ગુજરાતમાં 37 DySPની નવી નિમણૂક

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક DySp(બિનહથિયારી) વર્ગ-1ના પોસ્ટિંગના આદેશ આપવામાં આવ્યા છે. DySP (બિનહથિયારી), સંવર્ગમાં અજમાયશી ધોરણે નિમણૂક પામેલા વર્ષ 2017, 2021 અને 2022ની બેચના 37 અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવી છે. જે ઉમેદવારોની અજમાયશી અધિકારીઓની તાલીમનો સમયગાળો પૂર્ણ થયો હોય તેને નાયબ પોલીસ અધિક્ષક (બિનહથિયારી), વર્ગ-1 તરીકે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં નિમણૂક આપવામાં આવી છે.

ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલા આદેશમાં સૌથી વધુ નાયબ પોલીસ અધિક્ષક, એસ.સી./એસ.ટી. સેલ નાયબ પોલીસ અધિક્ષકનું મુખ્ય મથક ખાતે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. રાજ્યના જિલ્લામાં પોલીસ વિભાગમાં  ઘણા સમયથી એસ.સી./એસ.ટી સેલમાં જગ્યાઓ ખાલી હતી અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી ન હતી. પરંતુ રાજ્યમાં નવી ભરતીમાં નિયુક્ત થયેલા અધિકારીઓને  આ જગ્યાઓ પર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુલ 37 અધિકારીઓમાંથી 25 પુરુષ અધિકારીઓ અને 12 મહિલા અધિકારીઓ હવે DySP તરીકે ફરજ પર બજાવશે.  હુકમ પ્રમાણે આ અજમાયશી અધિકારીઓ પૈકી જે અધિકારીઓની તાલીમ હાલ ચાલુ છે તેવા અધિકારીઓને તાલીમ પૂર્ણ થયા બાદ આદેશ મુજબની જગ્યા પર હાજર થવા છૂટા કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય અધિકારીઓને નવી જગ્યાએ હાજર થવા તાત્કાલિક અસરથી છુટા કરવાના રહેશે.