમાં પરપ્રાંતીય અને મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધનીય છે. 2012માં આશરે 2600 મતોની સરસાઈથી જીત મેળવી હતી, પણ 2017માં કોંગ્રેસના હિંમતસિંહ પટેલ સામે એમની 3000 મતોના માર્જિનથી હાર થઈ.

 

વર્ષ 2012માં ભાજપના જગરૂપસિંહ ગીરદાનસિંહ રાજપૂતને 51058 મત મળ્યા હતા. તથા શ્યાની ધીરુભાઈ ઠાકરશીભાઈને 48455 મત મળ્યા હતા. જેમાં જગરૂપસિંહને 2630 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના પટેલ હિંમતસિંહ પ્રહલાદસિંહને 58785 મત મળ્યા હતા. તથા ભાજપના જગરૂપસિંહ ગીરદાનસિંહને 55718 મત મળ્યા હતા. જેમાં હિંમતસિંહ 3067 મતથી જીત્યા હતા. જેમાં બાપુનગર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 108687 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 98328 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 13 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 207028 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

દાણીલીમડા

દાણીલીમડા વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી તે પહેલા શહેર કોટડા બેઠક પર 1975થી કોંગ્રેસનો પ્રભુત્વ રહ્યુ છે. વર્ષ 1975માં કોંગ્રેસના દિગ્ગજ નેતા નરસિંહ મકવાણાએ રાષ્ટ્રીય મજદુર પક્ષના નારાણભાઇ પરમારને હરાવ્યા હતા. વર્ષ 1980માં કોંગ્રેસ (I)ના મનુભાઇ પરમારે જનતા પાર્ટીના મોહનલાલ મકવાણાને હરાવ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ગિરીશ ચંદ્ર પરમાર માત્ર 1782 મત સાથે ચોથા ક્રમે રહ્યા હતા.

દાણીલીમડા બેઠક પરના ઉમેદવાર

દાણીલીમડા બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – નરેશ વ્યાસ

કોંગ્રેસ – શૈલેષ પરમાર

આપ – દિનેશ કાપડિયા

પંરપરાગત આ રીતે આ બેઠક કોંગ્રેસની રહી છે. છેલ્લી ત્રણેય ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના શૈલેષ પરમારે ભાજપના ઉમેદવારોને ભારે માર્જિનથી મ્હાત આપી છે. દાયકાઓથી આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે. 1995માં અને 2002માં એમ બે વાર જ આ બેઠક પર કમળ ખીલ્યું છે. આ બેઠક પર 60 ટકાથી વધુ મતદારો લઘુમિત સમુદાયના છે.

વર્ષ 2012માં કોંગ્રેસના શૈલેષ મનુભાઈ પરમારને 73573 મત મળ્યા હતા. તથા ભાજપના ગીરીશ પરમારને 59272 મત મળ્યા હતા. જેમાં શૈલેષ મનુભાઈ પરમાર 14301 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના પરમાર શૈલેષ મનહરભાઈને 90691 મત મળ્યા હતા. તથા ભાજપના વાઘેલા જીતેન્દ્ર ઉમાકાંતને 58181 મત મળ્યા હતા. જેમાં પરમાર શૈલેષ 32510 મતથી જીત્યા હતા. જેમાં દાણીલીમડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 137799જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 127562 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 13 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 265374 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

દરિયાપુર

રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, આ સીટ પર જીત મેળવવી હોય તો એસસી ઉમેદવારને ટીકીટ આપવી જરૂરી છે. જો ભાજપ એસસી ઉમેદવારને ટીકીટ આપે અને આ સાથે જ આપના ઉમેદવાર અને AIMIMના ઉમેદવાર પણ ચુંટણી લડે તો તેના કારણે બીજેપીને જીત મળી શકે છે. અલબત્ત આ જીત પણ ટૂંકા માર્જિનની રહે તેવી પ્રબળ શક્યતા છે.

દરિયાપુર બેઠક પરના ઉમેદવાર

દરિયાપુર બેઠક પર કુલ 7 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – કૌશિક જૈન

કોંગ્રેસ – ગ્યાસુદ્દીન શેખ

આપ – તાજ કુરેશી

2012ના નવા નામાંકન પછી આ બેઠક પર બન્ને ચૂંટણીમાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ વિજેતા બનતા આવ્યા છે. આ બેઠક પર કોંગ્રેસ જીતતી આવી હોવા છતાં 2012માં 2600 જેટલા મતો અને 2017માં 6000 મતોનો માર્જિન હતો. આ વખતે અહીં આમ આદમી પાર્ટી અને એ.આઈ.એમ.આઈ.એમ. પણ ઉમેદવાર ઊભા રાખે તો મતો કપાવવાની શક્યતા છે, જેનો લાભ ભાજપ મેળવી શકે છે.

વર્ષ 2012માં કોંગ્રસના ગ્યાસુદ્દીન હબીબુદ્દીન શેખને 60967 મત મળ્યા હતા. તથા ભાજપના ભરત બારોટને 58346 મત મળ્યા હતા. જેમાં ગ્યાસુદ્દીન 2621 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના શેખ ગ્યાસુદ્દીન હબીબુદ્દીનને 63712 મત મળ્યા હતા. તથા ભાજપના ભરત બારોટને 57525 મત મળ્યા હતા. જેમાં 6187 મતથી જીત્યા હતા. જેમાં દરિયાપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 107775 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 102334 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 12 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 210121 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

દસ્ક્રોઈ

દસક્રોઈ વિધાનસભા બેઠકમાં લપકામણ, લીલાપુર, ખોડીયાર, છારોડી, જગતપુર, હેબતપુર, ભાડજ, શીલજ, ચેનપુર, ઓગણજ, ઘુમા, શેલા, સોલા, બોડકદેવ, ગોતા (શહેર), થલતેજ (શહેર), બોપલ (શહેર)નો સમાવેશ થાય છે. 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં દસક્રોઈ વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 56.93 નોંધાઈ હતી.

દસક્રોઈ બેઠક પરના ઉમેદવાર

દસક્રોઈ બેઠક પર કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – બાબુ જમના પટેલ

કોંગ્રેસ – ઉમેદી બુધાજી ઝાલા

આપ – કિરણ પટેલ

1990થી આ બેઠક ભાજપના કબ્જામાં છે. આ વિસ્તારમાં બાબુકાકા તરીકે લોકપ્રિય બાબુભાઈ જમના પટેલ છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભારે માર્જિનથી જીતતા આવ્યા છે. 2017માં ભાજપના બાબુ જમના પટેલનો અહીં જંગી બહુમતીથી વિજય થયો હતો.

વર્ષ 2012માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલને 95813 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના બરૈયા લક્ષ્મણભાઈ અંબાલાલને 58180 મત મળ્યા હતા. જેમાં બાબુભાઈ જમનાદાસ પટેલ 37633 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના બાબુભાઈ જમનાદાસ પટેલને 127432 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ પંકજભાઈ ચીમનભાઈને 82367 મત મળ્યા હતા. જેમાં બાબુભાઈ 45065 મતથી જીત્યા હતા. જેમાં દસ્ક્રોઇ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 204071 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 187326 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 391406 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ધંધૂકા

આ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના મહત્વના ધંધુકા તાલુકાનું મુખ્ય મથક છે. સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટ પૈકી એક સીટ પણ છે. ધંધુકા વિધાનસભા બેઠક એટલે અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની બેઠક. આ સાથે જ ધંધુકા બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ થાય છે. આ વિધાનસભા બેઠકમાં ધંધુકા તાલુકો, બરવાળા તાલુકો અને રાણપુર તાલુકાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે મુંબઈથી ગુજરાત રાજ્ય અલગ થયા બાદ વર્ષ 1980માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી.

ધંધુકા બેઠક પરના ઉમેદવાર

ધંધુકા બેઠક પર કુલ 11 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – કાળુભાઈ ડાભી

કોંગ્રેસ – હરપાલસિંહ ચૂડાસમા

આપ – ચંદુ બમરોલિયા

કોળી પટેલોનું પ્રભુત્વ ધરાવતી ધંધુકા બેઠક પર ક્ષત્રિયો, મુસ્લિમ સમુદાય અને દલિત સમાજના મતો પણ નિર્ણાયક રહે છે. પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ બેવાર આ બેઠક પરથી ધારાસભ્ય રહ્યા છે. 1990થી 2002 સુધી ભાજપનો ગઢ ગણાતી આ બેઠકમાં 2007માં અપક્ષ ઉમેદવાર રણછોડદાસ મેરે ગાબડું પાડ્યું હતું. જોકે 2012માં ફરી આ બેઠક ભાજપના કબ્જામાં ગઈ હતી. અલબત્ત, 2017ના જુવાળમાં કોંગ્રેસે ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. છેલ્લી ત્રણેય ચૂંટણીમાં જુદાજુદા પરિણામો આવ્યાં હોવાને કારણે આ વખતે ધંધુકા બેઠક પરની રસાકસી વધુ જામી છે.

વર્ષ 2012માં ભાજપના લાલજીભાઈ ચતુરભાઈ કોળીપટેલને 77573 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના એમ.એમ. શાહને 49296 મત મળ્યા હતા. જેમાં લાલજીભાઈ ચતુરભાઈ કોળીપટેલ 28277 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ગોહિલ રાજેશકુમાર હરજીભાઈને 67477 મત મળ્યા હતા. તથા ભાજપના ડાભી કાળુભાઈ રૂપાભાઈને 61557 મત મળ્યા હતા. જેમાં ગોહિલ રાજેશકુમાર 5920 મતથી જીત્યા હતા. જેમાં ધંધુકા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 144355 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 129368 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 1 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 273724 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ધોળકા

2017 વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે આ જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. ત્યારે પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ કોર્ટે રદ્દ કર્યુ હતું. ત્યારબાદ તેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું હતું.

ધોળકા બેઠક પરના ઉમેદવાર

ધોળકા બેઠક પર કુલ 15 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – કિરીટસિંહ ડાભી

કોંગ્રેસ – અશ્વિન રાઠોડ

આપ – જટુભા ગોલ

ભાજપના પૂર્વ શિક્ષણમંત્રી અને વરીષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો ગઢ મનાતી આ બેઠક પર હવે તીવ્ર સ્પર્ધા જામી છે. ગત ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ માત્ર 327 મતોની સાવ પાતળ સરસાઈથી જીત્યા હતા. મતદાનની તપાસ માટે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. કોળી પટેલ, દલિત, ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચાર દાયકાથી ચૂંટણી લડતા આવ્યા છે. 1990, 1995, 2002, 2012 અને 2017માં એમણે આ બેઠક કબ્જે કરી છે, તો બેવાર કોંગ્રેસના કાળુભાઈ તળપદા સામે આ બેઠક પર મ્હાત પણ ખાધી છે.

વર્ષ 2012માં ભાજપના ચુડાસમા ભુપેન્દ્રસિંહ મનુભાને 75242 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ચાવડા પ્રદ્યુમનસિંહ પ્રતાપભાઈને 56397 મત મળ્યા હતા. જેમાં ભુપેન્દ્રસિંહ 18845 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાને 71530 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના રાઠોડ અશ્વિનભાઈ કમસુભાઈને 71203 મત મળ્યા હતા. જેમાં ભૂપેન્દ્રસિંહ 327 મતથી જીત્યા હતા. જેમાં ધોળકા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 130297 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 123321 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 2 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 253620 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

એલિસબ્રિજ

આ બેઠક પર ભાજપ સતત 45 વર્ષથી રાજ કરી રહ્યુ છે. વર્ષ 1972 બાદ કોંગ્રેસ અહીં ક્યારેય જીતી શકી નથી. એલિસબ્રિજ વિધાનસભામાં સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનો ગઢ રહી છે.

એલિસબ્રિજ બેઠક પરના ઉમેદવાર

એલિસબ્રિજ બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – અમિત પી.શાહ

કોંગ્રેસ – ભીખુ દવે

આપ – પારસ શાહ

ભાજપનો અભેદ કિલ્લો મનાતી એલિસબ્રિજ વિધાનસભા બેઠકનો વિસ્તાર અમદાવાદના હૃદય સમાન છે. આ બેઠક પર જૈન ઉપરાંત હિન્દુ સવર્ણ મતદારોની સંખ્યા ઘણી મોટી છે, તો દલિત અને મુસલમાનોના મત પણ નિર્ણાયક રહે છે.  1995માં હરેન પંડ્યાએ ભાજપને આ બેઠક પર જંગી બહુમતીથી જીત અપાવી ત્યારથી ભાજપ અહીં હાર્યું નથી. છેલ્લી ત્રણ ટર્મથી અહીં ભાજપના રાકેશ શાહ સરળતાથી જીતતા આવ્યા છે. મહત્વની વાત છે કે આ વિસ્તારમાં ભાજપનો જનાધાર સતત વધતો રહ્યો છે અને દર ચૂંટણીમાં જીતનું માર્જિન પણ વધતું રહ્યું છે. 2017માં રાકેશ શાહે 85000ના જંગી માર્જિનથી કોંગ્રેસ તથા અન્ય ઉમેદવારોને હરાવ્યા હતા.

વર્ષ 2012માં ભાજપના રાકેશ શાહને 106631 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના કમલેશકુમાર બાબુલાલ શાહને 29959 મત મળ્યા હતા. જેમાં રાકેશ શાહ 76672 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના શાહ રાકેશભાઈ જસવંતલાલને 116811 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના દવે વિજયકુમાર રતિલાલને 31606 મત મળ્યા હતા. જેમાં શાહ રાકેશભાઈ 85205 મતથી જીત્યા હતા. જેમાં એલિસબ્રિજ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 133469 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132875 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 266348 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ઘાટલોડિયા

અમદાવાદ શહેરમાં ઘાટલોડિયાની બેઠક જીતવી તે આ વખતે મુખ્યમંત્રી માટે પ્રતિષ્ઠાની જંગ છે. કારણ કે આ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. તેમાં આ વખતે મુખ્યમંત્રી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જેમાં પાટીદારોની સંખ્યા આ બેઠક પર વધુ છે.

ઘાટલોડિયા બેઠક પરના ઉમેદવાર

ઘાટલોડિયા બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ભૂપેન્દ્ર પટેલ

કોંગ્રેસ – અમી યાજ્ઞિક

આપ – વિજય પટેલ

રાજ્યના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હોમગ્રાઉન્ડ ઘાટલોડિયા છે. આ બેઠક પરથી 2017માં ભૂપેન્દ્રભાઈ પહેલી જ વાર વિધાનસભા ચૂંટણી લડ્યા અને સવા લાખના વિક્રમી માર્જિનથી ચૂંટણી જીત્યા. એ પહેલાં 2012માં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આણંદીબહેન પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડીને વિજયી બન્યાં હતાં. ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં પાટિદાર અને રબારી સમાજના મતદારોનો દબદબો છે. અન્ય સમાજોમાં દલિત અને ઠાકોર મતદારો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે. જોકે ઘાટલોડિયા બેઠક ભાજપ માટેની સુરક્ષિત બેઠકોમાંની એક માનવામાં આવે છે.

વર્ષ 2012માં મહિલા ઉમેદવાર તરીકે ભાજપના આનંદીબેન પટેલને 154599 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ રમેશભાઇ પ્રહલાદભાઇ (દુધવાલા)ને 44204 મત મળ્યા હતા. 110395 મતથી આનંદીબેન જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ભુપેન્દ્ર પટેલને 175652 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ શશિકાંત (ભુરાભાઈ)ને 57902 મત મળ્યા હતા. 117750 મતથી ભુપેન્દ્ર પટેલ જીત્યા હતા. જેમાં ઘાટલોડિયા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 219564 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 207273 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 14 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 426851 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

જમાલપુર-ખાડિયા

જમાલપુર ખાડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે, પરંતુ વર્ષ 2017માં કોંગ્રેસે આ સીટ પર બાજી મારી લીધી હતી. ભાજપ નેતા ભૂષણ ભટ્ટના પિતા અશોક ભટ્ટે ખાડિયા વિધાનસભા બેઠક પર વર્ષ 1980થી વર્ષ 2007 સુધી સતત 8 ટર્મ સુધી જીત મેળવી હતી, પરંતુ ભૂષણ ભટ્ટ આ સીટ પર માત્ર બે ટર્મ સુધી જ કામ કરી શક્યા હતા. વર્ષ 2012માં નવા સીમાંકન બાદ ખાડિયા અને જમાલપુરની સીટને ભેગી કરી દેવામાં આવી હતી.

જમાલપુર ખાડિયા બેઠક પરના ઉમેદવાર

જમાલપુર ખાડિયા બેઠક પર કુલ 8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ભૂષણ ભટ્ટ

કોંગ્રેસ – ઈમરાન ખેડાવાલા

આપ – હારુન નાગોરી

હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનારા અમદાવાદ શહેરના મોટાભાગના હેરિટેજ સ્ટ્રક્ચર જમાલપુર-ખાડિયા મતવિસ્તારમાં આવે છે. 1975થી 2012 સુધી આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું, પણ 2017ના સત્તાવિરોધી જુવાળમાં ભાજપનો આ ગઢ ધ્વસ્ત થયો હતો. જમાલપુર-ખાડિયા બેઠક ભેગી કરવામાં નહોતી આવી એ પહેલાં જનસંઘ(પછી ભાજપ)ના ધારાસભ્ય અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અશોક ભટ્ટ 1975થી 2002 સુધી સળંગ આઠ ટર્મ આ બેઠક પરથી જીતતા આવ્યા હતા. અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો પણ 2007 અને 2012ની વિધાનસભામાં આ બેઠક પર વિજય થયો હતો. જોકે 2017માં કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા સામે ભૂષણ ભટ્ટનો 29000ની જંગી બહુમતીથી પરાજય થયો હતો. અમદાવાદમાં લઘુમતી સમુદાયના મતદારોની સૌથી વધારે સંખ્યા આ બેઠકના વિસ્તારમાં છે.

વર્ષ 2012માં ભાજપના ભૂષણ અશોક ભટ્ટને 48058 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના સમીરખાન વજીરખાન સિપાઈને 41727 મત મળ્યા હતા. જેમાં ભૂષણ અશોક ભટ્ટ 6331 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ઈમરાન યુસુફભાઈ ખેડાવાલાને 75346 મત મળ્યા હતા. તથા ભાજપના ભૂષણ અશોક ભટ્ને 46007 મત મળ્યા હતા. જેમાં ઈમરાન યુસુફભાઈ ખેડાવાલા 29339 મતથી જીત્યા હતા. જેમાં જમાલપુર-ખાડીયા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 110333 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 107451 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 3 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 217787છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

મણિનગર

વર્ષ 2002થી 2014 સુધી મણિનગર બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની જીતનો પરચમ લહેરાવ્યો હતો. આ બાદ 2014માં જ્યારે ગુજરાતના વડાપ્રધાન તરીકે તે ચૂંટાયા બાદ આ બેઠક પર પેટા ચૂંટણી લડવામાં આવી.

મણિનગર બેઠક પરના ઉમેદવાર

મણિનગર બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – અમૂલ ભટ્ટ

કોંગ્રેસ – સી.એમ.રાજપૂત

આપ – વિપુલ પટેલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યાર સુધી આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા અને 2002થી 2012 સુધીની તમામ ચૂંટણી આ બેઠક પરથી લડીને જીત્યા છે. સવર્ણ મતદારોનો આ બેઠક પર દબદબો છે. 20 ટકાથી વધુ પછાત જાતિના મતદારો પણ અહીં છે. મોદીની વિધાનસભા બેઠક રહી હોવાથી આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે. 1990 પછીની સાતેય ચૂંટણીમાં અહીં ભાજપનો ઉમેદવાર જીત્યો છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અહીં પેટાચૂંટણી યોજાયેલી, જેમાં ભાજપે સુરેશભાઈ પટેલને ટિકિટ આપી હતી. એમનો આશરે 50000 મતોના માર્જિનથી વિજય થયો હતો. 2017માં પણ ફરી સુરેશભાઈ પટેલે કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટને 75000 મતોના જંગી માર્જિનથી હરાવ્યા હતા.

વર્ષ 2012માં ભાજપના નરેન્દ્ર મોદીને 120470 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ભટ્ટ શ્વેતા સંજીવને 34097 મત મળ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી 86373 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પટેલ સુરેશભાઈ ધનજીભાઈને 116113 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના બ્રહ્મભટ્ટ શ્વેતાબેન નરેન્દ્રભાઈને 40914 મત મળ્યા હતા. જેમાં સુરેશભાઈ 75199 મતથી જીત્યા હતા. જેમાં મણીનગર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 143519 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 133411 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 5 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 276935 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

નારણપુરા

આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બનેલી સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. 11, 12, 13, 14નો સમાવેશ થાય છે.

નારણપુરા બેઠક પરના ઉમેદવાર

નારણપુરા બેઠક પર કુલ 5 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – જિતેન્દ્ર પટેલ

કોંગ્રેસ – સોનલ પટેલ

આપ – પંકજ પટેલ

 

નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલા નારણપુરા વિધાનસભા બેઠક હાલના કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહની બેઠક રહી છે. વર્ષોથી આ વિસ્તારમાં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. પાટિદારો અને ઓ.બી.સી. સમાજના મતદારોની સંખ્યા અહીં સૌથી વધુ છે. 2017માં અમીત શાહના વિશ્વાસુ મનાતા સિનિયર નેતા કૌશિકભાઈ પટેલને અહીં ટિકિટ આપવામાં આવી હતી. એમણે કોંગ્રેસના નિતિન. કે. પટેલને 66000થી વધુ મતોના માર્જિનથી પરાજય આપ્યો હતો.

વર્ષ 2012માં ભાજપના અમિત શાહને 103988 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડો. જીતુભાઈ બી. પટેલને 40653 મત મળ્યા હતા. જેમાં અમિત શાહ 63335 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપમાં કૌશિકભાઈ જમનાદાસ પટેલ (કૌશિક પટેલ)ને 106458 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના નીતિનભાઈ કાંતિભાઈ પટેલને 40243 મત મળ્યા હતા. જેમાં કૌશિક પટેલ 66215 મતથી જીત્યા હતા. જેમાં નારણપુરા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 128198 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 121670 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 7 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 249875 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

નરોડા

વર્ષ 1990થી ભાજપ નરોડા બેઠક પરથી સતત જીતી રહ્યું છે. જેથી આ બેઠકને ભાજપની કમિટેડ બેઠક માનવામાં આવે છે. નરોડા વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ત્રણ વોર્ડ અને અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.

નરોડા બેઠક પરના ઉમેદવાર

નરોડા બેઠક પર કુલ 17 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ડો.પાયલ કુકરાણી

કોંગ્રેસ – મેઘરાજ ડોડવાણી

આપ – ઓમપ્રકાશ તિવારી

 

1990થી ભાજપના કબ્જામાં રહેલી નરોડા બેઠક ભાજપ માટે સેફ સીટ છે. આ મતવિસ્તારમાં ઓ.બી.સી. તથા અન્ય પછાત જાતિઓ અને સિંધી મતદારોનું સૌથી વધુ પ્રભુત્વ છે. સિંધી અને પછાત જાતિના મતદારોની સંખ્યા પચાસ ટકાથી વધુ છે, જ્યારે 10 ટકા પાટિદારોના મત પણ અહીં નિર્ણાયક રહે છે.

ગોધરાકાંડ પછીનાં રમખાણોમાં બહુચર્ચિત ધારાસભ્ય માયાબહેન કોડનાની ભાજપની ટિકિટ પર અહીં 1998, 2002 અને 2007 એમ ત્રણેય ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યાં હતાં. 2012માં નિર્મલાબહેન વાઘવાણી અને 2017માં બલરામ થાવાણીએ અહીં ભાજપ તરફથી જંગી 60,000 જેટલા મતોથી વિજય મેળવ્યો હતો. વર્ષ 2012માં ભાજપના નિર્મલાબેન સુનિલભાઈ વાધવાણીને 96333 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ભરવાડ ભવાનભાઈ સુરાભાઈને 37981 મત મળ્યા હતા. જેમાં નિર્મલાબેન 58352 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના થવાણી બલરામ ખૂબચંદને 108168 મત મળ્યા હતા. તથા કોંગ્રસના તિવારી ઓમપ્રકાશ દરોગાપ્રસાદને 48026 મત મળ્યા હતા. જેમાં થવાણી બલરામ 60142 મતથી જીત્યા હતા. જેમાં નરોડા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 156379 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 139663 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 33 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 296075 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

નિકોલ

આ વિધાનસભા બેઠક અમદાવાદમાં ગણવામાં આવે છે. વર્ષ 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની નિકોલ વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના ચાર વોર્ડનો સમાવેશ થાય છે. આ બેઠક નવા સીમાંકનમાં નરોડા અને રદ્દ થયેલી રખિયાલ બેઠકમાંથી બનાવવામાં આવી છે. ચૂંટણી પંચ સમક્ષ દસક્રોઈ વિધાનસભામાં સમાવિષ્ટ અમદાવાદ શહેરના નિકોલ તેમજ કઠવાડા વિસ્તારોને દૂર કરવા જનહિતમાં માગણી કરી છે. જો કે, નવું સીમાંકન 2026 બાદ જ થવાનું હોવાથી 2022 વિધાનસભા ચૂંટણીમાં આ બંને વિસ્તારો દૂર થાય તે શક્યતાઓ ઓછી છે.

નિકોલ બેઠક પરના ઉમેદવાર

નિકોલ બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – જગદીશ વિશ્વકર્મા

કોંગ્રેસ – રણજિત બારડ

આપ – અશોક ગજેરા

નિકોલ વિધાનસભા બેઠક પર પણ છેલ્લી બન્ને ચૂંટણીથી ભાજપાના ઉમેદવાર મોટી સરસાઈથી જીતતા આવ્યા છે. 2012 અને 2017 એ બન્ને ચૂંટણીમાં હાલના મંત્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ) આ બેઠક પર વિજેતા રહ્યા છે. આ મતવિસ્તારમાં ઠાકોર, પાટિદાર, ક્ષત્રીય મતદારો મળીને કુલ 30 ટકા જેટલા મતો ઉમેદવારનો ખેલ બગાડે અથવા બનાવી શકે છે. ઉપરાંત 10 ટકા જેટલા પરપ્રાંતીય કામદારો, 12 ટકા પછાત જાતિ અને 18 ટકા જેટલી મુસ્લિમ વસ્તીનો પણ પ્રભાવ છે. મુસ્લિમ મતો ભાજપા ન મળતા હોવા છતાં ભાજપ માટે આ સેફ સીટ મનાય છે. અન્ય કોઈ પક્ષ કે સ્વતંત્ર ઉમેદવાર ન હોવા છતાં કોંગ્રેસ આ બેઠક પર સીધા મુકાબલામાં ભાજપાને હરાવી શકી નથી.

વર્ષ 2012માં ભાજપના પંચાલ જગદીશ ઈશ્વરભાઈને 88286 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ઘોરી નરસિંહભાઈ જયરામભાઈને 39574 મત મળ્યા હતા. જેમાં પંચાલ જગદીશ ઈશ્વરભાઈ 48712 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના જગદીશ પંચાલને 87764 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ગોહિલ ઇન્દ્રવિજયસિંહને 62884 મત મળ્યા હતા. જેમાં જગદીશ પંચાલ 24880 મતથી જીત્યા હતા. જેમાં નિકોલ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 137349 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 118912 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 8 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 256269 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

સાબરમતી

ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ સાબરમતી વિધાનસભા વિસ્તાર આવે છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકો (અમુક ભાગ) કાલી (એમ), રાણીપ (એમ), ચાંદલોડિયા (એમ) સહિતના વિસ્તાર, અમદાવાદ શહેર તાલુકો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (પાર્ટ) વોર્ડ નં. 15 સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવે છે.

સાબરમતી બેઠક પરના ઉમેદવાર

સાબરમતી બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – ડો.હર્ષદ પટેલ

કોંગ્રેસ – દિનેશ મહિડા

આપ – જશવંત ઠાકરો

પટેલ વર્સિસ પટેલ માટે જાણીતી સાબરમતી બેઠક પર છેલ્લી ચાર ચૂંટણીથી ભાજપ જીતતું આવ્યું છે. ઉત્તર ગુજરાતના પાટિદારોનો અહીં બહોળો પ્રભાવ છે. પછાત જાતિના મતદારોની પણ અહીં નિર્ણાયક ભૂમિકા રહે છે. આ બેઠક પર 2012 અને 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદકુમાર પટેલ 60,000 કરતાં વધુ મતોની સરસાઈથી જીતતા આવ્યા છે. આ વખતે ભાજપ પાટિદારો મતદારો પર આધાર રાખવાને બદલે અન્ય જાતિઓને રીઝવવાની પણ પ્લાનિંગ કરી રહ્યો છે.

વર્ષ 2012માં ભાજપના અરવિંદકુમાર ગાંડાલાલ પટેલને 107036 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ ભરતકુમાર ગોવિંદલાલ (ભરત વકીલ)ને 39453 મત મળ્યા હતા. જેમાં અરવિંદકુમાર ગાંડાલાલ પટેલ 67583 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના અરવિંદકુમાર ગાંડાભાઈ પટેલ (દલાલ)ને 113503 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડો. જીતુભાઈ પટેલને 44693 મત મળ્યા હતા. જેમાં અરવિંદકુમાર ગાંડાભાઈ પટેલ 68810 મતથી જીત્યા હતા. જેમાં સાબરમતી બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 145904જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 132499 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 16 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 278419 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

સાણંદ

સાણંદ વિધાનસભા બેઠકને અમદાવાદ જિલ્લામાં ગણવામાં આવે છે. સાણંદ તાલુકા અને બાવળા તાલુકાના ગામો વાસણા નાનોદરા, નાનોદરા, કાવલા, સાંકોદ, વાસણા ધેધલ, ધેધલ, રજોડા, આદ્રોડા, હસનનગર, છબાસર, બલદાણા, મેટલ, દેવધોલેરા, દેવડથલ, દુર્ગી, મેણી, દુમાલી, કેસરાંડી, રણદંડ, લગામ, અમીપુરા, કોચરીયા, કેરલા, કાનોતર, શિયાળ, સરલા, કાલીવેજી, મીઠાપુર, બાવળા (એમ) વગેરે આ બેઠક હેઠળ આવતા મુખ્ય વિસ્તારો છે.

સાણંદ બેઠક પરના ઉમેદવાર

સાણંદ બેઠક પર કુલ 15 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – કનુ પટેલ

કોંગ્રેસ – રમેશ કોળી

આપ – કુલદીપ વાઘેલા

કોળી પટેલ સમાજનું વર્ચસ્વ ધરાવતી સાણંદ વિધાનસભા બેઠક આમ તો કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પણ 2012માં કોંગ્રેસના વિજયી ઉમેદવારનો ખેલ પાડીને 2017માં અહીં ભાજપે ગાબડું પાડ્યું હતું. 2012માં કોંગ્રેસના કરમશીભાઈ પટેલનો ભાજપના કમાભાઈ રાઠોડ સામે વિજય થયો હતો. 2017માં ભાજપે કોંગ્રેસના વિજયી ઉમેદવાર કરમશીભાઈને ભગવો ખેંસ પહેરાવી દીધો અને એમના પુત્ર કનુભાઈ પટેલને ટિકિટ આપી જીતાડ્યા હતા.

પક્ષ કોઈ પણ હોય આ બેઠક પર કોળી પટેલ સમાજના ઉમેદવારનો જ વિજય થતો આવ્યો છે. આ મતવિસ્તારમાં 30 ટકા જેટલો ભારે હિસ્સો કોળી પટેલ સમાજનો છે. કોળી પટેલ પછી રબારી, ઠાકોર અને મુસ્લિમ સમુદાયના મતદારોની સંખ્યા પણ નોંધનીય છે.  વર્ષ 2012માં કોંગ્રેસના ઉમેદવાર કરમસીભાઈ વિરજીભાઈ પટેલને 73453 મત મળ્યા હતા. તથા ભાજપના કમાભાઈ ગગજીભાઈ રાઠોડને 69305 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કરમસીભાઈ વિરજીભાઈ પટેલ 4148 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના કનુભાઈ કરમશીભાઈ પટેલને 67692 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના ડાભી પુષ્પાબેન જોરૂભાઈને 59971 મત મળ્યા હતા. તેથી કનુભાઈ કરમશીભાઈ પટેલ 7721 મતથી જીત્યા હતા. જેમાં સાણંદબેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 144561 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 136288 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 6 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 280855 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

ઠક્કરબાપા નગર

વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. ઠક્કરબાપા નગર બેઠકમાં સૌરાષ્ટ્રના પાટીદારોનું વર્ચસ્વ છે. આ બેઠકમાં બાપુનગરનો પરંપરાગત ભાજપનો ગઢ શામેલ છે. વર્ષ 2012 અને વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી.

ઠક્કરબાપાનગર બેઠક પરના ઉમેદવાર

ઠક્કરબાપાનગર બેઠક પર કુલ 9 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – કંચન રાદડિયા

કોંગ્રેસ – વિજય બ્રહ્મભટ્ટ

આપ – સંજય મોરી

છેલ્લી બન્ને ચૂંટણીથી ભાજપાના વલ્લભભાઈ કાકડિયા ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર સુપર-સેફ માર્જિનથી જીતતા આવ્યા છે. પાટિદારો, દલિત સમાજ અને ઓ.બી.સી. મતદારોનો પ્રભાવ ધરાવતા આ મતવિસ્તારમાં ભાજપાની મજબૂત પકડ છે. જોકે 2017માં આ બેઠક પર પાટિદારોની નારજગીને કારણે ભાજપના વોટશેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વર્ષ 2012માં ભાજપના વલ્લભભાઈ ગોબરભાઈ કાકડીયાને 88731 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ ગીતાબેન પ્રણવકુમારને 39480 મત મળ્યા હતા. જેમાં વલ્લભભાઈ ગોબરભાઈ કાકડીયા 49251 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કાકડિયા વલ્લભભાઈ ગોબરભાઈને 88124 મત મળ્યા હતા. તથા બાબુભાઈ માવજીભાઈ માંગુકીયાને 54036 મત મળ્યા હતા. જેમાં કાકડિયા વલ્લભભાઈ 34088 મતથી જીત્યા હતા. જેમાં ઠક્કરબાપા નગર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 128018 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 114944 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 9 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 242971 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

વટવા

વટવા વિધાનસભા બેઠકને અમદાવાદ જિલ્લામાં ગણવામાં આવે છે. વટવા વિધાનસભા બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ શહેર તાલુકો – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં.- 42, ઓઢવ – 47 તેમજ દસક્રોઈ તાલુકા ગામો – કણભા, કુજાડ, બાકરોલ બુજરંગ, ગાત્રાડ, મેમદપુર, બીબીપુર, ગેરાતનગર, વંચ, ધમતવન, વિંઝોલ, વટવા, હાથીજણ, સિંગરવા, વસ્ત્રાલ, રામોલ વગેરેનો સમાવેશ થાય છે.

વટવા બેઠક પરના ઉમેદવાર

વટવા બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – બાબુસિંહ જાધવ

કોંગ્રેસ – બળવંત ગઢવી

આપ – બિપિન પટેલ

પાટિદાર, દલિત, લઘુમતી સમુદાય, મુસ્લિમ, ભરવાડ, પરપ્રાંતિય, એમ તમામ જાતિ-ધર્મના મતદારો ધરાવતી વટવા વિધાનસભા બેઠક પર છેલ્લી બે ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના સિનિયર નેતા અને ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા 2012માં 46000 અને 2017માં 62000 મતોના માર્જિનથી વિજયી થયા હતા. કોંગ્રેસનો આ બેઠક પર સારો વોટશેર હોવા છતાં અન્ય જાતિ-ધર્મના મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહી છે.

વર્ષ 2012માં ભાજપના પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજાને 95580 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ અતુલકુમાર રવજીભાઈને 48648 મત મળ્યા હતા. જેમાં પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજા 46932 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના પ્રદિપસિંહ ભગવતસિંહ જાડેજાને 131133 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પટેલ બિપિનચંદ્ર રૂગનાથભાઈ (બિપિનકાકા)ને 68753 મત મળ્યા હતા. જેમાં પ્રદિપસિંહ 62380 મતથી જીત્યા હતા. જેમાં વટવા બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 212067 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 183607 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 21 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 395695 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

વેજલપુર

વેજલપુર વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુર, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ-ઓકાફ, જોધપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. વેજલપુર બેઠક પર કોંગ્રેસનો 40 ટકા જેટલો વોટશેર અને સારી પકડ હોવા છતાં છેલ્લી બન્ને ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. ભાજપાના કિશોરસિંહ ચૌહાણ 2012માં 58 ટકા વોટશેર સાથે 40,000 મતોની સરસાઈથી અને 2017માં 53 ટકા વોટશેર સાથે 22000 મતોની સરસાઈથી વિજયી બન્યા હતા. વેજલપુર બેઠક પર 32 ટકા મુસ્લિમ, 22 ટકા ઓ.બી.સી. મતદારો અને 20 ટકા સવર્ણ મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

વેજલપુર બેઠક પરના ઉમેદવાર

વેજલપુર બેઠક પર કુલ 15 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – અમિત ઠાકર

કોંગ્રેસ – રાજેન્દ્ર પટેલ

આપ – કલ્પેશ પટેલ ભોલો

વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર કિશોરસિંહ બાબુલાલ ચૌહાણને 113507 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના પઠાણ મુર્તુજા ખાન અકબર ખાનને 72522 મત મળ્યા હતા. જેમાં કિશોરસિંહ બાબુલાલ ચૌહાણ 40995 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં ભાજપના ચૌહાણ કિશોરસિંહ બાબુલાલને 117748 મત મળ્યા હતા. તથા કોંગ્રેસના શાહ મિહિરભાઈ સુબોધભાઈને 95181 મત મળ્યા હતા. જેમાં ચૌહાણ કિશોરસિંહ 22567 મતથી જીત્યા હતા. જેમાં વેજલપુર બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 198419 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 188626 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 17 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 387062 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.

વિરમગામ

વિરમગામ ભારતના ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો ભાગ છે. જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે. દેત્રોજ – રામપુરા તાલુકા, માંડળ તાલુકા. વિરમગામની ખાસિયતની વાત કરવામાં આવે તો વિરમગામની સ્થાપના વિરમદેવ વાધેલાએ 1484ની આસપાસ કરી હતી.વિરમગામ શહેર ઐતિહાસિક શહેરની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિરમગામ શહેરમાં મિનળદેવી બંધાવેલું મુનસર તળાવ પ્રખ્યાત છે. વિરમગામ શહેર 5 દરવાજાની વચ્ચે આવેલું છે. વિરમગામ વિધાનસભામાંથી રાજ્યને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે યુવા નેતા (Election 2022) આપ્યા છે. 2012 પહેલા આ વિરમગામ- સાંણદ વિધાનસભા એક હતી. જેને 2012માં અલગ કરી વિરમગામ વિધાનસભાને અલગ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 2022માં ફરી એક વાર જીતના પરચમ લહેરાવવા તૈયારી કરતી દેખાઈ રહી છે. વિરમગામ બેઠકની વાત કરવામાં આવે તો વર્ષ 2007થી આ બેઠક પર કોંગ્રેસ સતત વિજયી બનતી આવી છે અને ભાજપ માટે આ બેઠક પર વિજય મેળવવો કપરો સાબિત થાય છે.

વિરમગામ બેઠક પરના ઉમેદવાર

વિરમગામ બેઠક પર કુલ 14 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.

ભાજપ – હાર્દિક પટેલ

કોંગ્રેસ – લાખા ભરવાડ

આપ – કુંવરજી ઠાકોર

છેલ્લી બન્ને ચૂંટણીમાં વિરમગામ વિધાનસભા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. 2012માં કોંગ્રેસના ડો. તેજશ્રીબહેન પટેલે ભાજપના પ્રાગજીભાઈ પટેલને 16 મતોની સરસાઈથી હરાવ્યાં હતાં. 2017ની ચૂંટણી પહેલા ભાજપે તેજશ્રીબહેનને ભગવો ખેંસ પહેરાવી ભાજપમાં જોડી દીધાં અને 2017ની ચૂંટણી માટે ટિકિટ આપી ઊભાં રાખ્યાં. જોકે 2017ની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડેલાં તેજશ્રીબહેનનો કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ સામે 6500 જેટલા મતોથી પરાજય થયો હતો. અગાઉ 2007 અને 2002માં આ બેઠક પર ભાજપે વિજય મેળવેલો છે અને બન્ને પક્ષોના વોટશેર આ મતવિસ્તારમાં લગભગ સરખા છે. એ કારણે આ બેઠક ભારે રસાકસીવાળી બેઠકોમાંની એક ગણાય છે. ઠાકોર, કોળી પટેલ અને દરબાર મતદારોની સંખ્યા આ મતવિસ્તારમાં સૌથી વધુ છે. ઓ.બી.સી. અને મુસ્લિમ મતો દર વખતે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

વર્ષ 2012માં ઉમેદવાર તરીકે કોંગ્રેસના તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને 84930 મત મળ્યા હતા. તથા ભાજપના પટેલ પ્રાગજીભાઈ નારણભાઈને 67947 મત મળ્યા હતા. જેમાં તેજશ્રીબેન 16983 મતથી જીત્યા હતા. વર્ષ 2017માં કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈને 76178 મત મળ્યા હતા. તથા ભાજપના ડો.તેજશ્રીબેન દિલીપકુમાર પટેલને 69630 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈ મતથી 6548 મતથી જીત્યા હતા. જેમાં વિરમગામ બેઠકના વિસ્તારની સંખ્યાની વાત કરીએ તો તેમાં 155923 જેટલા પુરુષોની સંખ્યા છે. તથા 146620 મહિલા મતદાર છે. તેમજ નાન્યતર જાતિમાં 4 મતદાર નોંધાયેલા છે. તેથી કુલ મતદોરોની સંખ્યા 302547 છે. જે ઉમેદવારનું ભાવી નક્કી કરશે.