નવરાત્રી એટલે શક્તિ પર્વ. શક્તિની આરાધના અને શક્તિની સાધના. વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રીમાંથી ચૈત્રી અને આસો નવરાત્રી સાધના કરવા માટે શ્રેષ્ઠ ગણાય છે. બ્રહ્મ મુહુર્તમાં મંત્ર કરવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે. ગાયત્રી મંત્ર જે શ્રેઠ મંત્રોમાં ગણાય છે તેનું અનુષ્ઠાન કરવા માટે કળશ સ્થાપન કરી બાજુમાં ઘીનો દીવો કરી એમાં કપૂર પૂરી અને મંત્રોચ્ચાર કરી શકાય.
મનને તારે તે મંત્ર. નવી ઉર્જાનો સંચાર જીવનમાં નવો ઉત્સાહ જગાડે છે. અને વ્યક્તિત્વમાં નિખાર લાવે છે. આપણને કોણ ઓળખે છે એ જાણવા કરતા આપણે પોતે આપણને કેટલું ઓળખી શક્યા છીએ એ જાણવું વધારે અગત્યનું છે. મંત્રની શક્તિ સ્વ માટેની સમજણ આપે છે. સ્વની સમજણ એટલે સ્વ માટેનો પ્રેમ. શ્વાસ પછી માનવીની જે બીજી અગત્યની જરૂરિયાત છે એ છે પ્રેમ. નવાઈ લાગે છે ને? જરા વિચારો, તમને કોઈ પ્રેમ નથી કરતુ અને તમે કોઈને પ્રેમ નથી કરી શકતા એવી સ્થિતિમાં તમે કેટલું જીવી શકશો? અહી ભૌતિક પ્રેમની વાત નથી. જ્યાં ભૌતિકતા આવે છે ત્યાં શરીર આવે છે અને પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય છે.
આજકાલ પ્રાણીઓને ચાહવાની ક્રિયા વધી રહી છે. એનું કારણ જ્યાં પ્રેમની અપેક્ષા છે ત્યાં પ્રેમ ન મળતો હોવાની વાત તો નથી ને? એક સનાતન સત્ય એ જ છે કે પ્રેમ એ માણસની જરૂરિયાત છે. શું આપણે અપેક્ષા વિહીન પ્રેમ ન કરી શકીએ? કોઈએ કહ્યું છે કે નેકી કર ઔર કુએમે ડાલ. કોઈ આપણને પ્રેમ કરે કે ન કરે આપણે તો કોઈને પ્રેમ કરી શકીએ ને? પ્રેમ કરવા માટે કોઈ વ્યક્તિની જરૂર નથી. તમે તમારા બગીચાને પણ પ્રેમ કરી શકો છો. અને જો એ પ્રેમ સાચો હશે તો તમે પાણી પીવરાવશો પણ એને કાપશો નહિ કે એ જમીનને વેચશો નહિ. પોતાના ઘર માટેના પ્રેમ માટે રાણીની ગોળ તળાવ બનાવવાની ઈચ્છાનો વિરોધ કરનાર આપણા ઇતિહાસમાં દેખાય છે. સાચો પ્રેમ ઓળઘોળ કરી દે છે. પછી અન્ય કોઈ બાબત નજરે ચડતી નથી.
જ્યાં પ્રેમ નથી ત્યાં અપેક્ષા, આકર્ષણ, જેવી બાબતો દેખાય છે અને પછી શંકા, ક્રોધ, ધ્રુણા, બદલો વિગેરે માણસને પતન તરફ લઇ જાય છે. રાજાના ઘરે જન્મેલી અને રાજરાણી બનેલી મીરાનો શ્યામ પ્રેમ એને બાવરી બનાવી શકે છે. એ જ રીતે પોતાના કામ પ્રત્યેનો પ્રેમ વ્યક્તિને એમાં ઓળઘોળ કરીને પરમાનંદ આપી શકે છે. જ્યાં અપેક્ષા આવે છે ત્યાં પ્રેમનું બાષ્પીભવન થઇ જાય છે. પ્રેમમાં માત્ર એક વિશ્વાસ છે. અને એ વિશ્વાસ જ જીવન જીવવાની શક્તિને રીચાર્જ કર્યા કરે છે.
જો જીવવું છે તો પ્રેમ કરવો જરૂરી છે. અને એ પણ નિષ્કામ પ્રેમ. બસ જે કાર્ય, વસ્તુ કે વ્યક્તિને પ્રેમ કરીએ છીએ એમાં ઓતપ્રોત થઇ જવાનું અને માત્ર એને જ ધ્યેય બનાવી સ્વ ને વિસરી જવાનું. આ પણ એક આધ્યાત્મિક પ્રક્રિયા જ છે. એક અલગ પ્રકારનું અનુષ્ઠાન જે જીવનમાં ચેતનાનો સંચાર કર્યા કરે છે. કોઈ તમને આવો પ્રેમ કરે છે તો તમે નસીબદાર છો. અને કોઈ નથી કરતુ તો તમે તો એવો પ્રેમ કરી શકો છો. કારણકે નવચેતનાની જરૂર તમને છે. નવરાત્રીના અનુષ્ઠાન સાથે એક સંકલ્પ લઈએ કે સાચો નિષ્કામ પ્રેમ પણ કરીએ. થોડું વધારે જીવી લઈએ.
(મયંક રાવલ)