ભાઈ હો તો મિથુનદા જૈસા…

થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા કે અક્ષયકુમારની આગામી ફિલ્મ ‘રક્ષાબંધન’નું શૂટિંગ યોજના મુજબ આગળ વધી રહ્યું છે. ડિરેક્ટર આનંદ આલ. રાયની ‘રક્ષાબંધન’માં અક્ષયની સાથે ભૂમિ પેડણેકર છે. આ ઉપરાંત ચાર નવોદિત અભિનેત્રી અક્ષયની બહેનનાં પાત્ર ભજવે છે. ભલે. અક્ષયની ભાઈ-બહેનના પ્યારવાળી ફિલ્મ તો જ્યારે આવવાની હશે ત્યારે આવશે. પૉઈન્ટ એ કે બોલિવૂડમાં ભાઈ-બહેનના અમર પ્રેમના સબ્જેક્ટ પર ઢગલાબંધ ફિલ્મ બની કિંતુ આ બધાંમાં મિથુન ચક્રવર્તીની ફિલ્મોની જોડ જડવી મુશ્કેલ.

1980-1990ના દાયકામાં હું વીક-આફ્ટર-વીક ‘દલાલ,’ ‘રાવણ રાજ,’ ‘યમરાજ,’ ‘ગુંડા,’ ‘ફૂલ ઔર અંગાર,’ જેવી ફિલ્મો જોઈ એની સમીક્ષા ‘સમકાલીન’ દૈનિક માટે લખતો. મોટા ભાગની ફિલ્મોમાં મિથુનદાની માતા કે બહેન પર સિતમ ગુજારવામાં આવતો, જેનો પાછળથી બદલો લેવામાં આવતો. ભાઈ-બહેનના પ્યારવાળી એમની આવી એક ફિલ્મ હતી 1991માં આવેલી કે. બાપૈય્યાની ‘પ્યાર કા દેવતા.’ આ અતિશય ક્રૂડ ફિલ્મ કોઈ પણ પ્રયોજન વિના કૉમેડી, ના કૉમેડી નહીં, હાસ્યાસ્પદ બની છે.

‘પ્યાર કા દેવતા’માં વિજય (મિથુન)ની મરણપથારીએ પડેલી માને આપેલું વચન છે, ત્રણ બહેન છે અને, રક્ષાબંધનનું ગીત છેઃ “બેહનોને આવાઝ લગાઈ, આઓ ભૈય્યા રાખી આયી, દૌડે દૌડે આયે ભાઈ…” આ ગીતમાં મિથુને માથા પર, ગળા પર, કાંડા પર, જ્યાં જુઓ ત્યાં રાખડી બાંધી છે. વિજય ભૈય્યા કારમિકેનિક છે, પણ મોટે ભાગે એ સહ-મિકેનિકો સાથે નાચે છે, ગાય છે. એમાંથી ટાઈમ મળે તો ક્યારેક કાર બી રિપેર કરે. એક દિવસ કોઈ કારની ડિલિવરી લેવા આવે છે તો મિથુન એને ઘઘલાવે છેઃ “અય… તેરેકો ઈતના ભી નહીં માલૂમ કી આજ રક્ષાબંધન હૈ?” ગ્રાહક બિચારો ડઘાઈ જાય છે. એનામાં એટલુંય પૂછવાની હિંમત ન રહી કે “ભલાદમી, તો તું અને આ બધા મિકેનિકો રક્ષાબંધનના દિવસે આંયા શું કામ ગુડાણા છો?”

વિજયને ત્રણ બહેનોને પરણાવવાનું ટેન્શન છે. એક બહેન (રૂપા ગાગુંલી) માટે માગું આવે છે. ચાની ચુસકી ભરીને છોકરાના બાપા (યુનુસ પરવેઝ) કહે છે કે કન્યા અમને પસંદ છે. હવે એમનો સંવાદ સાંભળવા જેવો છેઃ

“જિસ તરહ બૅન્ક મેં પૈસે ડાલો તો અકાઉન્ટ ખૂલતા હૈ… ઈસી તરહ કૂછ લેનદેન કી બાત હો જાયે તો રિશ્તા બનતા હૈ.” આટલું કહી એ પચીસ હજાર રૂપિયા દહેજ માગે છે.

વિજયભાઈ બે હાથ જોડી સસ્મિત વદને કહે છેઃ “મને મંજૂર છે…” પણ પછી ખબર નહીં, ફુગાવો વધ્યો કે શું તે મંડપમાં છોકરાના બાપા એક લાખ માગે છે. હવે વિજયભાઈનો પિત્તો ગયો. એ ત્યાં ને ત્યાં ભાવિ વેવાઈને દહેજ કેટલી ખરાબ પ્રથા છે એ વિશે લેક્ચર આપે છે. વાતનો સારઃ વિજયને પચીસ હજાર રૂપિયા દહેજ આપવામાં વાંધો નહોતો. એની કમાન એટલે છટકી કેમ કે પંચોતેર હજાર વધારાના આપવાના આવ્યા.

છેવટે બહેનનાં લગ્ન થઈ ગયાં. એને સારા દિવસો જતા હોય છે ત્યારે ‘ઑલ ઈન્ડિયા બદમાશ ઍસોસિયેશન’ના પ્રમુખ એવા શક્તિ કપૂરને વિજય સાથે કંઈ વાંધો પડતાં એ બહેનને (રૂપા ગાંગુલીને) પોતાના અડ્ડા પર લઈ આવે છે. ત્યાર બાદ એ જે કરે છે એ મિથુનની ફિલ્મમાં જ જોવા મળે. એ રૂપા ગાંગુલીના હાથ બાંધીને કહે છેઃ “તેરે ભાઈને મુઝે ફૂટબૉલ સમજ કર હવા મેં ઉછાલા. આજ મૈં તેરે સાથ ફૂટબૉલ ખેલૂંગા.”

તમે માનશો? શક્તિ કપૂર ખરેખર પોતાના સ્ટાફમાંથી એક ગુંડા પાસે ફૂટબૉલ મગાવે છે ને રૂપા ગાંગુલીના પેટ પર ફૂટબૉલ ફેંકે છે. એકાદ વાર નહીં, સતત… પણ એ પછી વિજય મિકેનિક શક્તિ કપૂરને કારના બૉનેટ સાથે બાંધી આખા મુંબઈના રસ્તા પર ફેરવી ફેરવીને જે ધોલાઈ કરે છે, જે ધોલાઈ કરે છે…

‘પ્યાર કા દેવતા’માં હીરોઈન માધુરી દીક્ષિત છે. માધુરીને પણ ભાઈ (શક્તિ કપૂર) છે. જો કે એમનો એવો કોઈ અમર પ્રેમ નથી. ઊલટું ભાઈ તો એનાં બળજબરીથી લગ્ન કરાવવા માગે છે. અને ગેસ વૉટ? માધુરી લગ્નમંડપમાં રિવૉલ્વર સાથે આવે છે. એ હવામાં ગોળીબાર કરીને કહે છે કે “બ્રધર, મને આ લગ્ન મંજૂર નથી.” પછી એ લગ્નવિધિ કરાવતા બે ગોરમહારાજને કહે છે કે “લગ્નવિધિની બધી સામગ્રી સમેટીને મારી સાથે ચાલો…”

તો આવી છે એક ભાઈનાં બહેનો માટેનાં પ્યાર-ત્યાગ-બલિદાનવાળી ‘પ્યાર કા દેવતા.’ એક વાત અહીં નોંધવી રહી કે મૃણાલ સેનની ‘મૃગયા’ માટે નૅશનલ એવૉર્ડથી સમ્માનિત મિથુન ચક્રવર્તી ક્યારેય એવા ભ્રમમાં રહ્યા નહીં કે હું બહુ મહાન ઍક્ટર છું. ડિરેક્ટર જે કહે એ કરીને ઘરભેગા થઈ જતા. આમ છતાં એમની ફિલ્મો, એમના ડાન્સ, એમની મારધાડના ચાહકનો એક મોટો વર્ગ હતો. વી લવ યૂ મિથુનદા…

-અને હા, સૌને હેપી રક્ષાબંધન.

 કેતન મિસ્ત્રી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]