ગભરુ, ગુજરાતી વાણિયો થયો દારૂગોળાનો સ્પેશિયાલિસ્ટ? ઉમરેઠમાં જન્મેલ અને વડોદરામાં ઊછેરલ યુવાન થયો
તેમની સાથેની વાતચીતનો એક્સ-રે :
ત્રણ ભાઈઓ અને છ બહેનોનું મધ્યમવર્ગી કુટુંબ, તેઓ સૌથી મોટા. પિતા વડોદરામાં ગાયકવાડી-રાજની નોકરી કરે. આઝાદી પછી સરકારી નોકરી મળી. વારંવાર બદલી થાય, એટલે ગામે ગામનાં પાણી પીધેલાં! એલ.ડી.એન્જિનિયરિંગ કૉલેજમાંથી બી.ઈ. ઇલેક્ટ્રિકલ્સ ભણી તરત જ લેક્ચરર તરીકેની નોકરી સ્વીકારી. એકવાર એરફોર્સમાં ભરતીની જાહેરાત વાંચી. કોલેજમાં એન.સી.સી. કર્યું હતું એટલે લશ્કરી સેવાઓ માટે અહોભાવ પણ ખરો. દહેરાદૂન ફરવા મળશે એવી આશાએ તેમણે અરજી કરી. એડમીશન મળી ગયું! પિતાજીને બહુ ઇચ્છા નહીં પણ તેઓ મક્કમ મને એરફોર્સમાં જોડાઈ ગયા. નાની ઉંમરે લગ્ન થયા. લગ્નના થોડા સમયમાં થયું ૧૯૬૫નું વૉર! ઘરમાં ચિંતાનું વાતાવરણ ખડું થઈ ગયું! પણ વડોદરામાં પોસ્ટિંગ મળતાં રાહત થઈ! પિતાજીના મૃત્યુ બાદ બધાં ભાઈ-બહેનોની જવાબદારી માથે લીધી. તેમને ભણાવી-ગણાવીને પરણાવ્યા.
વડોદરાથી ખડગપુર, કલકત્તા, અલ્હાબાદ, પૂના, આમલા, બાલાસોર એમ જુદી જુદી જગ્યાઓએ પોસ્ટિંગ થતાં રહ્યાં. સરસ કામ મળતા રહ્યાં. ડિફેન્સ રિસર્ચ માટે ડીઆરડીઓની નવી ઓફિસ શરૂ કરી. ચીફ રેસિડેન્ટ એન્જિનિયર તરીકે આર્મામેન્ટ ડિઝાઇન એપ્રુવલનું કામ કર્યું જ્યાં 84- 85માં ડૉક્ટર અબ્દુલ કલામ મીસાઈલ ડાયરેક્ટર હતા.
નિવૃત્તિની પ્રવૃત્તિ અને શોખના વિષયો :
વાંચવાનું ગમે. સાયન્ટિફિક ફિક્શન વાંચવી ગમે છે. રોજ ૪-૫ કિ.મી. ચાલું છું. અને શેરબજારમાં પ્રવૃત્ત છું! ગુજરાતી અને અંગ્રેજી બંને છાપા વાંચું, એટલે તેમાં પણ સમય જાય છે. whatsapp વગેરેથી સોશિયલ મીડિયામાં એક્ટીવ છું. ’97ની સાલમાં ઊંચી રેન્કથી રીટાયર થયો ત્યારે હાથ નીચે પંદરસો માણસ કામ કરતા હતા, એટલે બીજે ક્યાંય નોકરી કરવાનું મન થયું નહીં!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?
કોઈ મોટી બિમારી આવી નથી. તબિયત સાચવું છું. રોજ કસરત કરું છું, ૪-૫ કિ.મી.ચાલું છું એટલે તબિયતનો કે ફિનાન્સિઅલ કોઈ પ્રોબ્લેમ નથી.
યાદગાર પ્રસંગ:
Proof and Experimental Establishment (PXE), બાલાસોર, શતાબ્દી મહોત્સવ 1995માં બહુ જ ભવ્ય રીતે, બીચ ઉપર, ઉજવાયો હતો. આર્મી, એરફોર્સ અને નેવી એમ ત્રણેય વિંગના ઉપરીઓ તથા ડૉક્ટર અબ્દુલ કલામ, રાય ચૌધરી વગેરે અનેક મહાનુભાવો આવ્યા હતા. હું તે પ્રોગ્રામનો સુત્રધાર હતો, કમાન્ડર હતો. આખો પ્રોગ્રામ સંપૂર્ણ મિલિટરી પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામ પછી ડૉક્ટર અબ્દુલ કલામ ઘરે આવ્યા હતા!
આજની પેઢી સાથે સંકળાયેલા છો ?
હું ગમે ત્યાં જાઉં, મારી ઉંમરના માણસો સાથે બેસતો જ નથી! યુવાનો અને બાળકો સાથે જ હોઉં. મંદિરમાં જાઉં કે ફરવા જાઉં, બાળકો સાથે મને બહુ ફાવે. મારા બે પુત્રોમાંથી એક અમેરિકા છે અને બીજો કર્નલ છે. તેમની સાથે પણ કાયમ કોમ્યુનિકેશન થતું રહે છે.
શું ફેર પડ્યો લાગે છે ત્યારમાં અને અત્યારમાં?
પહેલાં પૈસાની લેવડદેવડ બહુ ઓછી હતી. બધું કામ ભરોસાથી અને વિશ્વાસથી થતું. આજે હવે પૈસાનો પણ વિશ્વાસ નથી! દેખાદેખી બહુ વધી ગઈ છે! જાતજાતની વસ્તુઓ જોઈએ! મોબાઈલ ના અપાવો તો આપઘાત કરે એવા સમાચાર હમણાં જ વાંચ્યા હતા!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો? તેના ફાયદા /ગેરફાયદા/ ભયસ્થાનો :
૧૯૭૩માં ભણતી વખતે કોમ્પ્યુટર વાપર્યું હતું, 24KBનું રૂમ ભરાઈ જાય તેવું મોટું કોમ્પ્યુટર! પંચકાર્ડ વાપરતા અને સોફ્ટવેર પણ બનાવતા. સોફ્ટવેર બનાવવાનું પછી પણ ચાલુ રાખ્યું. નવું નવું શીખ્યા કરું. નવી ટેકનોલોજીના ફાયદા ઘણા છે, ઘેર બેઠા બધાં કામ થઈ જાય! પણ એ જ કદાચ મોટામાં મોટો ગેરફાયદો છે! લોકોનું બહાર જવાનું બંધ થઈ ગયું છે. પહેલાં 10 રૂપિયાના બોલ માટે દસ મિત્રો ભેગા થઈ એકએક રૂપિયો કાઢે અને રમે. આજે રૂપિયા તો ઘણા છે પણ મિત્રો જ મળતા નથી! ટેકનોલોજી સારી વસ્તુ છે પણ તેનો misuse ન કરવો જોઈએ.
સંદેશો :
મોબાઈલ વાપરો, પણ થોડા સમય માટે. સોશિયલી એક્ટિવ રહો. એકબીજાને પ્રત્યક્ષ મળતાં રહો. મિત્રો, મા-બાપ માટે સમય કાઢો. તેઓ પણ તમારા માટે તો જ સમય કાઢશે ને?