ગુજરાતની પહેલી વિમેન્સ હોમગાર્ડ્ઝ ટીમ (નવસારી)નાં સભ્ય જેમણે લગ્ન પછી પણ હૉકી અને બાસ્કેટ-બોલની રમત ચાલુ રાખી, તેવાં ખેલાડી ધનબહેન દસ્તુરની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ અને અભ્યાસ સુરતમાં. એસ.એસ.સી. સુધી પારસી પટેલ સ્કૂલમાં ભણ્યાં. એક ભાઈ અને એક બહેનનું નાનું કુટુંબ હતું. પિતા ખેતી કરતા. ધનબહેનની 11 વર્ષની ઉંમરે જ માતા ગુજરી ગયાં. તે સમયે તેમની નાની બહેન તો માત્ર નવ મહિનાની હતી! પણ, સુરતમાં નાના-નાની અને મામા-મામી સાથે બહુ પ્રેમથી બાળપણ વિતાવ્યું. 19 વર્ષે બહેરામગોર દસ્તુર (પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકર અને રાઈટર) સાથે લગ્ન થયા. ધનબહેન પોતે પણ એકદમ પોઝિટીવ વિચારધારા ધરાવે છે. પતિ હોમગાર્ડસ અને સ્પોર્ટ્સમાં આગળ પડતો ભાગ લેતા હતા તેથી તેમની સાથે ધનબહેનને પણ સ્પોર્ટ્સમાં ભાગ લેવાનો લાભ મળતો! અમદાવાદ આવ્યાં પછી તેમણે ગર્લ્સ પોલિટેકનિકમાં પાંચ વર્ષ કામ કર્યું હતું. બાળકોના જન્મ પછી તેઓ ઘરે જ ટ્યુશન આપતાં. તેમને બે દીકરી, એક દીકરો, છ પૌત્ર-પૌત્રીઓ તથા ત્રણ પ્રપૌત્રીઓ છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે નાહી-ધોઈને પ્રાર્થના કરી જાતે જ રસોઈ બનાવે છે. ઘરની સાફ-સૂફી પણ જાતે કરે છે. કસરત કે યોગ વગેરે નથી કરતાં. ઘરનું કામ-કાજ પતાવી ભરવા-ગુંથવાનું અને કટીંગ, નીટીંગ તથા સિલાઈનું કામ કરે છે. સમય મળે ત્યારે છાપું વાંચે અને છાપામાં Cross-Word તથા Sudoku રમે. દોઢ-બે વાગ્યે જમીને બપોરે આરામ કરે. ઊઠીને સાંજની રસોઈ બનાવે. સાંજે ક્યારેક નીચે ગાર્ડનમાં વોક લેવા જાય. કેમ્પસમાં બહેનો અને બાળકો સાથે હળે-મળે. તેમની એક દીકરી નજીક જ રહે છે તેથી તેની હુંફ રહે છે.
શોખના વિષયો :
ભરત, ગુંથણ અને કલા-કારીગીરીની વસ્તુઓ બનાવવાની સાથે-સાથે ઘરને શણગારવાનું બહુ ગમે છે. પોતાનાં કપડાં અને ઘરની બધી દીકરીઓનાં કપડાં જાતે જ સીવે છે! તે ઉપરાંત જાત-જાતની કળા-કારીગરીવાળી ફ્રેમ બનાવે છે, સ્વેટર બનાવે છે…વાંચવાનું પણ બહુ ગમે છે. છાપામાંથી દરરોજ ક્રોસ વર્ડ અને સુડોકુ ગેમ ચોક્કસ રમે છે. પ્રિન્ટેડ છાપાં અને મેગેઝીનને બદલે વાંચવા માટે ટેબલેટનો ઉપયોગ કરે છે.
તબિયત સારી છે. વજન ઘણું ઓછું છે અને એકવડો બાંધો છે જેથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને ઘણું કામ કરી શકે છે. દર બે ત્રણ વર્ષે અમેરિકા દીકરાને ઘેર જાય છે. પાંચેક વર્ષ પહેલા કિડનીની તકલીફ થતાં એક કિડની કાઢી નાખી છે, એટલે અત્યારે એક જ કિડનીથી કામ ચાલે છે. બીપીનો પ્રોબ્લેમ રહે છે. બીપી વધી જાય તો આંખમાં તકલીફ થાય છે. પણ એકંદરે તંદુરસ્ત છે.
યાદગાર પ્રસંગ:
પૌત્ર-પૌત્રીઓ સાથે સમય ગાળવા દીકરાને ઘેર વડોદરા ચાર વર્ષ રહ્યાં. બાળકો સાથે ગાળેલો તે સમય બહુ યાદગાર બની ગયો છે. નાની દીકરીને ઘરે દીકરીનો જન્મ થતાં, બધી બહેનો માટે એક સરખા ડ્રેસ બનાવ્યા! એક દીકરી માટે તો ચાલે જ નહીં! દીકરાને ઘેર અમેરિકા છ મહિના રહે તો ત્યાં પણ તેમનું ભરત-ગુંથણનું કામ ચાલુ જ હોય!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
તેઓ ટેકનોલોજી માટે એકદમ પોઝિટિવ છે. છાપાં અને મેગેઝીન વાંચવા ટેબલેટનો ઉપયોગ કરે છે. વાતોચીતો કરવા અને WHAT’SAPP માટે મોબાઈલ વાપરે છે.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેઓ વર્તમાનમાં જ જીવે છે અને એટલે તેમને લોકોમાં કે લોકોની વર્તણુકમાં કોઈ ફેર લાગતો નથી! દેશ-પરદેશ ફરતાં રહે છે અને જાતજાતનાં લોકોને મળતાં રહે છે અને જીવનનો આનંદ માણતાં રહે છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
ઘરમાં જ ચાર પેઢીનાં બાળકો છે! કુટુંબનાં બાળકો અને દીકરા-દીકરીઓ સાથે સારો સંપર્ક છે. બધાંને મનગમતા પોશાકો જાતે સીવી-બનાવી આપે છે, તેથી બધાંને દાદી ઉપર ખૂબ પ્રેમ છે! અમેરિકા નિયમિત જાય છે અને ત્યાંના બાળકોને પણ મળતાં રહે છે જેથી સંપર્ક બની રહે છે.
સંદેશો :
સીવણ-ભરત-ગુંથણ એ પણ એક કળા છે. બધું જ તૈયાર લેવા કરતાં જાતે આ કળા શીખો અને મનગમતી વસ્તુઓ જાતે જ બનાવો!