અમદાવાદઃ મોરબીમાં રવિવારે સાંજે બ્રિટિશ શાસન વખતનો સસ્પેન્શન પૂલ અચાનક તૂટી પડતાં 190 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય હજી પણ જારી છે. જોકે મોરબીમાં થયેલી પૂલ દુર્ઘટના વિશ્વમાં સૌથી મોટી પૂલ દુર્ઘટના છે. જોકે આ પૂલ લોકોના ભારે દબાણને કારણે તૂટ્યો હતો, એમ ફોરેન્સિક સૂત્રોએ માહિતી આપી હતી.
વડા પ્રધાન મોદી આ દુર્ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જ્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. જોકે આ પૂલ દુર્ઘટનામાં અનેક સવાલો ઊભા થયા છે. આ પૂલ દુર્ઘટનામાં પહેલો સવાલ એ ઊભો થાય છે કે લોકોને રૂ. 50માં ટિકિટ બ્લેક કરવામાં આવી હતી. શું પૂલ વહીવટી તંત્ર પહેલેથી ટિકિટ બ્લેક કરી રહ્યું હતું અને વગર સુરક્ષા ઓડિટે પૂલને ખોલી દેવામાં આવ્યો હતો? આ પૂલ નગરપાલિકાની સંપત્તિ છે તો શું પૂલ ખોલતી વખતે નગરપાલિકા વહીવટી તંત્રને એની માહિતી નહોતી?
આ પૂલની દુર્ઘટનામાં સૌથી મોટો સવાલ એક ઊભો થાય છે કે આ પૂલની ક્ષમતા 100થી 120 લોકોની હતી તો એના પર 400થી વધુ લોકો કેવી રીતે પહોંચી ગયા? શું મેનેજમેન્ટને આની માહિતી નહોતી? આ પૂલ દુર્ઘટનામાં તપાસ શરૂ કરવામાં આવી છે, પણ અત્યાર સુધી જવાબદાર લોકોની ધરપકડ કરવામાં નથી આવી. મોરબીની પૂલ દુર્ઘટના છેલ્લાં 20 વર્ષોમાંની સૌથી મોટી એક દુર્ઘટના છે. આ પહેલાં 2021માં મેક્સિકો સિટીમાં મેટ્રો સિસ્ટમના ટ્રેક પર એક ઊંચો થાંભલો તૂટી ગયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
વર્ષ 2007માં ચીનમાં મધ્ય હુનાન પ્રાંતમાં એક નદી પરના પૂલ તૂટતાં કમસે કમ 64 શ્રમિકોનાં મોત થયાં હતાં. એ પહેલાં 2003માં મુંબઈની પાસે એક પૂલ નદીમાં પડી જતાં 19 બાળકો સહિત 20 લોકોનાં મોત થયાં હતાં.