ભાજપના નેતાના ગોદામમાંથી 2050 ચણાની ગૂણીઓ સગેવગે

ભોપાલઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સરકારી ચણાની 2050 ગૂણીઓ ગાયબ થઈ છે. આ ચણા ભાજપના ભૂતપૂર્વ જિલ્લા ગ્રામીણ ઉપાધ્યક્ષ ગજેન્દ્ર સિંહ ઉમઠના ગોડાઉનમાં રાખવામાં આવી હતી. છ વર્ષ પછી જ્યારે વેરહાઉસની ચકાસણી કરવામાં આવી તો પૂરું વેરહાઉસ ખાલીખમ હતું. ગાયબ થયેલા ચણાની કિંમત આશરે રૂ. 53 લાખ અંદાજવામાં આવી હતી. આ કૌભાંડ સરકારી તંત્ર અને વેરહાઉસ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરે છે.

શું છે મામલો?

આ ઘટના ગ્રામ માલીખેડી સ્થિત ઉમઠ વેરહાઉસની છે. વર્ષ 2018-19માં ટેકાના મૂલ્ય પર 1090 ક્વિન્ટલ ચણાની ખરીદી થઈ હતી. જેનાથી 2050 બોરીઓમાં પેક કરીને ગોડાઉનમાં સ્ટોર કરવામાં આવ્યા હતા, પણ જાન્યુઆરી, 2025માં જ્યારે પ્રાદેશિક વ્યવસ્થાપક બીએલ ચૌહાણે આ ગોદામની ચકાસણી કરી, ત્યારે ત્યાં એક પણ ચણાનો દાણો મળ્યો નહીં. આ કેસ 17 મે, 2018થી છઠ્ઠી જાન્યુઆરી, 2025ની વચ્ચે હેરફેરનો છે.

FIR અને આરોપ

વેરહાઉસ સંચાલક ગજેન્દ્ર સિંહ ઉમઠ અને બ્રાન્ચ મેનેજર ભગવાન સિંહ પટેલ પર FIR નોંધવામાં આવી છએ. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 316 (2), 316 (5) અને 318 (3) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રદેશિક વ્યવસ્થાપકે જણાવ્યું હતું કે આરોપીઓની સંપત્તિની તપાસ કરવામાં આવી રહી છે.સરકારના આદેશાનુસાર આ સંપત્તિઓને જપ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવશે.