ગાંધીનગરઃ મોરબી પૂલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે નીમેલી ટીમ (SIT)નો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ અનુમતિ જરૂરી હતી, જે લેવામાં નહોતી આવી. તે ઉપરાંત આ કરાર બાદ પણ જનરલ બોર્ડમાં આ અંગેની સંમતિ માટેનો મુદ્દો નહોતો મૂકવામાં આવ્યો.
SITના રિપોર્ટમાં મોરબી ઝૂલતા પુલમાં હોનારત અગાઉ જ ક્ષતિ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પૂલના મુખ્ય બે કેબલમાંના એકમાં કાટ લાગી ગયો હતો અને પૂલ તૂટતાં પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોવાની શક્યતા છે. પૂલનો મુખ્ય કેબલ તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ પુલના તમામ કેબલ સાત સ્ટ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યા હતા.
આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જેને કારણે તે પહેલાં જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોવાની શક્યતા છે. મોરબીના ઝૂલતા પુલનું મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લીધો નહોતો. પૂલનું સક્ષમ ટેક્નિકલ અને એક્સપર્ટને કન્સલ્ટ કર્યા વિના રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું.
નવા સસ્પેન્ડરની સાથે જૂના સસ્પેન્ડરને વેલ્ડિંગ કરવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું. SITના રિપોર્ટ અનુસાર ઓરેવા કંપની, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ આ કરારમાં સહી કરનારા હતા. તેમણે આ મુદ્દાને બરાબર ધ્યાને લીધા નહોતા. પૂલનું રિપેરિંગ કામ શરૂ કરતાં પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું. આ બ્રિજ તૂટતાં 135થી વધુ લોકોનાં મોત થયાં હતાં. 30 ઓક્ટોબર, 2022એ રાજ્યના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો.