રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓ માટે અનેક ફેરફારો કરી રહી છે. અગાઉ આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફી, સાથે જ ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબ રાખવા ફેરફાર કર્યા હતા. હવે ફ્લેટ વેચાય અને નવા મેમ્બર રહેવા આવે તો તેમની પાસેથી મન ફાવે તેમ રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું કહેવું છે. અત્યારે ડેવલપમેન્ટ ફીને નામે રૂ. 1 લાખથી માંડીને 10 લાખ કે વધુ રકમ વસૂલી લેવામાં આવે છે.
ગુજરાત સરકારના સહકાર ખાતાના અધિકારીઓને આ હકીકતની જાણ હોવાથી તેમણે આ ગેરરીતિઓને નાબૂદ કરવા માટે ટ્રાન્સફર ફી પેટે રૂ. 50,000ની મહત્તમ રકમ ઉપરાંત ડેવલમેન્ટ ફીને નામે કોઈ જ ફી ન વસૂલવાની વ્યવસ્થા ઊભી કરી છે. તેમ છતાંય નવા ફ્લેટ ખરીદનાર પાસે ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફીને નામે મોટી રકમ પડાવવામાં આવી રહી છે. આ રકમ કોઈપણ હાઉસિંગ સોસાયટી ન લે તે માટે નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.
જોકે ફ્લેટ ખરીદીને જૂની સોસાયટીમાં નવા સભ્ય બનનારાઓ પાસેથી ટ્રાન્સફર ફી લેવામાં આવે છે. ફ્લેટની માલિકી બદલાતા નવા સભ્યને સોસાયટીમાં સભ્ય બનાવવા માટે ટ્રાન્સફર ફી પેટે મહત્તમ રૂ. 50,000 લેવાનો નિયમ કરવામાં આવેલો છે. તેમ છતાંય કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓ અને કોઓપરેટીવ સર્વિસ સોસાયટીઓ નવા સભ્ય બનનાર પાસેથી ટ્રાન્સફર ફી ઉપરાંત ડેવલપમેન્ટ ફી પણ વસૂલે છે. આ રકમ રૂ. 10 લાખથી માંડીને તેનાથીય મોટી હોવાની સંભાવના રહેલી છે. નવા નિયમ આવી ગયા પછી ડેવલપમેન્ટ ફીને નામે વધુ નાણાં લેવામાં આવશે તો જે તે સહકારી હાઉસિંગ સોસાયટી કે સર્વિસ સોસાયટીના બોર્ડના સભ્યને છ વર્ષ માટે હોદ્દાથી દૂર કરી દેવામાં આવશે. સોસાયટીના આખા બોર્ડને પણ દૂર કરી દેવામાં આવે તેવી જોગવાઈ દાખલ કરવામાં આવી રહી છે.