છેલ્લાં આઠ વર્ષમાં આઠ બાળ ઉપયોગી પુસ્તકો (3 પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમીની સહાય સાથે) લખનાર પ્રહલાદભાઈ સુથારની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ કામલીમાં (સિધ્ધપુર પાસે), વતન ઉત્તર ગુજરાતના કડી તાલુકાનું આનંદપુરા ગામ. હોળીના દિવસે તેમનો જન્મ થયો હોવાથી તેમનું નામ પ્રહલાદ રાખ્યું હતું. પાંચ ભાઈ અને એક બહેનનો સામાન્ય પરિવાર. પિતા સુથાર હતા પણ તેમને ગણિતનો બહુ શોખ હતો, ગણિતમાં 100માંથી 100 માર્ક આવતા! પ્રહલાદભાઈ ચાર ધોરણ સુધી ગામમાં જ ભણ્યા. પાંચથી આઠ ધોરણ અને આગળ ભણવા રેલ્વે સ્ટેશન ડાંગરવા ઓળંગી બે કિલોમીટર ધૂળિયા રસ્તે પગે ચાલી જતા. અભ્યાસ બાદ તેમને શિક્ષક થવાનું મન હતું, પણ વડીલોની સલાહ માની પ્રહલાદભાઈએ સરકારી નોકરી સ્વીકારી, છ બદલી થઈ! ₹90ના પગારથી નોકરીની શરૂઆત કરી. સમયનો સદુપયોગ અને થોડી કમાણી કરવા માટે ફોટો-સ્ટુડીઓનું કામ, કલર-કામ, સુથારી-કામ, મોડેલિંગનું કામ શીખ્યા અને ઘણું કામ કર્યું. નોકરી માટે આવવા-જવામાં સમય ઘણો લાગતો હતો ત્યારે નાના ગામની મોટી લાઇબ્રેરીનો ઉપયોગ કરી ઘણું વાંચન કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
નિવૃત્ત થયાને 24 વર્ષ થઈ ગયા છે. બે કમાઉ દીકરા છે, તેઓ નાના દીકરા-વહુ સાથે રહે છે. જીવન મોજમાં જીવી રહ્યા છે! ઘરનાં લોકો તેમનું બહુ ધ્યાન રાખે છે. ચાર વર્ષ પહેલાં તેમની પત્નીનું અવસાન થયું. તેમણે છેલ્લાં આઠ વર્ષમાં આઠ બાળ ઉપયોગી પુસ્તકો લખ્યાં છે.
શોખના વિષયો :
લખવાનું અને વાંચવાનું (ધાર્મિક વાંચન) ગમે. ચિત્ર કરવાનો અને બિલ્ડીંગના મોડેલિંગ કરવાનો શોખ. વડીલોની ટોળકીમાં મિત્રોની વર્ષગાંઠ પર કવિતા લખી આપવાનો નવો શોખ છે! બાકી તો “ચાલશે, ભાવશે અને ફાવશે”નો મંત્ર અપનાવ્યો છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
તબિયત એકદમ ફર્સ્ટ ક્લાસ છે! કોઈ જાતનો રોગ નથી. શરીરનું દેહ-દાન કરેલું છે. સવાર-સાંજ કલાક પ્રાર્થના કરે છે. પ્રાર્થનાની સાથે-સાથે કસરત પણ કરે છે. વડીલોની ટોળકી સાથે નાસ્તા-પાણી કરી પ્રસંગોની ઉજવણી કરે છે. સિનીયર સિટિઝન્સ ગ્રુપમાં તેમના કવિતા-સર્જનના શોખે તેમને નવી ઓળખ આપી છે!
મામાની મીઠી નજરે તેમની સાથે કારમાં બેસીને તેઓ કામે જતા. મામાના અને તેમના બાળકો કાર ચલાવતા શીખી ગયા પણ તેઓ ગાડી ચલાવતા શીખ્યા નહીં. ઘરની ગાડી હોવા છતાં કોઈના ભરોસે રહેવું પડે છે તેનું દુઃખ છે. ગાંધી-આશ્રમમાં તેમના પિતાએ અને તેમણે મોડલિંગનું ઘણું કામ કર્યું છે. આખા કેમ્પસનું મોડલ તેમણે બનાવ્યું હતું. હૃદયકુંજની સામે લાઈટ-એન્ડ-સાઉન્ડ શો બનાવતી વખતે તેમનું મોડલ ઘણું કામ આવ્યું. AUDAનો અત્યારનો લોગો મશીનરીના ઉપયોગ વગર હાથ કારીગરીથી તેમણે બનાવ્યો છે! પત્નીને નાકમાં છીંકણી ભરવાની ટેવ. પત્ની છીંકણી સુંઘવા ઘરની બહાર જાય એટલી વારમાં પ્રહલાદભાઈ તેમનું લેખન કાર્ય કરી લે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
નવી ટેકનોલોજી માટે તેઓ એકદમ પોઝીટીવ છે. પોતે તો શીખ્યા નથી પણ તેના ઉપયોગથી સુધારા-વધારા કરવાનું બહુ સહેલું પડે છે, જેનો સતત લાભ તેમને મળે છે. પરદેશ રહેતા સ્વજનો સાથે સતત સહેવાસમાં રહી શકાય છે. ગજબની ટેકનોલોજી છે એવું તેમને લાગે છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
પહેલાના સમયમાં લોકો પ્રસંગો ઉપર જરૂર ભેગાં થતાં, હવે રોજ ભેગાં તો થાય છે પણ મોબાઈલ પર! આમને-સામને મળવાનું ઓછું થઇ ગયું છે. યુવાનોનો મોટાભાગનો સમય મોબાઈલમાં જાય છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
આજની પેઢી સાથે તો સંકળાયેલા રહેવું જ પડેને? તેમને બે દીકરા, બે પૌત્ર, બે પૌત્રી અને એક પ્રપૌત્ર છે. તેઓ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે એટલે યુવાનોને મળવાનું થાય. બાળવાર્તાઓ લખે છે એટલે બાળકોને પણ મળવાનું થાય. મોટાભાગે મા-બાપ મોબાઇલમાંથી ઊંચા નથી આવતાં એટલે બાળકો તેમની વાર્તાઓ વાંચી સમય પસાર કરે છે!
સંદેશો :
વડીલો પોતાની તંદુરસ્તી સાચવે તે જરૂરી છે. સ્વાર્થ છોડી પરિવારનાં સૌ સાથે હળીમળીને રહેવું. દીવા અને અગરબત્તી સમા રહી સમાજ-સંસારે સોહામણા બનાય એ અગત્યનું છે. વ્યસનો છોડો. વાવેલું ઊગ્યે દુઃખી થઈ દુઃખી કરે તે કોઈને ના ગમે. આ વાત સલાહ ગણાવી કે સંદેશો તે વાચકો પર છોડીએ!