ઓસ્કાર માટે ઘણી ભારતીય ફિલ્મને મોકલવામાં આવી છે. પરંતુ જો કોઈ ફિલ્મ વધારે ચર્ચામાં હોય તો તે છે ‘લાપતા લેડિઝ’. આ ફિલ્મની એટલી બધી વાતો થઈ છે કે કદાચ ફિલ્મ સંબંધિત તમામ બાબતોથી તમે અવગત હશો. ત્યારે આજે આપણે ફિલ્મને પાનાં પર ઉતારનાર ફિલ્મના લેખિકા સ્નેહા દેસાઈ વિશે વાત કરીશું. ગુજરાતીઓ માટે ખાસ ગોરવની વાત છે એ છે કે સ્નેહા દેસાઈ ગુજરાતી છે. મૂળ સ્ટોરી બિપલબ ગોસ્વાની છે. પરંતુ એક રોપાને પાણી પાઈને જેમ ઘટાદાર વુક્ષ બનાવવામાં આવે એમ સ્નેહા દેસાઈએ આ સ્ટોરીનો સ્ક્રીનપ્લે અને સંવાદો લખીને વાર્તા બનાવી લોકોના દિલ સુધી પહોંચાડી છે.
સ્નેહા દેસાઈ મૂળ મુંબઈના છે. તે એક લેખિકા અને કુશળ અભિનેત્રી પણ છે. ગુજરાતી પરિવારમાં જન્મેલા સ્નેહા દેસાઈએ પોતાના કરિયરની શરૂઆત ગુજરાતી રંગભૂમિથી કરી હતી. અભિનેત્રી તરીકે ગુજરાતી નાટકોમાં કામ કરતાં સ્નેહાને સપનેય વિચાર નહોતો કે ભવિષ્યમાં કલમ તેમની કરિયરને એક અલગ જ દિશા આપશે. તેણીએ પ્રખ્યાત નાટકોમાં અભિનય પણ કર્યો છે. લગ્ન બાદ બાળકનો જન્મ થયો ને અભિનયથી થોડું અતંર આવ્યું, આ અંતરે તેણીને લેખન તરફ દોર્યા. તેમણે કોડમંત્ર, સફરજન, ક કાનજીનો ક જેવા વિવિધ સફળ નાટકો લખ્યાં અને પછી ટેલિવિઝન તરફ પ્રયાણ કર્યુ. સ્નેહા દેસાઈએ હિન્દી શૉ ‘વાગળે કી દુનિયા’ અને ‘પુષ્પા ઈમ્પોસિબલ’પણ લખ્યાં છે. લેખિકા તરીકે લાપતા લેડિઝ તેમની ડેબ્યુ ફિલ્મ રહી છે. તેમજ ‘મહારાજ’ ફિલ્મ પણ તેમની કલમથી લખાઈ છે. હવે જ્યારે લાપતા લેડિઝને ઓસ્કારમાં એન્ટ્રી મળી છે ત્યારે સ્નેહા દેસાઈએ ચિત્રલેખા ડૉટ કૉમ સાથે વાત કરી પોતાના અનુભવ શેર કર્યા છે.
1. લાપતા લેડિઝ ફિલ્મ કેવી રીતે મળી?
લાપતા લેડિઝ એક સુખદ સંજોગ છે એવું કહી શકાય. મેં પહેલી ફિલ્મ જે લખી હતી એ મહારાજ છે. જ્યારે હું જનૈદ ખાનને મહારાજની સ્ટોરી સંભળાવવા ગઈ હતી ત્યારે આમિર સર અને કિરણ મેમ પણ ત્યાં બેઠા હતા નરેશન સાંભળવા માટે. એ સમયે અમારી પહેલી મુલાકાત થઈ. જોકે ત્યારે લાપતા લેડિઝ વિશે કોઈ જ પ્રકારની વાત નહોતી થઈ. બાદમાં મહારાજ ફિલ્મનું શૂટિંગ શરૂ તો થયું પણ લોકડાઉનને કારણે અટકાવવામાં આવ્યું. આ સ્થિતિમાં ઈન્ડસ્ટ્રીમાં મોટા ભાગના લોકો જ્યારે ઘરે બેઠા હતા ત્યારે લોકડાઉન દરમિયાન મને આમિર ખાન પ્રોડક્શનન તરફથી લાપતા લેડિઝની સ્ટોરી માટે સ્ક્રીનપ્લે અને સંવાદ લખવાની ઓફર આવી હતી.
અમે લખવાનું શરૂ કર્યુ ત્યારે નક્કી કર્યુ હતું કે ફિલ્મથી ઉપર કોઈ વસ્તુ ન હોવી જોઈએ. પ્રોડક્શન તરફથી મને કોઈ પણ બંધન નહોતું. મને વાર્તાને અનુરુપ કંઈ પણ લખવાની બાંહેધરી હતી. અમે બહુ સાતત્ય સાથે આ વાર્તા લખી શક્યા. લખતી વખતે કિરણ મેમ અને આમિર સર બંને સતત સાથે હતાં. અમે જ્યારે રિંડીંગ કરતા ત્યારે તેઓ સતત ફિડબેક આપતાં. સ્ક્રિપ્ટ લેવલ પર જ એટલું ઝીણવટપૂર્વક અને સરસ એડિટિંગ થયું હતું કે અમને ખાતરી હતી કે જ્યારે ફિલ્મ બનશે ત્યારે એક ભારે ફિલ્મ બનશે.
3. સ્ટોરી લખતાં કેટલો સમય લાગ્યો?
મૂળ વાર્તા બિપલબ ગોસ્વામીની છે. સ્ક્રીનપ્લે અને સંવાદો મેં લખ્યા છે. મેં જ્યારે પહેલો રૉ ડ્રાફ્ટ તૈયાર કર્યો જે મારે પ્રોડક્શનને સંભળાવવાનો હતો તે 25 દિવસમાં તૈયાર થયો હતો.બાદમાં જ્યારે મેં વાર્તા સંભળાવી ત્યારે તે તેમને ખુબ જ ગમી અને તેમણે કહ્યું કે અહીં આપણે આ પ્રોજેક્ટને લૉક કરીએ છીએ. આપણે તમારી સાથે જ આ વાર્તામાં આગળ વધીશું અને તમે જ સ્ક્રીનપ્લે અને સંવાદ લખશો. ત્યાર બાદ અમે બીજા ડ્રાફ્ટ પર કામ કરવાનું શરૂ કર્યુ. કઈ વસ્તુ પર ભાર આપવો, લોકોને સમજાય એવી રીતે ડેવલપ કરવી, કોઈ વસ્તુ સારી છે તો તેને યોગ્ય રીતે ઉજાગર કરવી આવી વિવિધ બાબતનો ધ્યાનમાં રાખી બીજો ડ્રાફ્ટ તૈયાર કર્યો. લોકડાઉન હોવાથી અમારી પાસે ઘણો સમય હતો તેથી ધીમે ધીમે કામ કર્યુ આશરે છ થી આઠ મહિના જેટલો સમય લાગ્યો બાકી બે મહિનામાં પણ થઈ શક્યુ હોત.
4. કિરણ રાવ અને આમિર ખાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
મારે એક વાત કહેવી જ રહી કે તે લોકો પોતાની કળાને લઈને અને પોતાના પ્રોડક્શન હાઉસને લઈને ખુબ જ ઉદાર છે. તેમના પ્રોડ્કશનમાં બનતી અન્ય કોઈ ફિલ્મની પ્રક્રિયામાં પણ તમને સામેલ કરે છે. રિડીંગ સેશન્સ કે કોઈ અન્ય પ્રવૃત્તિમાં તે બોલાવે તેમજ જોડાવવાની તક આપે જેથી જ્યાં પણ તમારે યોગદાન આપવું હોય ત્યાં આપી શકો. તમને સાંભળવામાં આવે. તેમના આટલા બહોળા અનુભવમાંથી મને આ પ્રોજોક્ટ દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું.
5. એક મહિલા તરીકે મહિલા કેન્દ્રિત ફિલ્મ લખવાની પ્રક્રિયા કેવી રહી?
મને લાગે છે જ્યારે સ્ત્રીઓ સ્ત્રી પાત્રને લખતી હોય ત્યારે એક અલગ પ્રકારની ભાવના આપણે લાવી શકીએ છીએ. પણ હા, હું જરાય એવું નથી માનતી કે પુરુષો સ્ત્રી પાત્રને સારી રીતે નથી લખી શકતાં. લાપતા લેડિઝમાં જે મહિલા પાત્રો છે, એ પ્રકારના પાત્રો લખો ત્યારે એક મૂળભૂત વાત એ કે મહિલા ઓબર્ઝવેશનને તમે પાત્રમાં લાવી શકો છો. જ્યારે એવી વાતોને તમે પડદા પર લાવો ત્યારે મોટાભાગની ઓડિયન્સ, મહિલાઓ એ બાબતો સાથે કનેક્ટ થઈ શકે છે. તેમની ખુશી પીડા બધું જ અનુભવી શકે છે. જયારે તમને પાત્રો સાથેનું કનેક્શન મળી જાય ત્યારે તમે ફિલ્મ સાથે ઓટોમેટિક કનેક્ટ થઈ જાઓ છો. મને લાગે છે લાપતા લેડિઝને એ વાતનો સૌથી વધારે ફાયદો થયો છે. જો આપણે આપણી આસપાસ નિરીક્ષણ કરીએ તો આવા અનેક પાત્રો જોવા મળે છે. અમારો પહેલેથી એક નિર્ણય હતો કે અમારે માણસોની અંદર રહેલી સારપને ઉજાગર કરવી છે અને એને ઉજવવી છે. નારીને ઉંચી કે નબળી બતાવવી કે પુરૂષને મજબુત કે નબળો દર્શાવવો એવી કોઈ વાત નહોતી.
6. ઉભરતાં યુવા લેખકો માટે કંઈ સૂચન?
સૌથી પહેલા કહીશ કે ખૂબ જ વાંચો અને એટલું જ લખો. જેટલો રિયાઝ હશે એવું જ લખાણ કાગળ પર દેખાશે. ઘણાં લોકોને એવું લાગે કે અમે લખીએ છીએ પણ અમને મોકો નથી મળતો. પરંતુ એવું નથી, જો તમારા લખાણમાં સ્પાર્ક હશે તો તે કોઈ પણ રીતે દુનિયા સુધી પહોંચશે. ફિલ્મ જુઓ, વિવિધ સ્ક્રિપ્ટ વાંચો, સ્ક્રીનપ્લેની ગુંથણી કેવી રીતે થાય છે તેનું નિરીક્ષણ કરો અને સેલ્ફ સ્ટડી કરો.
અંતે ઓસ્કારમાં ફિલ્મની એન્ટ્રી પર ખુશી વ્યકત કરતાં સ્નેહા દેસાઈએ કહ્યું ‘બહુ બધાં લોકોને ફાળો છે આ સફળતામાં. મારો પરિવાર, મિત્રો અને જે પણ લોકોનો સહકાર મળ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. આ ગોવર્ધન ઉપાડવામાં બધાની આંગળી અડેલી છે એવું હું સખતપણે માનું છે. ઓસ્કાર સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે.’ઉલ્લેખનીય છે કે સ્નેહા દેસાઈએ જયેશભાઈ જોરદાર અને મહારાજ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. જો તેણીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો રાઈટર તરીકે તેમની બે ફિલ્મ્સ આવી રહી છે. જે આવતા વર્ષે રિલીઝ થઈ શકે છે.