બાજરો આ ઋતુમાં છે બેસ્ટ…

પ્રશ્ન: બાજરો એ મિલેટ (ધાન્ય) છે? એનો શિયાળામાં થતો ઉપયોગ અને મહત્ત્વ વિશે જણાવશો.

– કલ્પના ગડા (થાણે)

ઉત્તર: હા, બાજરો એ એક પ્રકારનું મિલેટ જ છે. સાદી ભાષામાં કહીએ તો મિલેટ એટલે બરછટ અથવા તો જાડું ધાન્ય. જુવાર, નાચણી, કોદરા, બાજરી એ બધાં આપણે ત્યાં ઉપલબ્ધ મિલેટ્સ છે. બાજરાની વાત કરીએ તો, એની પ્રકૃતિ ગરમ હોવાથી એમાંથી બનતી વાનગીઓનો ઉપયોગ શિયાળામાં જ વધુ થાય એ સ્વાભાવિક છે. અલબત્ત, ગરમીની ઋતુમાં એનો ઉપયોગ કરી શકાય, પણ અલ્પ માત્રામાં. ન્યુટ્રિશિયનની દૃષ્ટિએ જોવા જઈએ તો બાજરો એ શક્તિની પોટલી સમાન છે. ખૂબ જ શક્તિવર્ધક અને પૌષ્ટિક એવા આ મિલેટનો ઉપયોગ આ ઋતુમાં ચોક્કસ કરવો. બાજરાના સેવનથી માંસપેશીઓ મજબૂત બને છે.

બાજરામાં ખનિજતત્ત્વો તથા પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. એની ગરમ પ્રકૃતિને કારણે એના ઉપયોગથી આર્થરાઈટિસ, સાંધાનો દુખાવો, દમ જેવી તકલીફોમાં રાહત મળે છે. બાજરામાંથી મળતું પોટેશિયમ હૃદયમાં રહેલી રક્તવાહિનીમાં લોહીના સર્ક્યુલેશનને નિયમિત બનાવે છે, એને કારણે બ્લડ પ્રેશર ટ્રોલ થઈ શકે છે. બાજરામાં રહેલા ફાઈબર્સ એલડીએલ  (ખરાબ કૉલેસ્ટરોલને) ઘટાડવામાં મદદ કરે છે તેમ જ પાચન નૉર્મલ કરે છે. બાજરાને કૅન્સરરક્ષક આહાર તરીકે પણ ઓળખી શકાય. એના સેવનથી કૅન્સર જેવી બીમારીથી રક્ષણ મળી શકે છે.

સુપર ફૂડ એવો બાજરો વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે. એના ઉપયોગથી એમાં રહેલ ફાઈબર્સ ભૂખ સંતોષવાનું કાર્ય કરે છે, જેથી ઓછું ખાધા છતાં પણ પેટ ભરાયેલું લાગે છે. એ બ્લડ સુગર ઘટાડવામાં પણ ઉપયોગી છે. એની ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછી હોવાથી ડાયાબિટીસ ધરાવનારી વ્યક્તિ બાજરો ખાઈ શકે છે. બાજરાના રોટલાનું ગોળ સાથેનું કૉમ્બિનેશન એ આયર્ન મેળવવા માટેનો અતિ સમૃદ્ધ સ્રોત છે.

પ્રશ્ન: આંબલી જેવા ખટાશવાળા ખાદ્ય પદાર્થોથી સાંધાનો દુખાવો વધે છે અથવા તો વાગ્યું હોય તો પણ ખટાશયુક્ત આહાર ન લેવો જોઈએ, એ ખરેખર સાચું છે?

– અલકા જસાપરા (રાજકોટ)

ઉત્તર: ભારતના અલગ અલગ પ્રાંતોમાં આહાર અંગેની માન્યતા પણ અલગ અલગ છે, જેમ કે આપણાં દક્ષિણનાં રાજ્યોમાં ગૃહિણી ખટાશ માટે આંબલીનો ઉપયોગ વધુ કરે છે. એ વિસ્તારોમાં ચોખામાંથી મોટા ભાગની વાનગીઓ બનાવવામાં આવે છે. ગળપણ ઓછું લેવાય છે અને બટેટાંનો ઉપયોગ પણ ઓછો થાય છે. ત્યાંની આબોહવા થોડી ગરમ હોવાને કારણે આંબલીનો ઉપયોગ ઠંડક થાય એ માટે કરવામાં આવે છે. એવી જ રીતે કોકમ પણ શરીરને ઠંડક આપવા માટે ઉપયોગી બની શકે છે. ચોખા અને દહીંનો સમન્વય મગજને તંદુરસ્તી બક્ષે છે.

ગુજરાતમાં આહાર બાબતે વાત કરીએ તો, આપણા માનવા મુજબ આંબલીની ખટાશને સાંધાના દુખાવા માટે જવાબદાર ગણી શકાય. વધુ ભાતથી ગૅસ, ઍસિડિટી જેવી તકલીફ થઈ શકે છે. ખરેખર જોવા જઈએ તો આંબલી એ મિનરલ્સ તેમ જ મૅગ્નેશિયમ તથા પોટેશિયમનો સમૃદ્ધ સ્રોત છે. એ હાડકાંની તંદુરસ્તીમાં મદદ કરે છે. આંબલીનો ઉપયોગ સાંધામાં લુબ્રિકન્ટનું કામ કરે છે અને સાંધાનું હલનચલન સ્મૂધ બનાવે છે. તમને ગાઉટ જેવી તકલીફ હોય તો આંબલીનો ઉપયોગ ટાળવો.

પ્રશ્ન: ૪૫ની ઉંમર પછી મારું વજન વધતું જાય છે. આ ઉંમરે વેઈટ લોસ કરવું મુશ્કેલ છે? વધતું વજન કન્ટ્રોલ કરવા મારે શું કરવું જોઈએ?

– સરલા તન્ના (વડોદરા)

ઉત્તર: ૪૫ વર્ષની ઉંમર આસપાસ ઘણા હોર્મોનલ ફેરફાર થતા હોય છે, જેને કારણે વજન વધતું હોય છે આથી ઘણાં સ્ત્રી અને પુરુષોને સુદ્ધાં શરીરની ચરબીના થર ઉતારવામાં મુશ્કેલી પડે છે. વજન ઉતારવું અશક્ય નથી, પણ સાથે સાથે આપણી આદતો સુધારવી જરૂરી છે, કારણ કે વજન વધવાનાં અન્ય કારણોમાં બેઠાડુ જીવન, વધેલું ફૂડ ખાવાની આદત, શારીરિક પ્રવૃત્તિનો અભાવ, વગેરે પણ છે.

સ્ત્રીઓમાં આ ઉંમરે ઈસ્ટ્રોજન હોર્મોન ઘટવાને કારણે શરીરમાં ફૅટ જમા થાય છે, હાડકાં અને મસલ્સની તાકાત ઘટે છે. મેનોપોઝને કારણે આરોગ્યની બીજી સમસ્યા વધવાને લીધે પ્રવૃત્તિ ઘટે છે. ટૂંકમાં, આ એક પ્રકારનું ચક્કર છે અને એટલે વજન ઘટાડવું મુશ્કેલ લાગે છે. આવા સમયે સ્ટ્રેસ લેવાને બદલે શારીરિક તેમ જ માનસિક તંદુરસ્તી પર ધ્યાન રાખવું.

સૌથી પહેલાં તો આહાર પર નિયંત્રણ જરૂરી બને છે. તેલ અને સાકર ઓછાં હોય, પણ  પ્રોટીન તથા વિટામિન પૂરતા પ્રમાણમાં હોય એવો આહાર લેવો. નિયમિત યોગ કે કસરત ના થઈ શકે તો કમ સે કમ અઠવાડિયામાં ત્રણથી ચાર વખત એક્સરસાઈઝ કરવી. સવારનો નાસ્તો તથા બપોર અને રાતનું ભોજન રોજ એક જ સમયે લેવાય એનું ધ્યાન રાખવું. સવારના ઊઠીને તરત જીરાયુક્ત હૂંફાળું પાણી લેવું, કારણ કે આ સમયે ફૅટ વધવાને કારણે ચયાપચયની ક્રિયા મંદ પડે છે. એ સુધારવા જીરા વૉટર ઉપયોગી થશે. આ ઉંમરે હાડકાંની શક્તિ અને ક્ષમતા ઘટે છે, જેને કારણે ઘૂંટણમાં ઘસારો થવાનો શરૂ થાય છે. એ સરભર કરવા કૅલ્શિયમ પૂરતી માત્રામાં મળી રહે એ માટે દૂધ, દહીં, છાશ, બદામ, લીલોતરીવાળાં શાકભાજી, વગેરેનો નિયમિત ઉપયોગ કરવો.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)