અદભુત, અપૂર્વ અવસર!

“મનોજભઈ…મનોજભઈ, આ તમારું કેટલામું નાટક હશે”?

“એ મારા વા’લા… 92મું, કદાચ 93મું… 90થી વધારે તો ખરાં, યાર”!

સ્થળ છેઃ મુંબઈમાં જુહુ દરિયાકાંઠા નજીક, નાટકના નાથદ્વારા સમું પૃથ્વી થિયેટર. અવસર છે મનોજ શાહ નિર્મિત-દિગ્દર્શિત ‘અદભુત’નો શો. આઠ વાગી ને પંદર મિનિટ થઈ છે. નાટ્યરસિકો, પૃથ્વીના શિરસ્તા મુજબ, શિસ્તબદ્ધ કતારમાં પ્રવેશ મળવાની પ્રતીક્ષામાં ધીરજપૂર્વક ઊભા છે. સાડાઆઠ વાગ્યે નાટક શરૂ થવાનું છે. ફૉયરમાં મનોજભાઈ નિરાંતજીવે બેઠા છે…

મનોજ શાહઃ આર્થિક તથા ઈતર પડકારોને વ્યવસ્થિત બાંધેલી પૉનીટેલમાં તથા સાધુબાવા જેવી લાંબી કાબરચીતરી દાઢીમાં સંતાડીને ‘માસ્ટર ફૂલમણિ’, ‘મરીઝ’, ‘મોહનનો મસાલો’, ‘અપૂર્વ અવસર’, ‘કાર્લ માર્ક્સ ઈન કાલબાદેવી’, ‘હું ચંદ્રકાંત બક્ષી’થી લઈને લઈને નર્મદ-મેઘાણી સુધીના મધ્યકાલીન સાહિત્યકારોને આવરી લેતું ‘ગુજરાતની અસ્મિતા’, જેવાં અઢળક નાટકો આપનારા નિર્માતા-દિગ્દર્શક. માથાફરેલું દુસ્સાહસ માગી લે એવાં એમનાં નાટક. ગુજરાતી રંગભૂમિ પર પોતાનો નોખો ચોકો કરીને બેઠેલા મનોજ શાહ.

  -અને હવે, સિક્સ્ટીફાઈવ સમથિંગ મનોજભાઈએ નાટ્યઅભિનેત્રી, આરજે દેવકીને લઈને સર્જ્યું છેઃ ‘અદભુત’. હા, આ નાટકનું શીર્ષક છે, જેના પૃથ્વી થિએટરના શોથી આ કોલમનો ઉઘાડ કરેલ છે. ઓક્કે, નાટક એવું કે એમાં પ્રેક્ષક એકાકાર થઈ જાય છે. ખરા અર્થમાં!

ઑલરાઈટ ઑલરાઈટ, આ કંઈ ‘અદભુત’ની સમીક્ષા નથી, કિંતુ વીસેક મહિનાના વિરહ બાદ રંગભૂમિનું મોઢું જોયાનો હરખ છે. મુંબઈ-ગુજરાતની રંગભૂમિના કલાકારકસબી, સ્વરકારો, લેખકોને મળવા-મૂકવાનો હરખ.

-પણ નાટક વિશે થોડીક વાતો કર્યા વિના રહેવાતું નથી એટલે એકપાત્રી, એકઅભિનેત્રી દેવકીએ વીજળીક ઊર્જા સાથે ભજવેલા ‘અદભુત’ની એકબે ખૂબી વિશે જસ્ટ… જુઓ, રંગભૂમિની પરંપરા એવી છે કે લખાયેલું નાટક તખ્તા પર ભજવાય. પ્રેક્ષક એ જુએ અને સારું નાટક હોય તો કલાકારોને, લેખકને, દિગ્દર્શકને તાળીના ગડગડાટ સાથે વધાવી લે. જો નાટક બહુ બહુ બહુ સારું હોય તો પરદો પડ્યા પછી પ્રેક્ષકના દિમાગમાં શરૂ થાય. ધૅટ્સિટ… પણ ભજવાઈ રહેલા નાટક વચાળે પ્રેક્ષકને તખ્તા પર પ્રવેશતો જોયો છે? આ જુઓઃ

‘અદભુત’નો ઉપાડ થાય છે નાયિકા (દેવકી) સાત વર્ષની હોય છે ત્યાંથી. સાત વર્ષની બાલિકા અને એના પિતા લેમ્બ્રેટા સ્કૂટર પર કશેક જઈ રહ્યાં છે. અને અચાનક દેવકી દ્વારા એક પ્રેક્ષકને તખ્તા પર આમંત્રી એને પિતાનું કૅરેક્ટર બનાવવામાં આવે છે. એ પછી બાલિકામાંથી ટીનએજર અને બાદમાં મૅચ્યૉર મહિલા એમ વિવિધ તબક્કે દેવકી પ્રેક્ષકોને મંચ પર આમંત્રી એમને વિવિધ કેરેક્ટર્સ ભજવવા પ્રેરિત કરે છે. ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે કદાચ આ એક નવો જ ચીલો હશે. હે રીડર બિરાદર, ખોટો હોઉં તો પ્લીઝ, ટપલી મારીને કરેક્ટ કરજે.

મૂળ બ્રિટિશ નાટ્યલેખક ડંકન મૅકમિલનના ‘એવરી બ્રિલિયન્ટ થિંગ’થી પ્રેરિત ‘અદભુત’ના લેખક છેઃ સતચિત પુરાણિક. નામાવલિ જોતાં ચકિત થઈ જવાય એવા ને એટલા કલાકાર-કસબી મનોજભાઈના હાથ નીચે તૈયાર થયા છે. સતચિત એમાંના જ એક.

નાટકમાં વચ્ચે વચ્ચે જૂનાં-નવાં ગુજરાતી ગીતો આવતાં જાય છે, એ પ્રેક્ષકો ઝીલતાં જાય છે, જે એક વેગળું વાતાવરણ સર્જી આપે છે. ગીતો સતચિત પુરાણિક, ચંદુ શાહ (બોસ્ટનવાળા)નાં છે અને ‘અદભુત’ કો સંગીત સે સજાયા હૈ અમીત ભાવસરને.

-અને મોડી રાતે નાટ્યજલસા બાદ, માતૃભાષામાં થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે નિરંતર ફદિયાં ફાળવતા પહોળી છાતીવાળાં યજમાન ફાલ્ગુની અને જયેશ વોરાના નિવાસસ્થાને યારદિલદારો સાથે જીભનો જશન. અહાહાહા…

અચ્છા, ‘અદભુત’નાં વિષયવસ્તુ?

નથી કહેવા. નાટક જોઈને જાણી લો એ જ  બેસ્ટ છે. અમદાવાદી નાટ્યપ્રેમીઓ માટે ખુશખબર છે કે 26-27-28 નવેમ્બરે ‘સ્ક્રૅપ યાર્ડ’માં ‘અદભુત’ ભજવાશે. અને અમદાવાદમાં જ, અભય મંગળદાસની નવીનક્કોર ગૅલરી ‘ડારવિન બકી’માં પહેલવહેલું નાટક ભજવાશે એ હશેઃ ‘અદભુત’, 10 ડિસેમ્બરે. 11મી ડિસેમ્બરે ભજવાશે મનોજભઈનું ‘કાર્લ માર્ક્સ ઈન કાલબાદેવી’.

એ વા’લા, હાલો અમદાવાદ.